Homeગુજરાતીદેશ-વિદેશસાઉદી અરેબિયામાં બાંગ્લાદેશી કપલને મોતની સજા અપાઈ, બે વર્ષમાં 330ને મૃત્યુદંડ

સાઉદી અરેબિયામાં બાંગ્લાદેશી કપલને મોતની સજા અપાઈ, બે વર્ષમાં 330ને મૃત્યુદંડ

રિયાધ, 20 ઓક્ટોબર 2026: દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં ગરીબી અને રોજગારીના અભાવે લોકો સારા ભવિષ્યની શોધમાં વિદેશ જતા હોય છે. બાંગ્લાદેશ જેવા દેશોના હજારો લોકો પણ પરિવારનું ભરણપોષણ કરવા માટે સાઉદી અરેબિયા જતા હોય છે. પરંતુ, જે દેશમાં તેઓ કમાણી કરવા જાય છે, ત્યાં ક્યારેક ગંભીર ગુનાઓ બદલ તેમને મોતની સજાનો પણ સામનો કરવો પડે છે. તાજેતરમાં જ સાઉદી અરેબિયાના મક્કામાં એક બાંગ્લાદેશી પુરુષ અને મહિલાને ફાંસી આપવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સાઉદી અરેબિયામાં અત્યાર સુધીમાં 330 વ્યક્તિઓને મોતની સજા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સાઉદી અરેબિયાના આંતરિક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, નઝરુલ ઇસ્લામ અબ્દુલ બશીર અને સીતી અખ્તરને મક્કામાં એક મસ્જિદમાં કથિત અનૈતિક કૃત્ય કરવાના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સાઉદી પ્રેસ એજન્સીના અહેવાલ મુજબ, અદાલતે અપરાધની ગંભીરતા અને મસ્જિદની પવિત્રતાને ધ્યાનમાં રાખીને બંનેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. જોકે, અધિકારીઓ દ્વારા કથિત ઘટનાની વિગતવાર માહિતી સાર્વજનિક કરવામાં આવી નહોતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નીચલી અદાલતના આ નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવી હતી, પરંતુ સજા યથાવત રહી હતી. ત્યારબાદ શાહી આદેશના આધારે 14 ઓક્ટોબરના રોજ બંનેને ફાંસી આપી દેવામાં આવી હતી. જેદ્દાહ સ્થિત બાંગ્લાદેશના વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું હતું કે તેમને ફાંસી આપતા પહેલા આ અંગે કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી નહોતી. દૂતાવાસે સાઉદી વિદેશ મંત્રાલયને પત્ર મોકલીને આ મામલે ઔપચારિક પુષ્ટિ માંગી છે.

  • સાઉદી અરેબિયામાં મૃત્યુદંડના આંકડા અને વિદેશી નાગરિકો

સાઉદી અરેબિયામાં મૃત્યુદંડનો ઉપયોગ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય રહ્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, 2024 માં અત્યાર સુધીમાં 330 લોકોને ફાંસી આપવામાં આવી હોવાના આંકડા સામે આવ્યા છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલના જૂના આંકડાઓ દર્શાવે છે કે સાઉદીમાં વિદેશી નાગરિકોને મૃત્યુદંડ આપવાના કિસ્સા અગાઉ પણ બનતા રહ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો, અગાઉના સમયમાં પાકિસ્તાનના 21, યમનના 20 અને સીરિયાના 14 નાગરિકોને ફાંસી અપાઈ ચૂકી છે. આ ઉપરાંત નાઈજીરીયાના 10, ઇજિપ્તના 9, જોર્ડનનીના 8 અને ઇથિયોપિયાના 7 નાગરિકો સામેલ છે. જ્યારે સુદાન, ભારત અને અફઘાનિસ્તાનના 3-3 નાગરિકો તેમજ શ્રીલંકા, ઇરિટ્રિયા અને ફિલિપાઇન્સના 1-1 નાગરિકને પણ મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.

  • 2011માં પણ આઠ બાંગ્લાદેશીઓને અપાઈ હતી ફાંસી

સાઉદી અરેબિયામાં બાંગ્લાદેશી નાગરિકોને મોતની સજા મળવાનો એક ચર્ચિત મામલો 7 ઓક્ટોબર 2011 ના રોજ સામે આવ્યો હતો. તે દિવસે રાજધાની રિયાધમાં આઠ બાંગ્લાદેશી પ્રવાસી કામદારોનું જાહેરમાં શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. તેમને એપ્રિલ 2007માં એક ઇજિપ્તીયન નાગરિકની કથિત હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. એમનેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, આ ઘટના બાંગ્લાદેશી કામદારો અને અન્ય લોકો વચ્ચે થયેલી ઝડપ સાથે જોડાયેલી હતી, જેણે ભારે વિવાદ જગાવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular