નવી દિલ્હી, 2 નવેમ્બર 2026: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જ ત્યાંના નાગરિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત કથળવાને કારણે લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. સોમવારે સવારે દિલ્હીની હવા એટલી હદે ઝેરી બની ગઈ કે મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) 350 થી ઉપર પહોંચી ગયો છે.
દિલ્હી-એનસીઆરમાં વધતા જતા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે તંત્ર દ્વારા 1 નવેમ્બરથી કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા. જો કે, આશ્ચર્યજનક રીતે પ્રતિબંધોના અમલીકરણના પહેલા જ દિવસે એટલે કે રવિવારે હવાની સ્થિતિ અત્યંત ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ હતી. અગાઉ વરસાદ થવાને કારણે બે દિવસ સુધી પ્રદૂષણથી રાહત મળી હતી, પરંતુ રવિવારનો દિવસ માત્ર આ સિઝનનો જ નહીં પરંતુ 12 જુલાઈ પછીનો સૌથી વધુ પ્રદૂષિત દિવસ નોંધાયો છે.
સમીર એપના ડેટા અનુસાર, દિલ્હીના વિવિધ વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સૂચકાંક અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. જેમાં જહાંગીરપુરીમાં એક્યુઆઈ 420 નોંધાયો છે, જે સૌથી વધુ છે. આ ઉપરાંત પંજાબી બાગ અને રોહિણીમાં 399, અલીપુરમાં 382, બવાનામાં 365, ચાંદની ચોકમાં 361, અને આનંદ વિહાર તથા અન્ય વિસ્તારોમાં પણ આંકડો 350 થી 375 ની વચ્ચે રહ્યો છે. આઈજીઆઈ એરપોર્ટ પર એક્યુઆઈ 294 અને લોધી રોડ પર 251 નોંધાયો છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ધોરણો મુજબ, 0 થી 50 સુધીનો એક્યુઆઈ સારો, 51 થી 100 સુધીનો સંતોષજનક, 101 થી 200 સુધીનો મધ્યમ, 201 થી 300 સુધીનો ખરાબ, 301 થી 400 સુધીનો ખૂબ ખરાબ અને 401 થી 500 સુધીની હવાની ગુણવત્તાને ગંભીર શ્રેણીમાં ગણવામાં આવે છે. હવાની આ અત્યંત જોખમી સ્થિતિને કારણે શ્વાસના દર્દીઓ, બાળકો અને વડીલો માટે સ્વાસ્થ્ય જોખમો નોંધપાત્ર રીતે વધી ગયા છે.


