પાલનપુર, 20 ઓક્ટોબર, 2026 : Driver of one trailer dies after two trailers collide રાજ્યના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત નિપજ્યા હતા. જેમાં બનાસકાંઠાના પાલનપુર થ્રિ- લેગ એલીવેટેડ બ્રિજ પર બે ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ ઉતરતા આબુરોડ તરફના છેડે થયેલી આ ટક્કરમાં એક ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત એટલો જોરદાર હતો કે એક ટ્રેલરનું કેબિન સંપૂર્ણપણે કચડાઈ ગયું હતું. ટ્રેલર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. જ્યારે વાવ-થરાદ જિલ્લાના થરાદ નજીક રાત્રે અમુલડેરીના ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવાચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, પાલનપુર નજીક નેશનલ હાઈવે પર થ્રી-લેગ એલીવેટેડ બ્રિજના છેડે ઊભેલા ટ્રકની પાછળ પૂર ઝડપે આવેલો ટ્રક અથડાતા ટ્રકના કેબીનમાં ફસાઈ જતા ચાલકનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ તરત સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચાલી રહી છે. આ અકસ્માતમાં મૃતક ટ્રકચાલકની ઓળખ હજુ થઈ નથી અને ટ્રકના માલિકનો સંપર્ક કરવામાં આવ્યો છે.
બીજા અકસ્માતની વિગત એવી છે કે, થરાદ શહેરમાં મોડી રાત્રે એક્ટિવા અને અમૂલ ડેરીના ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નવરાત્રિ જોઈને ઘરે પરત ફરતી વખતે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, થરાદના શિવનગર વિસ્તારમાં રહેતા વાધનાથ પપ્પુંનાથ નાથબાવા એક્ટિવા પર સવાર થઈ નવરાત્રિ જોઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન રેફરલ હોસ્પિટલના ત્રણ રસ્તા નજીક તેમની એક્ટિવા અને અમૂલ ડેરીના ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ગંભીરતાને કારણે એક્ટિવા ચાલક વાધનાથનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.


