Homeગુજરાતીદેશ-વિદેશન્યૂઝીલેન્ડ સામે ભારતીય બેટ્સમેનોનું તોફાન: ત્રીજી T20 માં ભારતની 6 વિકેટે જીત,...

ન્યૂઝીલેન્ડ સામે ભારતીય બેટ્સમેનોનું તોફાન: ત્રીજી T20 માં ભારતની 6 વિકેટે જીત, અનેક રેકોર્ડ સર્જાયા

વેલિંગ્ટન, 27 ઓક્ટોબર 2026: ક્રાઈસ્ટચર્ચ બાદ વેલિંગ્ટનમાં પણ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડના બોલરોની ધોલાઈ કરી નાખી છે. ત્રીજી T20 મેચમાં ભારતને 199 રનનો મોટો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ઓપનર અભિષેક શર્મા અને યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની તૂફાની બેટિંગ આગળ આ સ્કોર સાવ નાનો સાબિત થયો હતો. ભારતે માત્ર 13.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી અને શાનદાર અંદાજમાં સિરીઝ પર પણ કબ્જો જમાવ્યો છે.

ભારતને 199 રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો હતો, પરંતુ અભિષેક અને વૈભવે પાવરપ્લેમાં એવી બેટિંગ કરી કે ન્યૂઝીલેન્ડના બોલરો લાચાર બની ગયા. અભિષેકે પોતાની પહેલી જ બોલ પર સિક્સર ફટકારી હતી. જ્યારે વૈભવે ચોગ્ગાથી ખાતું ખોલાવ્યું હતું. આ બંને ખેલાડીઓએ માત્ર 43 બોલમાં 133 રનની ભાગીદારી કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી. ભારતે પ્રથમ પાંચ ઓવરમાં 100 રન બનાવી લીધા હતા અને છ ઓવરમાં પાવરપ્લેમાં 118 રન ફટકારીને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પાવરપ્લેમાં સૌથી મોટા સ્કોરનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

ભારતના વિસ્ફોટક બેટસમેન અભિષેક શર્માએ માત્ર 35 બોલમાં જ સદી ફટકારીને ટી20 કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા અભિષેક શર્માએ 38 બોલમાં 113 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર 19 બોલમાં 45 રનની ઈનિંગ રમી હતી. તેણે ચારેય બાજુ શોટ્સ ફટકાર્યાં હતા. વૈભવ આઠમી ઓવરમાં ફિશરનો શિકાર બન્યો હતો. અભિષેક અને વૈભવ આઉટ થયા બાદ કેપ્ટન શ્રેયસ અય્યર અને સંજુ સેમસનની વિકેટો ઝડપથી પડી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ માત્ર 13.2 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

  • ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ અને બોલિંગ

આ અગાઉ ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં મજબૂત સ્કોર બનાવ્યો હતો. કિવી ટીમ તરફથી ડેરિલ મિચેલે શાનદાર બેટિંગ કરતા ૫૨ બોલમાં 89 રન બનાવ્યા હતા, જ્યારે બેવોન જેકબ્સ 23 બોલમાં 39 રન બનાવીને અણનમ રહ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડીએ 1-1 વિકેટ ઝડપી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular