જૂનાગઢ, 27 ઓક્ટોબર, 2026 : Preparations for ‘Lili Parikrama’ દિવાળી બાદ કારતક સુદ અગિયારસને તા. 20મી નવેમ્બરથી 5 દિવસીય ગરવી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે, ત્યારે પદયાત્રિઓને કોઈ મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી દ્વારા મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમો સાથે રૂટનું સ્થળ નિરીક્ષણ કરી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
જુનાગઢની ગરવા ગિરનારની લીલી પરિક્રમાને એક મહિનાથી ઓછો સમય બાકી છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પરિક્રમા રૂટ પરના રસ્તાઓના રિપેરિંગના કામો, પીવાની પાણીની સુવિધાઓ અને વીજળીની વ્યવસ્થાઓ ઊભી કરવા સંબંધિત તમામ વિભાગોએ પૂરજોશમાં કામગીરી શરૂ કરી દીધી છે. પરિક્રમાના પ્રવેશદ્વારથી શરૂ કરીને, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ, લાઈટ તેમજ સુરક્ષા અને સલામતી માટે પોલીસ અને ફોરેસ્ટ વિભાગ વચ્ચે પરસ્પર સંકલન જાળવીને કર્મચારીઓને ડિપ્લોય કરવા આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્તાને મળેલી બેઠકમાં અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી હતી. જેમાં લીલી પરિક્રમામાં બહારના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવતા વાહનો માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા, ત્યાંથી શ્રદ્ધાળુઓની અવરજવર, બોરદેવીથી ઉતરતી વખતે ભીડનું નિયંત્રણ અને રુટ પર શૌચાલય તેમજ પાણી જેવી પ્રાથમિક સુવિધા સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવા સુચના આપવામાં આવી હતી. પાંચ દિવસ ચાલતી લીલી પરિક્રમા દરમિયાન અંદાજે પાંચથી સાત લાખ ભક્તો આવતા હોય છે, ત્યારે સ્વચ્છતા જાળવવા અને રસ્તાઓનું સમારકામ વહેલી તકે પૂર્ણ કરવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
સોરઠ પંથકમાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેવાના કારણે ગીરના જંગલમાં પ્રાકૃતિક પાણીના સ્ત્રોતો અને નદીઓમાં પાણીની અછત વર્તાઈ શકે તેમ છે, જે ગત વર્ષો કરતા અલગ સ્થિતિ છે. આ મુશ્કેલીને પહોંચી વળવા અગાઉના 19 બોર સામે આ વખતે વધારાના 10થી 12 નવા બોર બનાવવાની તૈયાર કરાઈ છે. વોટર સપ્લાય ટીમ દ્વારા સ્થળ તપાસ અને ટેસ્ટિંગ બાદ હાલ 12 બોરમાં પાણી ઉપલબ્ધ છે અને આગામી 15 તારીખ સુધીમાં તમામ નવા બોર કાર્યરત થઈ જશે, જેથી જૂના અને નવા સ્ત્રોતો મળી કુલ 30 થી 32 પાણીના પોઇન્ટ્સ ઊભા કરાશે.
જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, સિનિયર સિટિજનો તેમજ નાના બાળકોએ લીલી પરિક્રમામાં આવવાનું ટાળવું જોઈએ અથવા વિશેષ કાળજી રાખવી જોઈએ. નિર્ધારિત રૂટની બહાર જંગલના અંદરના વિસ્તારોમાં કોઈપણ સંજોગોમાં અવરજવર ન કરવા તેમજ વહીવટી તંત્ર અને વન વિભાગની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. 180 ચોરસ કિલોમીટરના આ સિંહના અવર જવર ક્ષેત્રમાં 35 કિલોમીટરના રૂટ પર ફોરેસ્ટ ટ્રેકર્સ અને સિંહની હિલચાલ પર સતત નજર રાખતી ટીમો તૈનાત રહેશે, જેથી પરિક્રમા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે. (File photo)


