Homeગુજરાતીગુજરાતસરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં 6 લાખથી વધુ ભંગાર વસ્તુઓનો નિકાલ કરાયો

સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં 6 લાખથી વધુ ભંગાર વસ્તુઓનો નિકાલ કરાયો

ગાંધીનગર, 22 ઓક્ટોબર, 2026 : Waste materials disposed of in government hospitals ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓ અને આરોગ્ય સંસ્થાઓમાં વર્ષોથી પડેલી બિનઉપયોગી સામગ્રીનો નિકાલ કરી ઉપલબ્ધ જગ્યાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવા હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત 6 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓ દૂર કરવામાં આવી હોવાનો અહેવાલ છે. આ કામગીરીના પરિણામે સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો અને અન્ય આરોગ્ય સંસ્થાઓમાં અંદાજે 1,800 રૂમ જેટલી જગ્યા ખાલી થઈ છે, જેનો ઉપયોગ આરોગ્ય સેવાઓને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે થઈ શકશે.

રાજ્યના આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “આ કામગીરી બાદ સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો ખાનગી સંસ્થાઓ જેટલાં સ્વચ્છ બન્યાં છે. હવે આ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ જરૂરી પગલાં લેવામાં આવશે.”

આરોગ્ય સંસ્થાઓમાંથી બિનઉપયોગી સામગ્રી દૂર કરાઈ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આરોગ્ય સંસ્થાઓમાં લાંબા સમયથી બિનઉપયોગી હાલતમાં પડેલી વિવિધ સામગ્રીનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમાં તૂટેલી ટાઇલ્સ, કાચની બારીઓ, નળ, કમોડ, પાઇપલાઇન, છૂટા વાયર, ખરાબ સ્વિચ, ટ્યુબલાઇટ, પંખા, એરકન્ડિશનર, જૂનું ફર્નિચર, કમ્પ્યુટર, પ્રિન્ટર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

અહેવાલ મુજબ, અભિયાન દરમિયાન આશરે 5 લાખ ચાદર, ઓશીકાં અને ગાદલાં સહિતની સામગ્રી, આશરે 10,000 બિનઉપયોગી તબીબી સાધનો, 20,000 જેટલા બંધ પડેલા બલ્બ અને ટ્યુબલાઇટ તથા કાર્યરત ન હોય તેવા 17,266 ફાયર એક્સ્ટિંગ્વિશરનો નિકાલ કરવામાં આવ્યો હતો.

1,800 રૂમ જેટલી જગ્યા ખાલી થતાં આરોગ્ય સેવાઓને મળશે સુવિધા આરોગ્ય વિભાગની વિવિધ સંસ્થાઓમાં હાથ ધરાયેલી કામગીરીથી અંદાજે 1,800 રૂમ જેટલી જગ્યા ઉપયોગ માટે ઉપલબ્ધ બની છે. આ જગ્યા 100 રૂમ ધરાવતી 18 હોસ્પિટલ જેટલી થાય છે. ખાલી થયેલી જગ્યાનો ઉપયોગ દર્દીઓ માટેની સુવિધાઓ વિકસાવવા, તબીબી સાધનોની વ્યવસ્થિત ગોઠવણી કરવા તથા આરોગ્ય સેવાઓના સંચાલનને વધુ સુદૃઢ બનાવવા માટે થઈ શકે છે.

બિનઉપયોગી સામગ્રીને વ્યવસ્થિત રીતે દૂર કરવાથી સંસ્થાઓમાં સ્વચ્છતા જાળવવામાં, ઉપલબ્ધ જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવામાં અને કાર્યસ્થળને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે. નિકાલ કરાયેલી સામગ્રીમાંથી નિયમો અનુસાર વેચાણપાત્ર સામગ્રીના વેચાણ દ્વારા સરકારી આવક થવાની પણ શક્યતા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular