ચંદીગઢ, 2 નવેમ્બર 2026: પંજાબમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં શાસક પક્ષ આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી સામે આવ્યા બાદ માત્ર 24 કલાકના ટૂંકા સમયગાળામાં ‘આપ’ના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. રવિવારે બે ધારાસભ્યોના રાજીનામા બાદ સોમવારે અમૃતસર ઉત્તર (નોર્થ) બેઠક પરથી ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહે પણ પોતાની ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું વિધાનસભાના સ્પીકરને મોકલી આપ્યું છે. અગાઉ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કારણે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર અમૃતસરની જનતાને સંબોધિત કરતા કુંવર વિજય પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, “મેં પંજાબ લેજિસ્લેટિવ એસેમ્બલીની મારી સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તમે મને જે સ્નેહ અને સન્માન આપ્યું છે, તેના માટે હું મારી આખરી શ્વાસ સુધી તમારો આભારી રહીશ.” તેમણે ઉમેર્યું હતું કે એક ધારાસભ્ય તરીકે તેમણે પોતાના કાર્યોના 90 ટકા લક્ષ્યાંકો પૂરા કરી લીધા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, “આપણા સહયોગ અને ઈશ્વરના આશીર્વાદથી આપણે સૌએ ગલીઓ અને રિબિન કાપવાની રાજનીતિથી ઉપર ઉઠીને ડ્રગ્સ, ખંડણી, ગેંગસ્ટરવાદ અને ભ્રષ્ટાચારમાં ફસાયેલા પંજાબને ફરીથી એક પ્રગતિશીલ અને સુંદર રાજ્ય બનાવવા માટે સંયુક્ત પ્રયાસો કરવા પડશે.” પૂર્વ આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે રાજકારણમાંથી ‘માઈ-બાપ’ કલ્ચરનો નાશ કર્યો છે અને જનતાને પ્રેરણાનું સ્રોત માનીને કામ કર્યું છે. સદનમાં તેમણે પાણી, સીવેજ, સર્કિટ હાઉસ, કંપની બાગ, ગંદા નાળા અને બરગાડી બેઅદબી જેવા અનેક સ્થાનિક મુદ્દાઓ ભારપૂર્વક ઉઠાવ્યા હતા. આગામી સમયમાં જનતા સાથે મળીને આગળની રણનીતિ ઘડવામાં આવશે અને તેમનો મુખ્ય હેતુ ‘પંજાબ ફર્સ્ટ’ જ રહેશે.
-
અગાઉ આ બે ધારાસભ્યોએ પણ છેડો ફાડ્યો હતો
કુંવર વિજય પ્રતાપના રાજીનામાના ઠીક એક દિવસ પહેલાં ‘આપ’ના અન્ય બે ધારાસભ્યોએ પણ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપી દીધા હતા. રવિવારે આમ આદમી પાર્ટી છોડનારાઓમાં સનૌર વિધાનસભા બેઠક પરથી હરમીત સિંહ પઠાણમાજરા અને પટિયાલાના સમાનાથી ધારાસભ્ય ચેતન સિંહ જોડામાજરા સામે સામેલ હતા. પાર્ટી દ્વારા અગાઉ જ આ બંને નેતાઓને પક્ષ વિરોધી ગતિવિધિઓ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે આ પગલું ભર્યું હતું.
આગામી વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી માટે આ એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે, જેના કારણે પંજાબની રાજનીતિમાં ભારે હલચલ મચી ગઈ છે. હવે પક્ષ દ્વારા વિધાનસભા સ્પીકર સમક્ષ આ ધારાસભ્યોની સભ્યપદ રદ કરવાની માંગ કરવામાં આવે તેવી શક્યતા છે.


