નવી દિલ્હી, 20 ઓક્ટોબર 2026: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર મંગળવારથી સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે. આ કરારથી ભારતીય નિકાસકારો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, ખેડૂતો અને શ્રમ-પ્રધાન ઉદ્યોગો માટે ન્યૂઝીલેન્ડના બજારમાં તકોના નવા દ્વાર ખુલશે. કરાર હેઠળ ન્યૂઝીલેન્ડમાં ભારતીય નિકાસને 100 ટકા ડ્યુટી-ફ્રી (શુલ્ક મુક્ત) માર્કેટ એક્સેસ મળશે, જ્યારે ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રોને સંપૂર્ણ સંરક્ષણ આપવામાં આવ્યું છે. સરકારનું માનવું છે કે આ કરારથી બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને આર્થિક સહયોગને નવી ઊંચાઈ મળશે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારતીય ઉત્પાદનોને 100 ટકા શુલ્ક મુક્ત પ્રવેશ મળવાથી એમએસએમઈ, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને રોજગારલક્ષી ઉદ્યોગો માટે નવી તકો ઊભી થશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર તેમણે લખ્યું કે, આ કરાર ભારતીય પ્રોફેશનલ્સ માટે પણ નવા માર્ગો ખોલશે, જ્યારે દેશના મૂળભૂત હિતો સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. ગોયલના જણાવ્યા મુજબ, ભારતીય ખેડૂતોને ફળ, શાકભાજી, મસાલા અને અન્ય કૃષિ ઉત્પાદનોની નિકાસ માટે ઉત્તમ બજાર ઉપલબ્ધ થશે, જેનાથી કૃષિ ઉત્પાદનોની માંગ વધશે અને ખેડૂતોની આવક મજબૂત થશે.
વાણિજ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારતે ડેરી સહિતના સંવેદનશીલ ક્ષેત્રોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કર્યું છે. કરારમાં ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવી છે જેથી આંતરરાષ્ટ્રીય વેપારની તકો વધવાની સાથે સ્થાનિક કૃષિ ક્ષેત્રને કોઈ નુકસાન ન પહોંચે. ગોયલે વિજયાદશમીના પવિત્ર અવસરે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એફટીએ લાગુ થવાને આર્થિક ભાગીદારીના નવા અધ્યાયની શરૂઆત ગણાવી હતી.
-
ન્યૂઝીલેન્ડ જશે ભારતમાં બનેલા JCB, મેન્યુફેક્ચરિંગને મળશે પ્રોત્સાહન
પીયૂષ ગોયલે મહારાષ્ટ્રના પુણે ખાતે નિર્મિત જેસીપી મશીનોની ન્યૂઝીલેન્ડ જનારી પ્રથમ ખેપને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. તેમણે ઉમેર્યું કે ન્યૂઝીલેન્ડમાં ‘મેડ ઈન ઈન્ડિયા’ જેસીબી મશીનોનો ઉપયોગ ભારતીય ઉત્પાદન ક્ષેત્રની વધતી ક્ષમતા દર્શાવે છે. સરકારને આશા છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ભારતીય ઉત્પાદનોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે.
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે, મુક્ત વેપાર કરાર માત્ર આયાત શુલ્ક ઘટાડવા પૂરતા મર્યાદિત નથી હોતા, પરંતુ તે લાંબા ગાળાની આર્થિક ભાગીદારીનો આધાર બને છે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત-ન્યૂઝીલેન્ડ એફટીએથી કૃષિ, મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં ન્યૂઝીલેન્ડથી ભારતમાં 20 અબજ ડોલર સુધીના રોકાણનો માર્ગ પ્રશસ્ત થઈ શકે છે. આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર બમણો થવાની શક્યતા છે.
-
આઈટી, ફાર્મા અને સર્વિસ સેક્ટર માટે પણ સોનેરી તકો
આ કરારથી ભારતીય સર્વિસ સેક્ટરને પણ મોટો ફાયદો થશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પ્રોફેશનલ સર્વિસીસ, કન્સ્ટ્રક્શન, ટૂરિઝમ અને ઓડિયો-વિઝ્યુઅલ સેવાઓ સાથે જોડાયેલી ભારતીય કંપનીઓને ન્યૂઝીલેન્ડમાં વધુ સારા પ્રોજેક્ટ્સ મળશે. આ ઉપરાંત, ભારતીય ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઇસ નિકાસકારો માટે પણ બજાર સુધી પહોંચવું સરળ બનશે, કારણ કે ન્યૂઝીલેન્ડ ગ્લોબલ સ્તરે માન્યતાપ્રાપ્ત રેગ્યુલેટર્સની મંજૂરીઓને સ્વીકારશે.


