Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં રોડ અકસ્માતના 4 બનાવો, કિશોર સહિત ચારના મોત

અમદાવાદમાં રોડ અકસ્માતના 4 બનાવો, કિશોર સહિત ચારના મોત

અમદાવાદ, 22 ઓક્ટોબર, 2026 : 4 road accidents, four deaths including a teenager શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ જુદા જુદા ચાર અકસ્માતોમાં ચારના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માતમાં શહેરના મેઘાણીનગરમાં કારચાલકે સાઈકલને અડફેટે લેતાં કિશોરનું મોત નિપજ્યુ હતુ. બીજા અકસ્માતના બનાવમાં રિવરફ્રન્ટમાં ગાંધીનગરથી ગરબા રમીને પરત ફરતા યુવાનનું કારની અડફેટે મોત નિપજ્યુ હતુ. અકસ્માતના ત્રીજા બનાવમાં સિંગરવા-કઠવાળા રોડ પર રિક્ષાએ બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત નિપજ્યુ હતું. જ્યારે અકસ્માતના ચોથા બનાવમાં શહેરના હાથીજણ પાસે રોડની વચ્ચે ઉભેલા ટ્રેકટર પાછળ બાઇક ઘુસી જતા યુવકનું મોત નિપજ્યુ હતું. ચારેય બનાવમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

અકસ્માતના પ્રથમ બનાવની વિગત એવી છે કે, શહેરના કુબેરનગરમાં 36 વર્ષીય મોનાબેન તમાઇચે પરિવાર સાથે રહે છે. 20 ઓક્ટોમ્બરે તેમનો16 વર્ષીય પુત્ર અંશુમન સાયકલ લઈને બંગલો એરિયામાં છેલ્લા બસ સ્ટેન્ડ પાસે રોડની સાઈડમાં સાયકલ લઈને ઉભો હતો. ત્યારે પુરઝડપે પાછળથી આવી રહેલ કાર ચાલકે સાયકલને ટક્કર મારતા અંશુમનને ગંભીર ઇજાઓ પોહચી હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન કિશોરનું મોત થયું હતું. આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કાર ચાલક ઉમંગ વિકાસ ઘમંડે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, શહેરના બહેરામપુરામાં 22 વર્ષીય દર્શનકુમાર પરમાર કાકાના ઘરે રહેતો હતો અને 108 એમ્બ્યુલન્સમાં વસ્ત્રાપુર ખાતે EMT તરીકે નોકરી કરતો હતો. 13 ઓક્ટોમ્બરે રાત્રે પોતાના મિત્ર નવીનભાઈ મકવાણાની બાઇક લઈને ગાંધીનગર ખાતે આવેલા થનગનાટ પાર્ટીપ્લોટમાં ગરબા રમવા ગયા હતા. ગરબા રમ્યા બાદ પરત આવતા હતા ત્યારે દર્શનકુમાર રિવરફ્રન્ટ રોડ પર લેમન ટ્રી હોટલના કટ પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે વખતે અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેથી દર્શનકુમાર નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન દર્શનકુમારનું મોત થયું હતું. આ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

અકસ્માતના ત્રીજા બનાવની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ભાટીયા નવાવાસ ખાતે રહેતા 65 વર્ષીય તેજુસિંહ રાઠોડ ખેતીકામ કરતા હતા. 15 ઓક્ટોબરે તેજુસિંહ દિલીપભાઈ પ્રજાપતિની બાઈક પાછળ બેસીને કુંજાડ ગામ ખાતે દવા લેવા માટે જઈ રહ્યા હતા. ત્યારે સિંગરવા-કઠવાડા રોડ પર આવેલી પાયલપાર્ક સોસાયટી પાસે પહોંચતા સોસાયટીની અંદરથી પુરઝડપે આવી રહેલ રીક્ષા ચાલકે બાઇકને ટક્કર મારતા દિલીપભાઈને હાથે-પગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેજુસિંહભાઈને માથાના ભાગે તથા જમણા પગે ગંભીર ઈજાઓ થવાથી અર્ધબેભાન થઈ ગયા હતા. ઘટનાસ્થળે ટોળા એકઠા થઈ જતા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન તેજુસિંહનું મોત નીપજ્યું હતું. આ અંગે વૃદ્ધના પુત્ર વનરાજસિંહે અજાણ્યા રીક્ષા ચાલક સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અકસ્માતના ચોથા બનાવની વિગત એવી છે કે, ​ઈસનપુરમાં રહેતો 20 વર્ષીય ગોકુલ દેવરે હાથીજણ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. 17 ઓક્ટોબરે સાંજે ગોકુલ પોતાની કંપનીના કામે બાઇક લઈને રામોલ પોલીસ ચોકીથી હાથીજણ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન કાર્તિક ફેબ્રિકેશનની સામે રોડ પર પહોચ્યો ત્યારે ડિવાઈડરને અડાડીને AMCના બગીચા ખાતાના ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજામાં ટ્રેક્ટર કોઈપણ પ્રકારની આડશ કે ચેતવણીના સંકેત મુક્યા વગર બેદરકારીપૂર્વક ઊભું રાખ્યું હતું. ​આ ભયજનક રીતે ઊભા રાખેલા ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે ગોકુલનું બાઇક અથડાતા તેને મોઢાના, જમણી બાજુ ગાલ, કાન, આંખ, દાઢી તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા ટ્રેક્ટર ચાલક વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત ગોકુલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત થયું હતું. આ અંગે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular