Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં એરપોર્ટ સુધી મેટ્રો ટ્રેન માટે રૂપિયા 859 કરોડના ખર્ચે કોરીડોર બનાવાશે

અમદાવાદમાં એરપોર્ટ સુધી મેટ્રો ટ્રેન માટે રૂપિયા 859 કરોડના ખર્ચે કોરીડોર બનાવાશે

અમદાવાદ, 27 ઓક્ટોબર, 2026 :  A corridor will be built for the metro train to Ahmedabad Airport. શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી મેટ્રો ટ્રેન સેવાનો લાભ મળી રહે તે માટે મેટ્રો ફેઝ-2A હેઠળ 859.25 કરોડનો સિવિલ કોન્ટ્રાક્ટ અપાયો છે. આશરે 6 કિમીના રૂટમાં 4.97 કિમી એલિવેટેડ અને 1.01 કિમી અંડરગ્રાઉન્ડ કોરિડોર બનશે. કોટેશ્વર રોડથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ સુધી મેટ્રો દોડશે, જેમાં કુલ 5 સ્ટેશન (4 એલિવેટેડ, 1 અંડરગ્રાઉન્ડ)નો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટથી વિમાની પ્રવાસીઓને  જાહેર પરિવહનનો નવો વિકલ્પ મળશે.

મેટ્રો રેલ કોર્પોરેશનના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં  મેટ્રો ફેઝ-2A હેઠળ કોટેશ્વર રોડથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ(SVPI) ઍરપૉર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી વિકસાવવાનો માર્ગ મોકળો થયો છે. આ પ્રોજેક્ટના સિવિલ કન્સ્ટ્રક્શન માટે 859.25 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આ કોન્ટ્રાક્ટ માટે અંદાજિત ખર્ચ 879.27 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. તેની સરખામણીએ કંપનીએ 2.28% ઓછા ભાવે ટેન્ડર ભર્યું હતું.  આશરે 6 કિમી લાંબા આ મેટ્રો રૂટમાં 4.97 કિમીનો એલિવેટેડ કોરિડોર અને 1.01 કિમીનો અંડરગ્રાઉન્ડ કોરિડોર બનાવવામાં આવશે. એલિવેટેડ કોરિડોર કોટેશ્વર રોડના છેડાથી અંડરગ્રાઉન્ડ સેક્શનના રેમ્પ સુધી રહેશે. જ્યારે ઍરપૉર્ટ તરફના ભાગમાં અંડરગ્રાઉન્ડ ટનલ અને સ્ટેશન બનાવવામાં આવશે. પ્રોજેક્ટ માટે યુટિલિટી શિફ્ટિંગની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને સિવિલ વર્કનો કોન્ટ્રાક્ટ અપાઈ જતાં આગામી દિવસોમાં ગ્રાઉન્ડ લેવલ પર બાંધકામ શરૂ થવાની શક્યતા છે.

6 કિમીના મેટ્રો રૂટ પર કુલ 5 સ્ટેશન બનાવવામાં આવશે. તેમાં 4 એલિવેટેડ અને 1 અંડરગ્રાઉન્ડ સ્ટેશનનો સમાવેશ થાય છે. એલિવેટેડ સેક્શનમાં આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર અને સરદારનગર એમ 4 સ્ટેશન બનશે. જ્યારે તાજ સર્કલથી એરપૉર્ટ સુધી ટનલ તૈયાર કરશે. ઍરપૉર્ટ પર એક અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવામાં આવશે. જ્યાંથી સીડી ઉપરાંત લિફ્ટ અને એસકેલેટરની મદદથી પેસેન્જરો સીધા ઍરપૉર્ટ ટર્મિનલ-1 અને ટર્મિનલ-2માં સીધા જઈ શકશે. અંડરગ્રાઉન્ડ સેક્શનમાં 1.01 કિમી લાંબી ટ્વિન કટ-એન્ડ-કવર ટનલ, રેમ્પ અને અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી ઍરપૉર્ટ સુધી મેટ્રો પહોંચશે અને હવાઈ મુસાફરી કરતાં પેસેન્જરોને જાહેર પરિવહનનો વધુ એક વિકલ્પ મળશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular