મુંબઈ, 2 નવેમ્બર 2026: બોલિવૂડ અભિનેતા આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાન હાલમાં ચર્ચામાં છે. ભારત છોડવા માટે આપવામાં આવેલી નોટિસ મામલે તેમને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અગાઉ ઈમરાન ખાનને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો નોટિસ ફટકારવામાં આવી હતી, જેને પડકારતા તેમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસમાં અગાઉ 27 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે નોટિસ પર 2 નવેમ્બર સુધી સ્ટે ફરમાવ્યો હતો. ત્યારબાદ આજે (2 નવેમ્બરે) મામલે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ફિલ્મ અભિનેતા ઈમરાખાન ખાને કોર્ટમાં એફિડેવીટ રજુ કરીને બીનશરતી માફી માંગી હતી.
બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠીની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આ મામલાની સુનાવણી થઈ હતી. આ દરમિયાન ઈમરાન ખાન તરફથી વરિષ્ઠ વકીલ વેંકટેશ ધોંડ હાજર રહ્યા હતા, જ્યારે મહારાષ્ટ્ર સરકાર વતી સરકારી વકીલ અંજલિ હેલેકરે પક્ષ રજૂ કર્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે ઈમરાન ખાન સામે નોંધાયેલી એફઆઈઆરની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર માહિતી માંગી હતી.
સુનાવણી દરમિયાન અભિનેતા ઈમરાન ખાને બોમ્બે હાઈકોર્ટમાં બિનશરતી માફી માંગી લીધી છે. તેમણે અદાલત સમક્ષ સોગંદનામું રજૂ કરીને ખાતરી આપી છે કે તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ આવા કોઈપણ વિરોધ પ્રદર્શન કે દેખાવોમાં હિસ્સો નહીં લે. કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતા આગામી ૭ ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. અદાલતે આદેશ આપ્યો છે કે આગામી સુનાવણી સુધી ઈમરાન ખાન વિરુદ્ધ જારી કરાયેલી ‘લીવ ઈન્ડિયા નોટિસ’ (ભારત છોડો નોટિસ) પર રોક યથાવત રહેશે. એટલે કે, એફઆરઆરઓ દ્વારા આ નોટિસના આધારે હાલ કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.


