રેસિપી, 22 ઓક્ટોબર 2026: ટ્રેડિશનલ ઇન્ડિયન વાનગીઓમાં મગની દાળનો હલવો ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ તેમાં તાજું છીણેલું નાળિયેર ઉમેરીને બનાવવામાં આવતો મગની દાળ અને નાળિયેરનો હલવો એક અનોખો અને અદભુત સ્વાદ આપે છે.
પીળી મગની દાળની પૌષ્ટિકતા, તાજા કોપરાની સોડમ અને ગોળની કુદરતી મિષ્ટાસ ભેગી મળીને આ વાનગીને માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ સેહત માટે પણ ફાયદાકારક બનાવે છે. કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગે સુગર વગર દેશી ઘીમાં બનેલી આ સ્વીટ ડિશ ઘરના સભ્યો અને મહેમાનોને ખૂબ જ પસંદ આવશે.
મગની દાળ અને નાળિયેરનો હલવો રેસીપી
સામગ્રી
1/4 કપ પીળી મગની દાળ
2.5 કપ તાજું છીણેલું નાળિયેર (લીલું કોપરું)
1 કપ ગોળનો પાવડર
1 ચમચી ચોખાનો લોટ (ઓપ્શનલ)
6-7 લીલી ઈલાયચીનો પાવડર
1 કપ પાણી
4-5 મોટી ચમચી ઘી
થોડા કાજુ અને દ્રાક્ષ (કિસમિસ)
મગની દાળ અને નાળિયેરનો હલવો બનાવવાની રીત
સૌપ્રથમ 1/4 કપ પીળી મગની દાળને પાણીથી બરાબર ધોઈ લો. એક પેનમાં દાળને ધીમી આંચ પર ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને દાળ સોફ્ટ થાય ત્યાં સુધી બાફી લો. દાળ બફાઈ જાય એટલે તેને ચમચા વડે હળવી મસળી લો.
એક કડાઈમાં 4 ચમચી દેશી ઘી ગરમ કરો. તેમાં તાજું છીણેલું નાળિયેર (લીલું કોપરું) ઉમેરીને 5 મિનિટ ધીમી આંચ પર સાંતળો જેથી તેની સુગંધ આવે. હવે તેમાં બાફેલી મગની દાળ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
આ મિશ્રણમાં ગોળનો પાવડર ઉમેરો. ગોળ ઓગળવા લાગશે અને મિશ્રણ થોડું પાતળું થશે. બાઈન્ડિંગ માટે જો જરૂર લાગે તો ચોખાનો લોટ ઉમેરી શકો છો.
મિશ્રણ ઘાટું થાય અને કડાઈની બાજુઓ છોડવા લાગે ત્યાં સુધી ધીમી આંચ પર સતત હલાવતા રહો. જરૂર મુજબ વધારાનું ઘી ઉમેરો. એક અલગ નાની પેનમાં થોડું ઘી ગરમ કરી કાજુ અને દ્રાક્ષને ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળી લો.
હલવા માં 6 લીલી ઈલાયચીનો પાવડર અને સાંતળેલા કાજુ-દ્રાક્ષ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ગરમાગરમ કે સામાન્ય તાપમાને મગની દાળ અને નાળિયેરનો હલવો સર્વ કરો.


