નાઈરોબી, 21 ઓક્ટોબર 2026: સુદાની સેનાએ વિવાદિત અબ્યેઈ (Abyei) પ્રદેશમાં એક બજાર પર ડ્રોન હુમલા કર્યા, જેમાં 150થી વધુ લોકોનાં મોત નીપજ્યાં. બજાર પર આ હુમલો સોમવારે બપોરના અરસામાં થયો હતો.
અબ્યેઈમાં માહિતી બાબતોના કાર્યકારી મંત્રી યોહાના અકોલ ન્ગોરે મંગળવારે જણાવ્યું હતું કે મૃત્યુઆંક 73થી વધીને 153 થઈ ગયો છે. તેમણે કોઈ પુરાવા આપ્યા વિના આરોપ લગાવ્યો કે આ હુમલા માટે સુદાનનું સૈન્ય જવાબદાર છે.
સુદાની સશસ્ત્ર દળોના એક પ્રવક્તાએ ટિપ્પણી માટેના અનુરોધનો તાત્કાલિક કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો. ત્રણ રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું હતું કે, આ હુમલામાં બજારમાં આવેલા ઈંધણના ડેપોને નિશાન બનાવવામાં આવ્યો હતો.
દરમિયાન, એપી (AP) ના અહેવાલ મુજબ, મંગળવારે એક ધારાસભ્યએ જણાવ્યું હતું કે આઈએસઆઈએસ (ISIS) સાથે સંકળાયેલા આતંકવાદીઓએ સપ્તાહના અંતે પૂર્વી માલીના મેનાકા વિસ્તારમાં હુમલો કર્યો હતો, જેમાં 48 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે.
વધુ વાંચો: આશ્રમશાળામાંથી નીકળવું પડ્યું ભારે, માર્ગ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓનાં મોત


