ગાંધીનગર, 22 ઓક્ટોબર, 2026 : Construction, power and logistics subjects will be taught ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 12 સામાન્ય પ્રવાહના વોકેશનલ પ્રવાહમાં નવા શૈક્ષણિક સત્રથી ત્રણ આધુનિક અને જોબ-ઓરિએન્ટેડ વિષયો—કન્સ્ટ્રક્શન, પાવર અને લોજિસ્ટિક્સનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી અમલમાં આવનારા આ ફેરફારમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવવા પૂરતા મર્યાદિત નહીં રહે, પરંતુ વિદ્યાર્થીઓને રોજગારી મળી શકે તેવા વિષયો કન્સ્ટ્રક્શન, પાવર અને લોજિસ્ટિક વિષયો ધો. 12 સામાન્ય પ્રવાહમાં દાખલ કરાશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા માળખા અનુસાર, થિયરી કરતાં પ્રેક્ટિકલ તાલીમને પ્રાધાન્ય આપીને 30 ગુણની થિયરી અને 50 ગુણની પ્રેક્ટિકલ પરીક્ષા રાખવામાં આવી છે. આ માટે બોર્ડ સચિવ દ્વારા તમામ શાળાઓને પરિપત્ર પાઠવી જરૂરી સાધન-સામગ્રી અને તજજ્ઞ શિક્ષકોની વ્યવસ્થા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ નવા વિષયો અંતર્ગત વિદ્યાર્થીઓને સંપૂર્ણ પ્રેક્ટિકલ એક્સપોઝર મળશે. કન્સ્ટ્રક્શન વિષયમાં વિદ્યાર્થીઓ ચણતર કામ, ટેરમિક્સ ફ્લોરિંગ તેમજ લેલું, ઓળંબો અને ફ્લોટર મશીન જેવા સાધનો જાતે ઓપરેટ કરતા શીખશે. જ્યારે પાવર વિષયમાં વીજ વિતરણ વ્યવસ્થા, સબસ્ટેશન મેન્ટેનન્સ, ટ્રાન્સફોર્મરનું ઓઇલ અને અર્થિંગ ટેસ્ટિંગ તેમજ સેફ્ટી કિટ્સના ઉપયોગની ટ્રેનિંગ અપાશે. જ્યારે લોજિસ્ટિક્સમાં વેરહાઉસ મેનેજમેન્ટ, માલનું સંચાલન, ઇન્વેન્ટરી દસ્તાવેજીકરણ અને ક્લેઇમ રિપોર્ટ તૈયાર કરવાનું પ્રોફેશનલ કામ શીખવાડવામાં આવશે. સ્કુલમાં આ પ્રકારના કોર્સ ભણ્યા બાદ રોજગારીના દ્વારા ખુલશે તેવી આશા છે. આ વોકેશનલ વિષયો પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને ભવિષ્યના અભ્યાસ તેમજ નોકરી બંને ક્ષેત્રે મોટો લાભ મળશે. કન્સ્ટ્રક્શનનો અભ્યાસ સિવિલ એન્જિનિયરિંગ કે કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ તરફ દોરી જશે અને સાઇટ સુપરવાઇઝર જેવી નોકરી અપાવશે. પાવર વિષય થકી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કે ITIનો પાયો મજબૂત થશે અને વીજ કંપનીઓ કે કોન્ટ્રાક્ટર્સમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે રોજગાર મળશે. તેમજ લોજિસ્ટિક્સના વિદ્યાર્થીઓ માટે વધતી જતી ઇ-કોમર્સ અને સપ્લાય ચેઇન ઇન્ડસ્ટ્રીમાં વેરહાઉસ ઓપરેટર કે ઇન્વેન્ટરી આસિસ્ટન્ટ તરીકે તુરંત કારકિર્દી ઘડવાની તકો ઊભી થશે.


