Homeગુજરાતીગુજરાતભારતની પહેલી સ્વદેશી બુલેટ ટ્રેન તૈયાર: બેંગલુરુમાં ભારત 28 પ્રોટોટાઇપનું કામ અંતિમ...

ભારતની પહેલી સ્વદેશી બુલેટ ટ્રેન તૈયાર: બેંગલુરુમાં ભારત 28 પ્રોટોટાઇપનું કામ અંતિમ તબક્કામાં

નવી દિલ્હી, 2 નવેમ્બર 2026: દેશની પહેલી સ્વદેશી બુલેટ ટ્રેન હવે વાસ્તવિકતા બનવાની નજીક પહોંચી ગઈ છે. બેંગલુરુ સ્થિત ‘ભારત અર્થ મૂવર્સ લિમિટેડ’ (BEML) ની ફેસિલિટીમાં આના પ્રોટોટાઇપનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે હવે સેફ્ટી ટેસ્ટિંગના એક અત્યંત મહત્વપૂર્ણ પડાવ પર આવી ગયું છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે તૈયાર થઈ રહેલી આ હાઇ-સ્પીડ ટ્રેનને ‘ભારત 28’ (B-28) નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેનમાં કુલ 8 કોચ હશે અને તે એકસાથે 557 મુસાફરોને લઈને દોડવા માટે સક્ષમ હશે.

આ ટ્રેનને મહત્તમ 280 કિમી પ્રતિ કલાકની ટેસ્ટ સ્પીડ સુધી પહોંચવા માટે ડિઝાઈન કરવામાં આવી છે, જ્યારે તેની નિયમિત ઓપરેશનલ સ્પીડ 249 કિમી પ્રતિ કલાકની રહેશે. આ ટ્રેનમાં 7 સ્ટાન્ડર્ડ-ક્લાસ કોચ અને 1 એક્ઝિક્યુટિવ-ક્લાસ કોચ સામેલ છે. આ ઉપરાંત તેમાં અત્યાધુનિક વાય-ફાઈ કનેક્ટિવિટી, મોબાઈલ-લેપટોપ ચાર્જિંગ પોઈન્ટ, મોટી કાચની બારીઓ, સુલભ શૌચાલય તેમજ દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભારતીય રેલવે દ્વારા ઓગસ્ટ 2027થી આ ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

  • સ્ક્વીઝ ટેસ્ટ’ પૂરો થવામાં, ત્યારબાદ ક્લાઈમેટિક ટેસ્ટિંગ થશે

તાજેતરમાં જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુમાં BEMLની આદિત્ય મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત લઈને સ્વદેશી બુલેટ ટ્રેનના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં પહેલા કોચની ઈન્ટિગ્રેટેડ કાર બોડીનું ‘સ્ક્વીઝ ટેસ્ટ’ ચાલી રહ્યું છે. આ ટેસ્ટ દ્વારા એ તપાસવામાં આવે છે કે ટ્રેનનું માળખું કોઈ પણ મોટા નુકસાન કે ફેલિયર વિના બહારના ભારે દબાણને સહન કરી શકે છે કે નહીં.

મંત્રીએ જણાવ્યું હતું કે સ્ક્વીઝ ટેસ્ટ તેના અંતિમ ચરણમાં છે અને આગામી સપ્તાહ સુધીમાં તે પૂર્ણ થઈ જશે. ત્યારબાદ એન્જિનિયરો તેમાં પ્રોપલ્શન સિસ્ટમ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો ફીટ કરશે. આ પછી કોચનું ‘ક્લાઈમેટિક ટેસ્ટિંગ’ કરવામાં આવશે, જેથી ટ્રેન 50 ડિગ્રી જેટલા ઉચ્ચ તાપમાન, ભારે ઠંડી, ધૂળવાળી ડસ્ટ અને ભારે વરસાદ જેવા અલગ-અલગ વાતાવરણમાં કેવું પ્રદર્શન કરે છે તેની ખાતરી કરી શકાય. BEML દ્વારા આવી પહેલી બે સ્વદેશી બુલેટ ટ્રેનો તૈયાર કરવામાં આવી રહી છે.

  • આધુનિક સુવિધાઓ અને શાનદાર સીટિંગ અરેન્જમેન્ટ

‘ભારત 28’ ટ્રેનસેટ અંદાજે 202 મીટર લાંબો હશે, જેમાં 4 મોટર કાર અને 4 ટ્રેલર કાર સહિત કુલ 8 કોચ હશે. આની બેઠક વ્યવસ્થામાં 3×2 સીટિંગવાળા 7 સ્ટાન્ડર્ડ-ક્લાસ કોચ અને 2×2 સીટિંગવાળા 1 એક્ઝિક્યુટિવ-ક્લાસ કોચનો સમાવેશ થાય છે. ટ્રેનના બંને છેડે ડ્રાઈવર કેબ હશે, જેમાં ઈન્ટેલિજન્ટ ઓનબોર્ડ કંટ્રોલ સિસ્ટમ લગાવાયેલી હશે. ખાસ વાત એ છે કે જરૂર પડ્યે આવી બે ટ્રેનોને જોડીને 16 કોચની લાંબી ટ્રેન પણ બનાવી શકાશે.

મુસાફરોની સગવડ માટે ટ્રેનમાં એલઈડી લાઈટિંગ, ઉપર સામાન મૂકવા માટેના રેક, પ્રી-લોડેડ મનોરંજન માટે વાય-ફાઈ આધારિત ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ત્રણેય ભાષાઓમાં એલસીડી ડિસ્પ્લે અને ઓટોમેટિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ આપવામાં આવશે. આ ઉપરાંત, ટ્રેનનો ફ્લોર પ્લેટફોર્મની ઊંચાઈની સપાટીએ જ રહેશે જેથી અંદર-બહાર જવામાં સરળતા રહે અને દિવ્યાંગો માટે ખાસ બ્રેલ લિપિ બોર્ડ તથા વ્હીલચેર ફ્રેન્ડલી દરવાજાઓની વ્યવસ્થા કરાઈ છે.

  • ક્યારે શરૂ થશે દોડવાનું?

રેલવેની યોજના મુજબ નાણાકીય વર્ષ 2027-28 ના પ્રથમ ક્વાર્ટરમાં મુંબઈ-અમદાવાદ કોરિડોરના અંદાજે 100 કિમી લાંબા સુરત-વાપી સેક્શન પર આ સ્વદેશી ટ્રેનનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. પ્રથમ બે પ્રોટોટાઇપ ટ્રેનો તૈયાર થઈ ગયા બાદ 508 કિમી લાંબા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને ડિસેમ્બર 2030 સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે, જે ભારતની ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular