Homeગુજરાતીગુજરાતગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારોએ કર્યા દેખાવો

ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારોએ કર્યા દેખાવો

ગાંધીનગર, 20 ઓક્ટોબર, 2026 :  candidates protest demanding permanent recruitment of art teachers શાળાઓમાં ચિત્ર વિષયના શિક્ષકોની ભરતી માટે સરકારના ઉપેક્ષાભર્યા વલણ સામે ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે. વર્ષોથી ભરતીની રાહ જોઈ રહેલા લાયકાત ધરાવતા ઉમેદવારો સોમવારે શહેરના વિદ્યાસમીક્ષા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ઉમેદવારોએ શિક્ષણ વિભાગને  આવેદનપત્ર આપીને ચિત્ર વિષયના શિક્ષકોની કાયમી ભરતીને તાત્કાલિક મંજૂરી આપવા માગ કરી હતી.

ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ચિત્રના શિક્ષકોની ભરતી કરવામાં સરકાર નિષ્ક્રિય રહી છે. આર્ટની પદવી મેળવેલા હજારો વિદ્યાર્થીઓ ચિત્ર શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ઉમેદવારોના કહેવા મુજબ  રાજ્યમાં લાંબા સમયથી ચિત્ર વિષયના શિક્ષકોની કાયમી ભરતી ન થવાને કારણે લાયકાત ધરાવતા હજારો ઉમેદવારોનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. શિક્ષણમાં ચિત્ર વિષયનું મહત્ત્વ હોવા છતાં આ વિષયના ઉમેદવારોને કાયમી રોજગારીની પૂરતી તકો મળતી નથી. આર્ટના શિક્ષક બનવા માગતા ઉમેદવારોએ ગાંધીનગરમાં એકઠા થઈને શિક્ષણ વિભાગને આવેદનપત્ર આપ્યું હતું. ઉમેદવારોએ મુખ્યમંત્રીને સંબોધીને અને શિક્ષણમંત્રી મારફતે રજૂ કરેલા આવેદનપત્રમાં ચાર મુખ્ય માગણીઓ કરી છે. જેમાં સરકારી શાળાઓમાં ચિત્ર વિષયના શિક્ષકોની કાયમી ભરતી તાત્કાલિક મંજૂર કરવી, ભરતીની ફાઇલને સંબંધિત વિભાગોમાંથી વહેલી તકે મંજૂરી અપાવવી, ભરતીની સત્તાવાર જાહેરાત સાથે સ્પષ્ટ સમયપત્રક જાહેર કરવું અને ઉમેદવારોના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે જવાબદાર સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજવી સામેલ છે.

ઉમેદવારોએ સરકારને અલ્ટીમેટમ આપતાં જણાવ્યું છે કે તેમની માગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે શાંતિપૂર્ણ ભૂખ હડતાળ સહિતના લોકશાહી માર્ગે આંદોલન ઉગ્ર બનાવવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular