મુંબઈ, 22 ઓક્ટોબર 2026: ભારતીય શેરબજાર માટે ગુરુવાર, 22 ઓક્ટોબર 2026 નો દિવસ અત્યંત ભારે સાબિત થયો છે. સેન્સેક્સની વીકલી એક્સપાયરી પર બજાર ખૂલતાની સાથે જ જબરદસ્ત વેચવાલી શરુ થઈ હતી, જેના કારણે માર્કેટ બંધ થતાં ચારેય તરફ લાલ નિશાન જ જોવા મળ્યું હતું. આ સતત ત્રીજો કાળો દિવસ છે જ્યારે ઘરેલુ બજાર ઘટાડા સાથે બંધ થયું છે. વિદેશી મોરચેથી આવેલા ખરાબ અહેવાલોએ રોકાણકારોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. સાંજે બજાર બંધ થતાં સુધીમાં રોકાણકારોની મહેનતની કમાણીના 4 લાખ કરોડ રૂપિયાથી વધુ સ્વાહા થઈ ચૂક્યા છે.
બજારના નિષ્ણાતોના મતે, આ ભારે ઘટાડાનું સૌથી મોટું કારણ સાઉદી અરામકો પર થયેલો ડ્રોન હુમલો છે. આ હુમલાથી પશ્ચિમ એશિયામાં તણાવ એટલો વધી ગયો કે તેની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી. ઇન્ટ્રા-ડે (કારોબાર દરમિયાન) એક સમયે સેન્સેક્સ 704.58 પોઇન્ટ્સ તૂટીને 73,005.11 ની સપાટી સુધી ગગડી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ 256.50 પોઇન્ટ્સ ઘટીને 22,554.85 સુધી નીચે ગયો હતો. દિવસના અંતે સેન્સેક્સ 460.30 પોઇન્ટ્સ એટલે કે 0.62 ટકા ઘટીને 73,249.39 પર અને નિફ્ટી 50 પણ 123.70 પોઇન્ટ્સ એટલે કે 0.54 ટકા ના ઘટાડા સાથે 22,687.65 પર બંધ થયો હતો.
બ્રોડર માર્કેટમાં પણ આજે ભારે નરમાશ જોવા મળી હતી. ખાસ કરીને નાના શેરો એટલે કે સ્મોલકેપ સ્પેસ પર સૌથી વધુ માર પડ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 માં આશરે 1 ટકા અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 1 ટકા કરતાં વધુ તૂટ્યો હતો. આંકડાકીય નજર કરીએ તો, એક દિવસ અગાઉ એટલે કે 21 ઓક્ટોબર 2026 ના રોજ બીએસઈ પર લિસ્ટેડ તમામ શેરોનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4,62,37,678.67 કરોડ હતું, જે આજે 22 ઓક્ટોબર 2026 ના રોજ ઘટીને રૂ. 4,58,35,517.82 કરોડ રહી ગયું છે. આનો સીધો અર્થ એ થયો કે એક જ દિવસમાં રોકાણકારોની મૂડીમાં રૂ. 4,02,160.85 કરોડનું ધોવાણ થયું છે.
-
આઈટીથી લઈને ઓટો સેક્ટરમાં ભારે વેચવાલી
સેક્ટરવાર નજર કરીએ તો, આજે શરૂઆતી કારોબારથી જ તમામ સેક્ટરના નિફ્ટી ઇન્ડેક્સ લાલ નિશાનમાં રહ્યા હતા. એફએમસીજી, આઈટી અને ઓટો સેક્ટરના શેરોએ રોકાણકારોને સૌથી વધુ નિરાશ કર્યા. નિફ્ટી એફએમસીજીમાં આશરે 1.5 ટકા, નિફ્ટી આઈટીમાં 1ટકા થી વધુ અને નિફ્ટી ઓટોમાં 0.5 ટકાથી વધુ વેચવાલી જોવા મળી. જોકે, આ ઘટાડા વચ્ચે પીએસયુ બેંક અને ફાર્મા સેક્ટરે થોડી મજબૂતાઈ દર્શાવતા લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા હતા.
ચારેય તરફ વેચવાલીના માહોલ વચ્ચે કેટલાક ગણતરીના શેરોએ રોકાણકારોને થોડી રાહત આપી હતી. બીએસઈ સેન્સેક્સ પર લિસ્ટેડ 30 શેરોમાંથી 19 શેરો લૂઢક્યા હતા, જ્યારે 11 શેરોમાં વધારો નોંધાયો હતો. બજાજ ફાઇનાન્સ 1.61 ટકા વધીને રૂ. 939.95 પર, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.52 ટકા વધીને રૂ. 10,975.00 પર અને આઈસીઆઈસીઆઈ બેંક 0.71 ટકા વધીને રૂ. 1,394.80 પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત સન ફાર્મા (રૂ. 1,753.95), એસબીઆઈ (રૂ. 968.30), ભારતી એરટેલ (રૂ. 1,899.95), અદાણી પોર્ટ્સ (રૂ. 1,756.20), ટાટા સ્ટીલ (રૂ. 172.80), કોટક બેંક (રૂ. 437.55), એચસીએલ ટેક (રૂ. 1,426.00) અને બજાજ ફિનસર્વ (રૂ. 1,685.00) જેવા શેરોએ માર્કેટને વધુ પડતા કડાકાથી બચાવવામાં મોટો સહારો આપ્યો હતો.


