નવી દિલ્હી, 22 ઓક્ટોબર 2026: પ્રશાંત મહાસાગરમાં બનેલા ‘અલ નીનો’ ની અસરને કારણે આ વર્ષે શિયાળામાં કડકડતી ઠંડી માટે લાંબી રાહ જોવી પડી શકે છે. જોકે સમય પહેલાં ગુલાબી ઠંડીએ દસ્તક જરૂર દીધી છે, પરંતુ ઉત્તર અને મધ્ય ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન તાપમાન સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી વધુ રહી શકે છે. આ દરમિયાન કડકડતી ઠંડીના દિવસો ઓછા થઈ શકે છે, જ્યારે રાત્રિના તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. હવામાનના આ મિજાજ બદલાવની સીધી અસર શિયાળુ પાક પર પણ જોવા મળી શકે છે.
આ કોઈ સામાન્ય અનુમાન નથી, પરંતુ પંજાબના મોહાલી સ્થિત ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને અનુસંધાન સંસ્થાનના પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગના નિષ્ણાત ડો. રાજુ અટ્ટાડાની ચેતવણી છે. ભારતીય હવામાન શાસ્ત્ર સોસાયટી દ્વારા હિમાલય ક્ષેત્રમાં આયોજિત એક વિશેષ સંમેલનમાં તેમણે અલ નીનોના કારણે ભારતના હવામાન, આબોહવા અને કૃષિ ચક્ર પર પડનારા ગંભીર પ્રભાવો અંગે સાવચેત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાને કારણે શિયાળાનો અનુભવ મર્યાદિત બની શકે છે. એટલું જ નહીં, ફેબ્રુઆરી-માર્ચમાં સમય પહેલાં ગરમી વધવાની અને આગામી ઉનાળાની સિઝનમાં લૂનું જોખમ પણ વધી શકે છે.
ડૉ. રાજુ અટ્ટાડા દ્વારા રજૂ કરવામાં આવેલા મોડેલ આકલન મુજબ, ડિસેમ્બર 2026 થી ફેબ્રુઆરી 2027 દરમિયાન ઉત્તર ભારતના મેદાની વિસ્તારો, ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઉપર રહેવાની 70 ટકા સંભાવના છે. જોકે, તેનો અર્થ એ નથી કે શીતલહેર બિલકુલ નહીં ચાલે, કારણ કે હવામાનની વાસ્તવિક સ્થિતિ પશ્ચિમી વિક્ષેપ, સ્થાનિક પરિસ્થિતિઓ અને અન્ય આબોહવાકીય પરિબળો પર પણ નિર્ભર રહેશે.
-
ખેતી અને પાક પર તોળાઈ રહ્યું છે સીધું જોખમ
ડૉ. રાજુએ જણાવ્યું કે શિયાળામાં બોવાતી રબી પાક, વિશેષરૂપટે ઘઉં, સરસવ અને કઠોળને ઉત્તમ વૃદ્ધિ અને પેદાશ માટે અનુકૂળ ઠંડક તથા સમયસર હળવા વરસાદની જરૂરિયાત હોય છે. તાપમાનમાં અસામાન્ય વધારો અને વરસાદની અછતને કારણે પાકનો વિકાસ રૂંધાઈ શકે છે, જેનાથી પેદાશ ઘટવાની આશંકા વધી જાય છે. કેન્દ્રીય જલ આયોગના સપ્ટેમ્બર 2026 ના આંકડા મુજબ, દેશના 178 મુખ્ય જળાશયોમાં ઉપલબ્ધ પાણી તેમની કુલ ક્ષમતાના આશરે 70 ટકા હતું, જે પાછલા વર્ષ કરતાં 10 ટકા ઓછું છે.
અલ નીનો એ ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરની સપાટીના પાણીનું સામાન્ય કરતાં વધુ ગરમ થવું છે. તે વૈશ્વિક વાયુમંડલીય પરિભ્રમણને પ્રભાવિત કરે છે અને ભારતમાં ચોમાસા તેમજ તાપમાનના પેટર્ન પર અસર કરે છે. જો કે, કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વરસાદ કે શિયાળો કેવો રહેશે, તે માત્ર અલ નીનો પર જ નિર્ભર હોતું નથી.


