Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે પરથી 25.5 કરોડના ડ્ર્ગ્સ સાથે 3 આરોપી પકડાયા

અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે પરથી 25.5 કરોડના ડ્ર્ગ્સ સાથે 3 આરોપી પકડાયા

 અમદાવાદ, 23 ઓક્ટોબર, 2026 : 3 accused arrested with drugs worth Rs 25.5 crore સુરત અને અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે સંયુક્તરીતે ઓપરેશન કરીને રામોલ પોલીસ સ્ટેશનની હદમાં સીટીએમ એક્સપ્રેસ હાઈવે ટોલનાકા પાસે  કારને આંતરીને રૂપિયા 25 કરોડથી વધુની કિંમતનો એમડી  ડ્રગ્સ અને અફઘાની હેરોઈન જથ્થો ઝડપી લીધો હતો. એમડી ડ્રગ્સ અને હેરોઈનનો જથ્થો કારની સીટ નીચે ચોકલેટ અને એનર્જી ડ્રીંકની બોટલમાં છુપાવવામાં આવ્યો હતો. આ આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરીને પોલીસે ઉત્તરપ્રદેશ અને દિલ્હીના ત્રણ શખસની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે સંયુક્ત ઓપરેશનમાં સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. અને પૂર ઝડપે કાર આવતા તેને અટકાવીને તલાશી લેતા ડ્રગ્સ અને હેરોઈનનો જથ્થા સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતા. આ ત્રણેય પેડલરો પાસેથી પોલીસે કુલ 2497.490 ગ્રામ MD (મેફેડ્રોન) (જેની કિંમત 1.2 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) અને 4531.220 ગ્રામ હેરોઇન (જેની કિંમત 5 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) જપ્ત કર્યું છે.

 આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે, સુરત પોલીસ છેલ્લા દોઢ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ડ્રગ્સનો જથ્થો મંગાવી આંતર રાજ્ય વેચાણ કરનાર ગેંગને શોધી રહી હતી. આ દરમિયાન 21 ઓક્ટોબરે સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે, ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતમાં આવ્યો છે. જે બાદ સુરત પોલીસ અને અમદાવાદ પોલીસ વચ્ચે સંકલન થયું હતું. ત્યારબાદ સુરતથી PI એસ.એન પરમાર ટીમ સાથે અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પણ બે ટીમ સાથે મળી 3 ટીમ બનાવી બરોડા એક્સપ્રેસ હાઈવે પર ટોલટેક્સ પાસેથી એક કાળા કલરની XUV ગાડી તપાસવામાં આવી હતી. આ ગાડીમાંથી ત્રણ આરોપી મળી આવ્યા હતા. જેમાં કફીલ એહમદ ઉર્ફે જાવેદ અન્સારી, તિફેલ નોખેજ અને મોહમ્મદ ઈમરાન ઉર્ફે રાજા અલવી મળી આવ્યા હતા. પોલીસે જ્યારે ગાડીમાં તપાસ કરી ત્યારે ગાડીમાં સીટની નીચે ચોકલેટના પેકેટ અને એનર્જી ડ્રીંકની બોટલની અંદર આ ડ્રગ્સનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો.

આ ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં રહેતા અસલમ નામની વ્યક્તિે મંગાવ્યો હતો. આ ગાડી દિલ્હીથી નીકળી હતી જે અમદાવાદ પહોંચી હતી, જે રાજકોટ તરફ પણ જવાની હતી. ગુજરાતના અલગ અલગ છથી સાત વિસ્તારોમાં સપ્લાય થવાનું પણ સામે આવ્યું છે. હેરોઈનનો જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હતો, જ્યારે એમડી ડ્રગ્સ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યું હતું. અગાઉ ડ્રગ્સનો જથ્થો ઓછા પ્રમાણમાં સપ્લાય કરવાનો હોય ત્યારે યુવતીઓ અને ફેમિલી સાથે રાખી સપ્લાય કરવામાં આવતો હતો, પરંતુ પોલીસ પકડે નહીં તે માટે લોકોની અવરજવર વધુ હોય તે માટે ખુદ આરોપીઓ જ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા આવ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular