ગાંધીનગર, 22 ઓક્ટોબર, 2026 : Outsiders will have to obtain written permission from the principal for admission રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને તમામ સરકારી શાળાઓને એવી સુચના આપી છે કે, બહારની વ્યક્તિઓને શાળામાં પ્રવેશ આચાર્યની મંજુરીથી જ આપવો, શાળામાં પ્રવેશની રજિસ્ટરમાં નોંધ કરવી, શાળામાં ફોટો કે વિડિયો લેવા પર પ્રતિબંધ મુકવા સહિતની સુચનાઓ આપવામાં આવી છે. કહેવાય છે કે. રાજકીય પક્ષના કાર્યકરો શાળાઓમાં ભૌતિક સુવિધા ન હોવાના વિડિયો વાયરલ કરતા હોવાથી શિક્ષક સંઘની રજુઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 21 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર થયેલા પરિપત્ર મુજબ, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની તસવીરો લેવા, વીડિયો ઉતારવા, ઓડિયો રેકોર્ડિંગ કરવા કે લાઇવ સ્ટ્રીમિંગ માટે પણ પૂર્વ મંજૂરી જરૂરી રહેશે. આમ આદમી પાર્ટી રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા સરકારી શાળાઓની સ્થિતિ, સુવિધાઓ અને શિક્ષણ વ્યવસ્થાની વાસ્તવિકતા દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને સરકારને સવાલો કરવામાં આવે છે. હવે શિક્ષણ વિભાગના આ પરિપત્ર બાદ મંજૂરી વિના શાળામાં પ્રવેશીને આવા વીડિયો બનાવી શકાશે નહીં. જોકે, પરિપત્રમાં રાજકીય પક્ષો કે વિપક્ષને અલગથી પ્રતિબંધિત કરવામાં આવ્યા નથી; નિયમો શાળામાં પ્રવેશતી તમામ બહારની વ્યક્તિઓ માટે લાગુ પડે છે.
છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સ્કૂલોમાં જઈને ત્યાંની સ્થિતિ ચેક કરવામાં આવી રહી છે. તો કોંગ્રેસના પણ કેટલાંક નેતાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં જઈને તપાસ કરીને ત્યાંની સ્થિતિ બહાર લાવી રહ્યા હતા. જે સમયે શિક્ષક સંઘ દ્વારા પત્ર લખીને શાળાઓમાં બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે માંગ કરવામાં આવી હતી. જોકે તે બાદ હવે શિક્ષણ વિભાગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ કોઈપણ બાહ્ય વ્યક્તિએ શાળા પરિસરમાં પ્રવેશવા માટે આચાર્ય/સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી લેવાની રહેશે. માત્ર તે સરકારી અધિકારીઓને અપવાદ રહેશે, જેઓને તેમની સત્તાવાર ફરજો નિભાવવા માટે નિયમસર અધિકૃત કરવામાં આવ્યા હોય., દરેક મુલાકાતીએ શાળા પરિસરમાં પ્રવેશ કરતાં પહેલાં મુલાકાતી રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધાવવાની રહેશે. આ ઉપરાંત કોઈપણ બાહ્ય વ્યક્તિએ વર્ગખંડ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતનું મેદાન, શૌચાલય અથવા વિદ્યાર્થીઓની કોઈપણ પ્રવૃત્તિ ચાલતી હોય તેવા વિસ્તારમાં આચાર્ય, શાળાના શિક્ષક અથવા અધિકૃત શાળા અધિકારીની સાથે આચાર્ય/સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરીથી જ પ્રવેશ કરવાનો રહેશે.








