Homerevoinewsપીએમ મોદી 30મીએ ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરશે, ભીલડીમાં તૈયારીઓની રાજ્યના...

પીએમ મોદી 30મીએ ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરશે, ભીલડીમાં તૈયારીઓની રાજ્યના મંત્રીઓએ સમીક્ષા કરી

  • બનાસકાંઠાને મળશે ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ની ભેટ: પશુપાલકોની આવકમાં થશે વધારો
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં તા. ૩૦ ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં રાષ્ટ્રીય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ઉજવાશે

પાલનપુર, 28 ઑક્ટોબર, 2026 – Kisan Samman Nidhi વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરને શુક્રવારે ખેડૂત સન્માન નિધિનો આગામી હપ્તો જારી કરશે. ગુજરાતમાં ભીલડીની મુલાકાત દરમિયાન તેઓ આ સન્માન નિધિ જારી કરશે.

બીજી તરફ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ભીલડી આગમન પૂર્વે તૈયારીઓની સમીક્ષા માટે છેલ્લા બે દિવસમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત રાજ્યના ત્રણ મંત્રી- કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી પ્રવીણભાઈ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોર ભીલડી પહોંચ્યા હતા. જ્યાં બીબીબીઆરસી ખાતે વડાપ્રધાનના આગમનની તૈયારીઓને લઈને તેમણે સ્થળ નિરીક્ષણ કરી પોતાના સૂચનો આપી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ સ્થળની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાતના આંગણે પધારી રહ્યા છે. વડાપ્રધાનશ્રીની આ મુલાકાત પૂર્વે આજે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ બનાસકાંઠાના ભીલડી ખાતે પહોંચીને વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં યોજાનાર ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સર્વાંગી સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ વહીવટી તંત્ર સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ત્યારબાદ એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી.

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૩૦ ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના ભીલડી ખાતે રાષ્ટ્રીય કક્ષાના “પીએમ કિસાન ઉત્સવ દિવસ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”ના ૨૪મા હપ્તાની રકમ દેશભરના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ ૨૪મા હપ્તા હેઠળ સમગ્ર દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય મળશે, જે પૈકી એકલા ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની આર્થિક સહાય પ્રાપ્ત થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ૧ થી ૨૩ હપ્તાઓ દ્વારા દેશના ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. ૪,૪૭,૦૦૦ કરોડથી વધુ તથા ગુજરાતના ૬૯.૨૬ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ. ૨૪,૧૩૭ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી ચૂકી છે.

શુક્રવારે યોજાનાર કાર્યક્રમ સંદર્ભે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાથે કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી કાર્યક્રમ અંગે કરવામાં આવેલ તૈયારીઓ અંગે જાણકારી મેળવી નિરીક્ષણ કર્યું. (જુઓ વીડિયો)

તેમણે ઉમેર્યું હતું કે, ભીલડી ખાતે આયોજિત આ રાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીના હસ્તે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અનેક મહત્વના પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન થશે. જેમાં રૂ. ૩૨૮.૭૭ કરોડના ખર્ચે તૈયાર ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBRC)નું લોકાર્પણ, બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે નવા ૨ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન તથા બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT – ASRSનું ઇ-લોકાર્પણ સમાવિષ્ટ છે.

આ રાષ્ટ્રીય કાર્યક્રમનું સમગ્ર દેશ તથા ગુજરાતના ખૂણે-ખૂણામાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ૩૪ જિલ્લા કક્ષાના તેમજ ૨,૧૦૦થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમો યોજાશે, જેમાં વિવિધ મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમો દરમિયાન સ્થળ પર જ કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓના મંજૂરી પત્રોનું લાભાર્થી ખેડૂતોને વિતરણ કરાશે.

મંત્રીશ્રીએ રાજ્યના તમામ ખેડૂત ભાઈ-બહેનોને નજીકના કેન્દ્ર કે વેબકાસ્ટ લિંક મારફત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

મંત્રીશ્રીએ એકતાનગર ખાતે યોજાનાર વડાપ્રધાનશ્રીના સૂચિત કાર્યક્રમો અંગે વિગતો આપતા કહ્યું કે, તા. ૩૦ ઓક્ટોબરના રોજ સાંજે વડાપ્રધાનશ્રી સ્ટેચ્યુ ઑફ યુનિટી-એકતાનગર ખાતે ‘ભારત પર્વ’ પેવેલિયનની મુલાકાત લેશે અને ત્યારબાદ કલ્ચરલ ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા પ્રસ્તુત થનાર ભવ્ય નાટક ‘આનંદમઠ’ નિહાળશે.

રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે તા. ૩૧ ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે સવારે વડાપ્રધાનશ્રી સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ, એકતાનગર ખાતે વિવિધ જનકલ્યાણકારી વિકાસલક્ષી પ્રકલ્પોનું ભૂમિપૂજન, શિલાન્યાસ અને લોકાર્પણ કરશે.

આ ઉપરાંત વડાપ્રધાનશ્રી સવારે ‘આરંભ ૨૦૨૬’ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે તથા બપોરે ટેન્ટ સિટી ખાતે દેશના તાલીમાર્થી અધિકારીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ સાધશે. વધુમાં, સાંજે પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના મુખ્ય ઉજવણી સમારોહમાં વડાપ્રધાનશ્રી મુખ્યાતિથિ તરીકે સહભાગી થઈ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલશે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીની સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦મી ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી બનાસ ડેરીના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ સહિત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ૧૨૭ એકરમાં રૂ. ૩૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલું અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) છે. બનાસ ડેરીની નવીન સભર ‘બોવાઇન બ્રીડપ્રિન્યોર ક્લબ’ પહેલ હેઠળ દેશના પ્રગતિશીલ ખેડૂતો જોડાયા છે. જે દેશમાં પશુ સંવર્ધન ક્ષેત્રે ક્રાંતિ લાવી દૂધ ઉત્પાદકતા વધારવામાં માઇલસ્ટોન સાબિત થશે.

આ ઐતિહાસિક કાર્યક્રમ પૂર્વે મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી તથા મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે બનાસ ડેરીના પદાધિકારીઓએ ભીલડી ખાતે BBBRC પરિસર અને વિશાળ સભામંડપની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે મુલાકાત દરમિયાન હજારોની સંખ્યામાં આવનાર ખેડૂતો અને પશુપાલકો માટે પાર્કિંગ, સુરક્ષા, પીવાના પાણી અને યોગ્ય બેઠક વ્યવસ્થા અંગે ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.

આ સ્થળ મુલાકાત પ્રસંગે પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેત ઠાકર, ધાનેરાના ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ સહિત બનાસ ડેરીના હોદ્દેદારો અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular