Homeગુજરાતીદેશ-વિદેશવડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂણે મેટ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂણે મેટ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

નવી દિલ્હી, 2 નવેમ્બર 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3જી નવેમ્બર 2026ના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ રૂ. 21,800 કરોડના પૂણે મેટ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધિત પણ કરશે. પ્રધાનમંત્રી પૂણે મેટ્રો લાઇન 3, જેને પિન્ક લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું ઉદ્ઘાટન કરશે, જે રૂ.8,300 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામી છે. આ પ્રોજેક્ટ ટેકનોલોજીકલ ઇનોવેશન અને આધુનિક પરિવહન ઉકેલો દ્વારા પૂણેના શહેરી ગતિશીલતા (અર્બન મોબિલિટી) ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.

આશરે 23 કિલોમીટરમાં વિસ્તરેલી, પિન્ક લાઇન માણને ડિસ્ટ્રિક્ટ કોર્ટ મેટ્રો સ્ટેશન સાથે જોડે છે. આ કોરિડોર હિંજવડી આઈટી હબ અને શિવાજીનગર વચ્ચે મેટ્રો કનેક્ટિવિટી પૂરી પાડશે, જેનાથી પૂણેના મુખ્ય રોજગાર કેન્દ્રોમાંથી એક સુધી પહોંચવામાં સુધારો થશે અને હજારો આઈટી વ્યાવસાયિકો તથા અન્ય મુસાફરોની દૈનિક મુસાફરી સરળ બનશે. આ કોરિડોર હાલના મેટ્રો નેટવર્ક સાથે સંકલિત થશે, જે પૂણેના વિવિધ ભાગોમાં સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડશે. તે ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટાડવામાં, ટ્રાફિક જામ અને વાહનોના ઉત્સર્જનને હળવા કરવામાં અને મુખ્ય વ્યાપારી તથા રહેણાંક વિસ્તારો સુધી પહોંચવામાં સુધારો કરવામાં મદદ કરશે.

પિન્ક લાઇનની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે તેનો ભાર મહિલા સશક્તિકરણ અને લિંગ-સમાવેશી સાર્વજનિક પરિવહન પર છે. આ લાઇનનું સંચાલન સંપૂર્ણપણે મહિલા ટ્રેન ઓપરેટરો દ્વારા કરવામાં આવશે, જે આ પ્રકારની પ્રથમ પહેલ બનશે. આ પ્રોજેક્ટ પર્યાવરણીય સ્થિરતા પર પણ ભાર મૂકે છે, જેમાં તેની કુલ વીજળીની જરૂરિયાતના લગભગ 30% સૌર ઊર્જા દ્વારા પૂરી કરવાની પરિકલ્પના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી પૂણે મેટ્રોના ફેઝ-II નો પણ શિલાન્યાસ કરશે, જેને આશરે રૂ. 13,500 કરોડના અંદાજિત ખર્ચે વિકસાવવામાં આવશે. ફેઝ-II માં પૂણે મેટ્રો લાઇન 2A, 2B, 4 અને 4Aનો સમાવેશ થાય છે, જે શહેરના મેટ્રો નેટવર્કનો નોંધપાત્ર વિસ્તાર કરશે અને મહત્વપૂર્ણ રહેણાંક, વ્યાપારી અને આઈટી હબમાં કનેક્ટિવિટી મજબૂત કરશે.

ફેઝ-II હેઠળ, લાઇન 2A અને 2B આશરે 12.75 કિલોમીટરની કુલ લંબાઈ ધરાવશે. લાઇન 2A વણજને ચાંદની ચોક સાથે જોડશે, જ્યારે લાઇન 2B રામવાડીને વિઠ્ઠલવાડી સાથે જોડશે, જે હાલના પૂર્વ-પશ્ચિમ મેટ્રો નેટવર્કને વિસ્તારશે. આશરે 25.52 કિલોમીટરમાં વિસ્તરેલી લાઇન 4 ખરાડીને ખડકવાસલા સાથે જોડશે. 6.12 કિલોમીટરમાં વિસ્તરેલી લાઇન 4A નલ સ્ટોપને માનિક બાગ સાથે જોડશે. નવા મેટ્રો કોરિડોર ખરાડી, મગરપટ્ટા, હડપસર, સ્વારગેટ, માનિક બાગ, નાંદેડ સિટી, પૂણે કેન્ટોનમેન્ટ અને વારજે સહિતના પાયાના મહત્વના સ્થળોને જોડશે.

રામવાડીથી વિઠ્ઠલવાડી સુધીનો પૂર્વીય વિસ્તરણ ખરાડી અને વાઘોલીમાં ઝડપથી વિકસતા રહેણાંક, વ્યાપારી અને આઈટી હબ સાથે કનેક્ટિવિટીમાં સુધારો કરશે. આ કોરિડોર સ્વારગેટ, નલ સ્ટોપ અને ખરાડી બાયપાસ ખાતે ઇન્ટરચેન્જ સુવિધાઓ દ્વારા આંતરશહેરી બસ સેવાઓ અને હાલના પૂણે મેટ્રો નેટવર્ક સાથે સંકલિત થશે, જેનાથી શહેરના વિવિધ ભાગોમાં સીમલેસ કનેક્ટિવિટી સુલભ બનશે. આ પ્રોજેક્ટ્સ પૂણેના જાહેર પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે, સમગ્ર શહેરમાં કનેક્ટિવિટી સુધારશે અને મુસાફરોને એક કાર્યક્ષમ અને સંકલિત શહેરી ગતિશીલતા નેટવર્ક પ્રદાન કરશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular