- સ્પેનમાં 2026માં આ પાંચમી મોટી રેલ દુર્ઘટના
સ્પેન, 28 ઑક્ટોબર, 2026 – Two high-speed trains collide in Spain મધ્ય સ્પેનના ટોલેડો પ્રાંતમાં બે પુરઝડપે દોડતી ટ્રેનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ભીષણ દુર્ઘટનામાં આશરે 46 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 179 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ આંકડો હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. મીડિયા અહેવાલ મુજબ સ્પેનના રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે બુધવારે સવારે બે ટ્રેનો પાછળથી અથડાયા બાદ મેડ્રિડ અને દક્ષિણ ક્ષેત્ર અંડાલૂસિયા વચ્ચેની રેલ સેવાઓ રોકી દેવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. આ અકસ્માત અગાઉ થયેલા અદામુઝ રેલ અકસ્માત કરતાં પણ વધુ ભયાનક હોઈ શકે છે, જેમાં 46 લોકોના નિધન થયા હતા. સ્પેનના સરકારી પ્રસારક TVE ના જણાવ્યા મુજબ, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક પુરઝડપે આવતી ટ્રેન બીજી ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણે ટ્રેનના બે ડબ્બા પટા પરથી ઉતરી ગયા હતા. ટોલેડો શહેર પાસે આવેલા ઉર્ડાના મેયર મેન્યુઅલ ગેલાને જણાવ્યું કે ઇમરજન્સી સર્વિસે તેમની પાસે ઈજાગ્રસ્તોને રાખવા માટે એક સ્પોર્ટ્સ હોલ તૈયાર કરવા વિનંતી કરી છે.
BREAKING: Death toll jumps to 46 after trains collide between Los Yébenes and Urda in Toledo, Spain https://t.co/ADPiYpfyAO
— Klaxon Wire (@KlaxonWire) October 28, 2026
આ દુર્ઘટનાને પગલે સ્પેનમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રાજકીય પક્ષોએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આ અકસ્માત પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ‘X’ પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, તેઓ પરિવહન મંત્રી અને કેસ્ટિલા લા માંચાના પ્રમુખના સતત સંપર્કમાં છે. સ્થાનિક તંત્ર સાથે મળીને ઇમરજન્સી સેવાઓ પ્રભાવિત લોકોને મદદ કરવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગ્રાઉન્ડ લેવલ પર કાર્યરત છે. તેમની સંવેદનાઓ તમામ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.
અધિકારીઓએ ઉમેર્યું હતું કે બુધવારે થયેલી આ ટક્કર પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ ટ્રેનો AVE અને Iyro દ્વારા સંચાલિત કરવામાં આવી રહી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે ઓછામાં ઓછા બે ડબ્બા રેલવે ટ્રેકની બાજુમાં આવેલી ઢાળ પર નીચે ખાબક્યા હતા. અહેવાલો મુજબ, આ ટ્રેનોમાં 500 થી પણ વધુ મુસાફરો સવાર હતા. બીજી તરફ, ઇટાલી સરકારે નિવેદન જારી કરીને જણાવ્યું છે કે આ અત્યંત મુશ્કેલ સમયમાં ટોલેડો પાસે થયેલા ભીષણ અકસ્માતને લઈને ઇટાલી સરકાર સ્પેન અને ત્યાંના લોકોની સાથે અડીખમ ઊભી છે.
આ પણ વાંચોઃ ભારતીય મૂળના પાયલટ કૅપ્ટન સ્મિત મચ્છર યુએઈના સર્વોચ્ચ બહુમાનથી સન્માનિતઃ જુઓ વીડિયો
ઉલ્લેખનીય છે કે, સ્પેન માટે વર્ષ 2026 ટ્રેન દુર્ઘટનાઓનું વર્ષ સાબિત થયું છે. આ વર્ષે 18 જાન્યુઆરીના રોજ મેડ્રિડ-સેવિલે લાઇન પર અદામુઝ ખાતે ટ્રેકના વેલ્ડિંગમાં તિરાડ પડવાને કારણે હાઇ-સ્પીડ ઇરિયા ટ્રેન પટા પરથી ઉતરી ગઈ હતી અને પાછળથી આવતી રેનફે ટ્રેન તેની સાથે અથડાતાં 46 લોકોના નિધન થયા હતા અને 292 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ 20 જાન્યુઆરીએ ગેલિડામાં ‘હેરી’ વાવાઝોડાને કારણે ધસી પડેલી દીવાલ સાથે ટ્રેન અથડાતાં ટ્રેની ડ્રાઇવરે જીવ ગુમાવ્યો હતો અને 37 લોકો ઘવાયા હતા. 22 જાન્યુઆરીએ કાર્ટાજેનામાં પેસેન્જર ટ્રેન ક્રેન સાથે અથડાઈ હતી જેમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે 12 ફેબ્રુઆરીના રોજ તાલાવેરા લા રિયાલમાં થયેલા અકસ્માતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજર ‘Adif’ પર સવાલો ઊભા કર્યા હતા. આજે 28 ઓક્ટોબર 2026 ના રોજ થયેલો આ અકસ્માત આ વર્ષની પાંચમી મોટી દુર્ઘટના છે. આ પાંચ અકસ્માતોમાં કુલ મળીને 86 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ટોલેડોનો આ અકસ્માત એ જ લાઇન પર થયો છે જ્યાં 18 જાન્યુઆરીએ અદામુઝ દુર્ઘટના ઘટી હતી.


