Homeગુજરાતીગુજરાતવડોદરા નજીક હાઈવે પર LPG અને દૂધ ટેન્કર વચ્ચે અકસ્માત, ગેસ લિકંજથી...

વડોદરા નજીક હાઈવે પર LPG અને દૂધ ટેન્કર વચ્ચે અકસ્માત, ગેસ લિકંજથી ભાગદોડ મચી

વડોદરા, 20 ઓક્ટોબર, 2026 : Accident between LPG and milk tanker  શહેર નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર દૂધ ભરેલા ટેન્કર અને એલપીજી ગેસ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એલપીજી ટેન્કરમાંથી ગેસ લીક થતાં અફરા-તફરી મચી ગઈ હતી. આ બનાવની જાણ કરાતા પોલીસ અને ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. અને સલામતી માટે હાઈવેનો એક તરફનો રોડ વાહનો માટે બંધ કરી દેવામાં આવતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ફાયર ફાયટરો દ્વારા ગેસ ટેન્કર પર પાણીનો સતત છંટકાવ કરીને ટ્રેમ્પ્રેચર નિયંત્રિત રાખીને ટેન્કમાંથી ગેસ લીકેજ બંધ કર્યો હતો.

 આ બનાવની વિગત એવી છે કે,  વડોદરા શહેર નજીક નંદેસરી વિસ્તારમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દૂધના ટેન્કર અને અત્યંત જ્વલનશીલ પ્રવાહી ગેસ ભરેલા એલપીજી ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા એક્સપ્રેસ વે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ અત્યંત જ્વલનશીલ હોવાને કારણે ગમે ત્યારે મોટી વિસ્ફોટક દુર્ઘટના સર્જાઈ શકે એમ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ તંત્ર, એક્સપ્રેસ વે ઓથોરિટીની રેસ્ક્યુ ટીમ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સુરક્ષાના ભાગરૂપે અને જાનહાનિ અટકાવવા માટે પ્રશાસન દ્વારા તાત્કાલિક હાઈવેનો એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર જવાનોએ સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી સતત પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. ટેન્કરનું તાપમાન નિયંત્રિત કરવા અને ગેસના વાયુ પ્રસરણને અટકાવવા માટે કલાકો સુધી ભારે જહેમત ઉઠાવાઈ હતી. ફાયર ટીમની સતર્કતા અને સમયસૂચકતાને કારણે આખરે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હતો.

બન્ને ટેન્કરો વચ્ચે અકસ્માત અને ત્યારબાદ ગેસ લીકેજની સ્થિતિના કારણે એક્સપ્રેસ વે પર વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી. બંને બાજુએ વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી. જેથી મુસાફરો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કરજણ પાસેથી વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો હતો. ટ્રાફિક પોલીસ અને એક્સપ્રેસ વેના સુરક્ષા કર્મચારીઓએ ત્વરિત ટ્રાફિક ડાયવર્ઝન આપીને વાહનોને સુરક્ષિત રીતે વૈકલ્પિક માર્ગો પરથી પસાર કરવાની વ્યવસ્થા હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ ધીમે ધીમે ટ્રાફિકને પૂર્વવત કરાયો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular