વડોદરા, 20 ઓક્ટોબર, 2026 : Food department seizes 8136 kg of suspicious ghee શહેર નજીક આવેલી પોર જીઆઈડીસીમાં ચાલીસા ફુડ નામના યુનિટ પર ફુડ અને ડ્રગ્સના અધિકારીઓએ રેડ પાડીને રૂપિયા 42 લાખની કિંમતનો 8136 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. અને ઘીના નમુના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. સામાજિક કાર્યકર અને યુવા અગ્રણી યુવરાજસિંહ જાડેજાની ફરિયાદ બાદ ફુડ અને ડ્રગ્સ વિભાગે ઘી બનાવતા યુનિટ પર રેડ પાડી હતી.
વડોદરા શહેર નજીક આવેલા પોર જીઆઈડીસીમાં આવેલી ચાલીસા ફૂડ્સ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડીને અંદાજે રૂ.42 લાખની કિંમતનો 8,136 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ફુડ વિભાગના અધિકારીઓએ તપાસ દરમિયાન પેકિંગ પહેલાં સ્ટોરેજ ટેન્કમાં રહેલો રૂ.26 લાખની કિંમતનો 5,200 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો તેમજ અલગ-અલગ બ્રાન્ડના પેકિંગમાં રહેલો રૂ.16 લાખની કિંમતનો 2,936 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. ફૂડ વિભાગે ઘીના ચાર નમૂના લઈને સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેર નજીક પોર જીઆઈડીસીમાં આવેલી ખાદ્ય ચીજોનું ઉત્પાદન કરતી ચાલીસા ફૂડ્સ નામની પેઢી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે તપાસ હાથ ધરી હતી. જાહેર નાગરિકની ફરિયાદના આધારે ડેઝિગ્નેટેડ ઓફિસર, વડોદરા વર્તુળ કચેરીની ટીમે પેઢીના જવાબદાર મહેશભાઈ કાન્તીભાઈ ઠેસીયાની હાજરીમાં તપાસ કરી હતી. આ દરમિયાન સ્ટોરેજ ટેન્કમાં પેકિંગ માટે તૈયાર રાખવામાં આવેલા 5,200 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.26 લાખ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, સ્થળ પર અલગ-અલગ બ્રાન્ડ અને પેક સાઇઝમાં પેક કરવામાં આવેલો 2,936 કિલો ઘીનો જથ્થો પણ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.16 લાખ થાય છે. આમ, ફૂડ વિભાગે કુલ રૂ.42 લાખની કિંમતનો 8,136 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન આ જથ્થો બજારમાં વેચાણ માટે પહોંચે નહીં તે હેતુથી કાર્યવાહી કરવામાં આવી હતી.ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ ઘીના જથ્થામાંથી અલગ-અલગ ચાર નમૂના લઈને પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબોરેટરીના પરીક્ષણ અહેવાલ આવ્યા બાદ ઘી ખાદ્ય સુરક્ષાના ધારાધોરણો અનુસાર છે કે નહીં તે સ્પષ્ટ થશે. ત્યારબાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


