નવી દિલ્હી, 20 ઓક્ટોબર 2026: વિજયાદશમી (દશેરા)ના પવિત્ર પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. આ વિશેષ પ્રસંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (ટ્વિટર) પર ભગવાન શ્રીરામની મહિમાનું વર્ણન કરતો વાલ્મિકી રામાયણનો એક પવિત્ર સંસ્કૃત શ્લોક શેર કર્યો હતો. પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી હતી કે ઉલ્લાસ અને વિશ્વાસથી ભરેલો આ વિજય પર્વ દરેક નાગરિકના સંકલ્પને નવી શક્તિ આપે અને સૌના જીવનમાં સુખ, સૌભાગ્ય તેમજ સફળતા લઈને આવે.
પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં લખ્યું કે, “આપ સૌને વિજયાદશમીની અનંત શુભકામનાઓ. ઉલ્લાસ અને વિશ્વાસનો આ વિજય પર્વ દરેક વ્યક્તિના સંકલ્પને નવી શક્તિ પ્રદાન કરે. સૌનું જીવન સુખ-સૌભાગ્ય અને સફળતાથી સમૃદ્ધ બને, એવી જ કામના છે.” તેમણે અન્ય એક પોસ્ટમાં સંસ્કૃતનો સુભાષિત શ્લોક શેર કરીને ભગવાન શ્રીરામના આદર્શ ચરિત્ર, ધર્મનિષ્ઠા અને અદ્ભુત પરાક્રમનું વર્ણન કર્યું હતું.
પ્રધાનમંત્રી દ્વારા શેર કરવામાં આવેલો શ્લોક નીચે મુજબ છે:
“રામો વિગ્રહવાન્ ધર્મસ્સાધુસ્સત્યપરાક્રમઃ।
રાજા સર્વસ્ય લોકસ્ય દેવાનામ્ મઘવાનિવ॥”
શ્લોકનો ગુજરાતીમાં સરળ અર્થ
આ શ્લોક ભગવાન શ્રીરામના વ્યક્તિત્વ અને તેમના ધર્મપરાયણ જીવનની વિશેષતાઓને ઉજાગર કરે છે.
અર્થ: ભગવાન શ્રીરામ સ્વયં ધર્મનું સાક્ષાત અને સજીવ સ્વરૂપ છે. તેઓ સજ્જનોના રક્ષક, સત્ય પ્રત્યે સમર્પિત અને અદ્ભુત પરાક્રમી છે. જે રીતે દેવરાજ ઇન્દ્ર સમગ્ર દેવલોકના અધિપતિ અને રક્ષક છે, તે જ રીતે શ્રીરામ સમસ્ત લોકના પાલન અને સંરક્ષણનો ઉત્કૃષ્ટ આદર્શ રજૂ કરે છે.
આ શ્લોક દર્શાવે છે કે શ્રીરામના જીવનમાં ધર્મ માત્ર કોઈ ઉપદેશ કે સિદ્ધાંત પૂરતો સીમિત નથી, પરંતુ તે તેમના આચરણ, વચન અને નૈતિક કર્તવ્યોમાં સ્પષ્ટપણે દ્રષ્ટિગોચર થાય છે.
વાલ્મિકી રામાયણ સાથે જોડાયેલો છે આ શ્લોક
આ શ્લોક મહર્ષિ વાલ્મિકી દ્વારા રચિત વાલ્મિકી રામાયણના અરણ્યકાંડના સર્ગ 37 ના 13મા શ્લોક તરીકે ઉદ્ધૃત કરવામાં આવ્યો છે. રામાયણના આ પ્રસંગમાં ભગવાન શ્રીરામના ગુણો, તેમનો પ્રભાવ અને ધર્મ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા જોવા મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર, જ્યારે રાક્ષસો વનમાં તપસ્યા કરતા ઋષિ-મુનિઓ અને સાધુ-સંતોને હેરાન કરતા હતા, ત્યારે શ્રીરામે તેમના રક્ષણ અને ધર્મની સ્થાપનાનો સંકલ્પ લીધો હતો. તેમનું ચરિત્ર એ સંદેશ આપે છે કે શક્તિનો ઉપયોગ અહંકાર માટે નહીં, પરંતુ અન્યાય-અત્યાચારને રોકવા અને નિર્બળોનું રક્ષણ કરવા માટે જ થવો જોઈએ.
શ્રીરામના જીવનમાંથી મળે છે કર્તવ્ય અને મર્યાદાનો સંદેશ
આ શ્લોકનો વ્યાપક સંદેશ એ છે કે ધર્મ માત્ર નિયમોનું પાલન કરવું નથી, પરંતુ જીવનની દરેક જવાબદારીને ઈમાનદારી અને ન્યાય સાથે નિભાવવી તે છે. એક પુત્ર, ભાઈ, મિત્ર કે રાજા તરીકે ભગવાન શ્રીરામનું ચરિત્ર મર્યાદા, સત્યનિષ્ઠા અને કર્તવ્યપાલનની પ્રેરણા આપે છે. વિજયાદશમીના પવિત્ર અવસરે શ્રીરામના આ સ્વરૂપનું સ્મરણ અસત્ય પર સત્યની, અઘર્મ પર ધર્મની અને બુરાઈ પર અચ્છાઈની વિજયના સંદેશને વધુ પ્રાસંગિક બનાવે છે.


