રાજકોટ, 2 નવેમ્બર, 2026 – Election Commission ભારતીય જનતા પાર્ટીના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત આજે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી એસ. પી. સિંઘ બઘેલે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી એસ. પી. સિંઘ બઘેલે પત્રકાર પરિષદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એ ભારતના ચૂંટણી પંચ દ્વારા બંધારણ અને કાયદા હેઠળ મળેલી સત્તાઓના આધારે હાથ ધરવામાં આવતી એક નિયમિત અને બંધારણીય પ્રક્રિયા છે. ચૂંટણી પંચે પોતાની બંધારણીય મર્યાદાનું સહેજ પણ ઉલ્લંઘન કર્યા વિના આ પ્રક્રિયા હાથ ધરી છે. વિપક્ષ જો ખરેખર મતદારોના મતાધિકાર છીનવાયા હોવાનો આક્ષેપ કરતું હોય તો તેણે માત્ર રાજકીય નિવેદનો કરવાને બદલે સોગંદનામા સાથે પુરાવા રજૂ કરવા જોઈએ કે કયા માન્ય મતદારોનાં નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે?

આ પણ વાંચોઃ વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ભાવનગર ખાતે અદ્ભુત એર શો યોજ્યો
કોંગ્રેસના શાસનકાળ દરમિયાન…
શ્રી બઘેલે ઐતિહાસિક તથ્યો રજૂ કરતાં જણાવ્યું હતું કે, દેશમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા કોઈ નવી બાબત નથી. વર્ષ 1952ની પ્રથમ લોકસભા ચૂંટણી પૂર્વે પણ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ 1956, 1961, 1965-66, 1983-84, 1987-89, 1992-93 અને 1995 સહિતના વિવિધ સમયગાળામાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2002-03માં અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના સમયમાં અને ત્યારબાદ વર્ષ 2004માં મનમોહનસિંહજીની સરકારના સમયમાં પણ મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા થઈ હતી. તે સમયે ભાજપા વિપક્ષમાં હોવા છતાં આ પ્રક્રિયાની બંધારણીયતા સામે કોઈ સવાલ ઉઠાવવામાં આવ્યા નહોતા. આજે એ જ નિયમિત અને બંધારણીય પ્રક્રિયા એનડીએ સરકારના સમયમાં હાથ ધરાઈ રહી છે ત્યારે વિપક્ષ દ્વારા તેનો રાજકીય વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે વિપક્ષનો વિરોધ પ્રક્રિયા સામે નહીં, પરંતુ પોતાના રાજકીય હિતો સામે ઊભા થયેલા પડકાર સામે છે.
એસઆઈઆર પ્રક્રિયાની જરૂરિયાત સમજાવતાં શ્રી બઘેલે જણાવ્યું હતું કે, સમયાંતરે મતદાર યાદીઓનું શુદ્ધિકરણ કરવું લોકશાહીની વિશ્વસનીયતા જાળવવા માટે અત્યંત આવશ્યક છે. છેલ્લા બે દાયકામાં મૃત્યુ પામેલા, અન્ય સ્થળે કાયમી સ્થળાંતર કરેલા, એકથી વધુ જગ્યાએ નામ ધરાવતા તેમજ કાયદેસર રીતે મતદાર તરીકે નોંધણી માટે લાયક ન હોય તેવા લોકોનાં નામોની ચકાસણી અને સુધારણા આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ છે. કોંગ્રેસના શાસનકાળમાં પણ આ જ પ્રક્રિયાને યોગ્ય ઠેરવવામાં આવી હતી. ત્યારે આ પ્રક્રિયા યોગ્ય હતી તો આજે તેમાં ખોટું શું છે? મતદાર યાદીમાં મૃતક અને ડુપ્લિકેટ મતદારોનાં નામ જાળવી રાખવાનો વિપક્ષનો આગ્રહ આખરે કયા લોકતાંત્રિક હિતમાં છે?
વિવિધ રાજ્યોના આંકડા રજૂ કરતાં શ્રી બઘેલે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં 25.47 લાખ ડુપ્લિકેટ મતદારો અને 46.23 લાખ મૃત મતદારો નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં 17.63 લાખ ડુપ્લિકેટ અને 34.81 લાખ મૃત મતદારો મળી આવ્યા હતા. જ્યારે ગુજરાતમાં પણ 3.81 લાખ ડુપ્લિકેટ અને 18 લાખ મૃત મતદારોનાં નામ સામે આવ્યાં હતાં. આવા નામો દૂર કરવાની પ્રક્રિયાને વિપક્ષ દ્વારા જાણે સાચા મતદારોના મતાધિકાર છીનવાઈ રહ્યા હોય તે રીતે રજૂ કરવામાં આવી રહી છે. હકીકતમાં મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલાં નામોની પાછળ મૃત્યુ, સ્થળાંતર અથવા એકથી વધુ જગ્યાએ નોંધણી જેવા કારણો રહેલા છે. આ સમગ્ર પ્રક્રિયામાં ત્રણ વખત બૂથ લેવલ ઓફિસર્સ (BLO) દ્વારા ઘરે-ઘરે જઈને ચકાસણી કરવામાં આવી છે. વિવિધ રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ્સ (BLA) પણ આ પ્રક્રિયામાં જોડાયા હતા. આમ, આ પ્રક્રિયા પારદર્શક રીતે અને વિવિધ સ્તરે ચકાસણી સાથે હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાથ જોડીને બોલ્યા- ભગવાન કૃષ્ણ વિશે ભાવનાત્મક સ્થિતિમાં બોલી ગયો, જુઓ વીડિયો
કોંગ્રેસની રાજકીય નિષ્ફળતાને એસઆઈઆર સાથે જોડવાના પ્રયાસો અંગે શ્રી બઘેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ લાંબા સમયથી દેશનાં અનેક રાજ્યોમાં સત્તાથી દૂર છે. તમિલનાડુમાં 59 વર્ષથી, પશ્ચિમ બંગાળમાં 49 વર્ષથી, ઉત્તર પ્રદેશમાં 37 વર્ષથી, બિહારમાં 36 વર્ષથી, ત્રિપુરામાં 33 વર્ષથી, ગુજરાતમાં 30 વર્ષથી અને ઓડિશામાં 26 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે. આ રાજ્યોમાં કોંગ્રેસની રાજકીય સ્થિતિનું કારણ એસઆઈઆર પ્રક્રિયા નથી, પરંતુ જનતાએ ચૂંટણીમાં જનાદેશ દ્વારા કોંગ્રેસને સ્વીકારી નથી. કોંગ્રેસ દ્વારા પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે SIR અંગે વિવાદ ઊભો કરીને જનતામાં ભ્રમ ફેલાવવાનો અને અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાનો કુપ્રયાસ થઈ રહ્યો છે.
શ્રી બઘેલે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, ચૂંટણી પંચ જેવા બંધારણીય સંસ્થાના નિર્ણયો કોઈ એક વ્યક્તિ દ્વારા લેવામાં આવતા નથી. એસઆઈઆર જેવી મહત્ત્વપૂર્ણ પ્રક્રિયામાં ચૂંટણી પંચના સંબંધિત અધિકારીઓ અને તંત્રના વિવિધ સ્તરે વિચારણા તથા સહમતી બાદ નિર્ણય લેવામાં આવે છે. તેથી આ સમગ્ર પ્રક્રિયાને કોઈ એક વ્યક્તિ કે રાજકીય પક્ષ સાથે જોડીને રજૂ કરવી એ બંધારણીય સંસ્થાની ગરિમાને ઠેસ પહોંચાડવા સમાન છે. ભારતના બંધારણ અને લોકશાહીને ખતરો હોવાના આક્ષેપો કરનારાઓએ પોતાના ભૂતકાળમાં પણ ડોકિયું કરવું જોઈએ. 25 જૂન, 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહીના મૂળભૂત અધિકારોનું હનન કરનાર કોંગ્રેસ આજે લોકશાહી અને બંધારણની રક્ષા કરવાની વાતો કરી રહી છે. કટોકટી દરમિયાન દેશના વિવિધ વિપક્ષી પક્ષોના એક લાખથી વધુ કાર્યકરોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. લોકશાહી અને બંધારણની રક્ષા અંગે કોંગ્રેસના ઉપદેશો તેના પોતાના ઇતિહાસ સામે જ પ્રશ્નાર્થ ઊભો કરે છે.
અંતમાં શ્રી બઘેલે જણાવ્યું હતું કે, મતદાર યાદીનું શુદ્ધિકરણ એ લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાની આવશ્યક પ્રક્રિયા છે. મૃત અને ડુપ્લિકેટ મતદારોનાં નામ દૂર થાય, દરેક લાયક નાગરિકનું નામ મતદાર યાદીમાં રહે અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા જળવાય તે સૌના હિતમાં છે. પરંતુ વિપક્ષ આ રચનાત્મક અને બંધારણીય પ્રક્રિયાને રાજકીય રંગ આપીને દેશની બંધારણીય સંસ્થાઓ પ્રત્યે અવિશ્વાસ ઊભો કરવા તથા જનતામાં અરાજકતા ફેલાવવાનો દુષ્પ્રયાસ કરી રહ્યો છે. ભાજપાનું ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન આવા ભ્રામક પ્રચાર સામે સત્ય અને બંધારણીય વ્યવસ્થાની વાસ્તવિકતા જનતા સમક્ષ મૂકવાનું કાર્ય કરી રહ્યું છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, એસઆઈઆર મુદ્દે વિપક્ષ દ્વારા ભ્રમ અને ગેરસમજનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હકીકતમાં SIR નો વિરોધ એ અધૂરી વિગતો અને ગેરસમજ ફેલાવી જનતાને ગેરમાર્ગે દોરવાના વિપક્ષના રાજકીય ષડયંત્રનો જ એક ભાગ છે.
શ્રી રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે પણ એસઆઈઆરની પ્રક્રિયા કાયદાકીય અને બંધારણીય જોગવાઈઓ અનુસાર વિધિસર રીતે હાથ ધરી છે. ભૂતકાળમાં વિપક્ષને અનેક વખત કારમી ચૂંટણી હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ ત્યારે એસઆઈઆરનો મુદ્દો ઉપસ્થિત થયો નહોતો.
આજે કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR ની વૈધાનિક અને નિયમિત પ્રક્રિયાને વિકૃત સ્વરૂપે રજૂ કરીને જનતામાં ભ્રમ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ સમગ્ર પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો હેતુ માત્ર એટલો જ છે કે એસઆઈઆરની વાસ્તવિકતા, તેનો હેતુ અને તેની બંધારણીય પ્રક્રિયા અંગે જનતામાં યોગ્ય સમજ અને જાગૃતિ આવે તથા વિપક્ષના ભ્રામક પ્રચાર સામે સત્ય હકીકતો લોકો સમક્ષ ઉજાગર થાય.
આ પત્રકાર પરિષદમાં પ્રદેશના ઉપાધ્યક્ષ અને જૂનાગઢના સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદશ્રી પરષોત્તમભાઇ રૂપાલા, રાજકોટ મહાનગર ભાજપા અધ્યક્ષ શ્રી માધવભાઇ દવે, મેયરશ્રી નેહલભાઈ શુકલ, ધારાસભ્યશ્રીઓ શ્રીમતી ભાનુબેન ભાભરીયા, શ્રીમતી દર્શિતાબેન શાહ, પ્રદેશ કારોબારી સભ્ય અને ભાજપા આગેવાનશ્રી રાજુભાઇ ધ્રુવ, મહાનગર મીડિયા ઇન્ચાર્જ શ્રી હાર્દિક બોરડ સહિત આગવનો ઉપસ્થિત રહ્યા હતાં.


