મહેસાણા, 20 ઓક્ટોબર, 2026 : Hit and run on Modhero – Mithi ‘Ghadiyaal’ road જિલ્લાના મોઢેરા-મીઠી ઘડિયાળ રોડ પર રવિવારે સાંજે ત્રિપલ સવારી બાઈકને પૂર ઝડપે આવેલી કિયા કારના ચાલકે ટક્કર મારતા બાઈકસવાર ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બે યુવાનો ગંભીરરીતે ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ કિયા કાર સાથે તેનો ચાલક નાસી ગયો હતો, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને નાસી ગયેલા કારચાલકને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
હીટ એન્ડ રનના આ બનાવની વિગત એવી છે કે, મહેસાણાના મોઢેરા-મીઠી ઘડિયાળ રોડ પર રવિવારે સાંજે ત્રિપલ સવારી બાઈકને પૂર ઝડપે આવેલી કિયા કારના ચાલકે ટક્કર મારતા બાઈકસવાર ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત રમેશભાઈ ઈશ્વરભાઈ અને રણવીર સિંહ જાડેજાનેને માથા અને મોઢા પર ઇજાઓ થતા હાલમાં બેભાન અવસ્થામાં છે.
આ અકસ્માતના બનાવના સીસીટીવી કૂટેજ પણ વાયરલ થયા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, કિયા કાર અમદાવાદના રાહુલ ઠક્કરના નામે હોવાનું સામે આવ્યું છે. હાલમાં કારના માલિકની શોધખોળ શરૂ કરી છે. અકસ્માત કોણે કર્યો તે તપાસ બાદ જ સામે આવશે.
મૂળ કડી તાલુકાના ધુમાસણ ગામના વતની અને હાલ બેચરાજી તાલુકાના સમલીયાપુરા ખાતે રહી ખેતમજૂરી કરતા તારાબેન દેવીપૂજકની ફરિયાદ મુજબ, તેમના પતિ નટુભાઈ કાળાભાઈ દેવીપૂજક (ઉં.વ. 27) ગત રોજ બપોરે ઘરેથી મોઢેરા ગામે ખેતમજૂરી કામ માટે ગયા હતા. સાંજના આશરે 5:30થી 6:30 વાગ્યાના સુમારે નટુભાઈ, તેમના કુટુંબી રમેશભાઈ ઈશ્વરભાઈ દેવીપૂજક અને દરબાર રણવીરસિંહ હિંમતસિંહ જાડેજા એમ ત્રણેય જણા બાઈક (GJ 02 EH 6783) પર સવાર થઈને ખેતરેથી ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન મોઢેરાથી મીઠી ઘડિયાળ જવાના રોડ પર ચડતી વખતે મોઢેરા કેનાલ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક કિયા કાર (GJ 01 WU 0924)ના ચાલકે તે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈકચાલક નટુભાઈ દેવીપૂજકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોટી માત્રામાં લોહી વહી જતા તેઓનું રોડ પર જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ કારચાલક મદદ કરવાના બહાને ફરાર થઈ ગયો હતો, જેનો વીડિયો અન્ય વાહનચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ બનાવ અંગે જાણ થતાં જ મૃતકના પત્ની તારાબેન તથા પિયર પક્ષના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલા રમેશભાઈ દેવીપૂજક અને રણવીરસિંહ જાડેજાને 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


