નવી દિલ્હી, 21 ઓક્ટોબર 2026: દિલ્હી અને તેની આસપાસના નેશનલ કેપિટલ રીજન (એનસીઆર)માં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. વાયુ પ્રદૂષણનું સ્તર “ખરાબ” શ્રેણીમાં પહોંચી જતાં વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચ દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ગ્રેપ-1)નો પ્રથમ તબક્કો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) 200 નો આંકડો વટાવી જાય ત્યારે આ પગલું ભરવામાં આવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના આંકડા મુજબ બુધવારે બપોરે દિલ્હીનો એક્યુઆઈ 244 નોંધાતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગ્રેપ-1 લાગુ થવાની સાથે જ સમગ્ર વિસ્તારમાં અનેક કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. આ અંતર્ગત હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં કોલસા તથા લાકડાના ઉપયોગ પર પૂર્ણપણે પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત બીએસ-3 પેટ્રોલ અને બીએસ-4 ડીઝલ જેવા જૂના વાહનોના સંચાલન પર પોલીસ અને ટ્રાફિક વિભાગ કડક નજર રાખશે. વીજ પુરવઠાના નિયમિત સ્ત્રોત તરીકે ડીઝલ જનરેટર સેટના ઉપયોગ પર રોક લગાવાઈ છે તેમજ વાહનો માટે પીયુસી માનકોની સઘન તપાસ કરવા સૂચના અપાઈ છે.
-
રસ્તાઓ પર મશીન વડે સફાઈ અને પાણીનો છંટકાવ સતત ચાલુ રખાશે
બાંધકામ અને તોડી પાડવાની પ્રવૃત્તિઓમાંથી ઊડતી ધૂળને રોકવા માટે વિશેષ પગલાં લેવાનો આદેશ કરાયો છે. જે હેઠળ સંબંધિત વેબપોર્ટલ પર નોંધાયેલ ન હોય તેવી 500 ચોરસ મીટર કે તેથી વધુ મોટી નિર્માણ પરિયોજનાઓને કામગીરી કરવાની મંજૂરી મળશે નહીં. તદુપરાંત, ડમ્પિંગ સાઇટ્સ પરથી મ્યુનિસિપલ ઘન કચરો અને જોખમી કચરાનો નિયમિત નિકાલ કરવાનો રહેશે અને ખુલ્લામાં કચરો ફેંકવા પર મનાઈ ફરમાવાઈ છે. રસ્તાઓ પર મશીન વડે સફાઈ અને પાણીનો છંટકાવ સતત ચાલુ રખાશે.
બીજી તરફ, વાયુ પ્રદૂષણને અટકાવવા માટે પ્રશાસન દ્વારા નાગરિકોને પણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. લોકોને વાહનોના એન્જિન યોગ્ય રીતે ટ્યુન રાખવા, ટાયરમાં હવાનું દબાણ જાળવવું, લાલ બાઈટ પર એન્જિન બંધ કરવું અને શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રિક કે હાઇબ્રિડ વાહનોનો ઉપયોગ કરવા જણાવાયું છે. તેમજ 10 થી 15 વર્ષ જૂના વાહનો ન ચલાવવા, ખુલ્લામાં કચરો ન સળગાવવો, વધુ વૃક્ષો વાવવા, તહેવારો ફટાકડા વગર ઉજવવા અને પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓની જાણ ‘311’ કે ‘ગ્રીન દિલ્હી’ એપ પર કરવા અનુરોધ કરાયો છે.


