ગાંધીનગર, 22 ઓક્ટોબર, 2026 : 5-year-old child riding bicycle dies after being hit by car શહેરના સેક્ટર-5 મહાકાળી મંદિર પાસે ઘર આંગણે સાયકલ ચલાવી રહેલા પાંચ વર્ષના બાળકને પૂર ઝડપે આવેલી કારે અડફેટે લેતા કારના ટાયર નીચે કચડાતા બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા સેક્ટર-7 પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાના પગલે મૃતક બાળકના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, શહેરના સેક્ટર-5 વિસ્તારમાં રહેતા રાકેશ કડવાકરનો પાંચ વર્ષીય પુત્ર દેવાંશ પોતાના ઘરની બહાર નાની સાયકલ લઈને ફરી રહ્યો હતો. દરમિયાન મહાકાળી મંદિરની નજીક પહોંચતા અચાનક દેવાંશનું પોતાની સાયકલ પરથી સંતુલન બગડી ગયું હતું. જેથી તે સાયકલ સમેત સીધો રોડ પર નીચે પટકાયો હતો. તે જ સમયે પૂરપાટ ઝડપે આવેલી કારનો ચાલક બ્રેક મારે કે વાહન પર કાબૂ મેળવે તે પહેલાં જ દેવાંશ કારની ચપેટમાં આવી ગયો હતો. કારના ટાયરો માસૂમના માથાના ભાગ ઉપરથી ફરી વળ્યા હતા. જેના લીધે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ અકસ્માતની આ ઘટના બનતા જ સ્થાનિકોમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ સાંભળીને ઘરની અંદર રહેલા પરિજનો દોડી આવ્યા હતા. રસ્તા પર પોતાના પુત્રને લોહીથી લથપથ જોઈને માતા-પિતા અને સ્વજનોની આક્રંદ ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ બનાવની જાણ થતા સેક્ટર-7 પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા પંચનામા સહિતની કાનૂની કાર્યવાહી હાથ હતી.


