મહેસાણા, 21 ઓક્ટોબર, 2026 : Bahuchar Mataji’s ‘Palkhi Yatra’ સુપ્રસિદ્ધ અને શક્તિપીઠ ગણાતા બેચરાજીમાં દશેરાના શુભ પર્વ નિમિત્તે બહુચર માતાજીની પરંપરાગત પાલખી યાત્રા નીકળી હતી. બહુચરાજીને કરોડો રૂપિયાની કિંમતનો નવલખો હાર પહેરાવવામાં આવ્યો હતો. માતાજી નગરની પરિક્રમાએ નીકળતા દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે પોલીસે પણ માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. એ સાથે જ ગાયકવાડ સરકારની પ્રાચીન પરંપરા મુજબ મુખ્ય મંદિરથી સમી વૃક્ષ સુધી ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. વર્ષમાં એક જ વખત સ્ટ્રોંગ રૂમમાંથી બહાર આવતા કરોડોના નવલખા હારના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા હતા.
બેચરાજીમાં દશેરાના પર્વના શુભદિને બહુચર માતાજી પાલખીમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા. માતાજીના કરોડો રૂપિયાની કિંમતનો નવલખો હાર પહેરાવવામાં આવ્યો હતો. પોલીસે માતાજીને ગાર્ડ ઓફ ઓનર્સ આપ્યું હતુ. પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. માતાજીના નવલખા હારના ઇતિહાસ વિશે વાત કરીએ તો, વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે ઈ.સ. 1783માં આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. લગભગ ત્રણસો વર્ષ પૂર્વે માનાજીરાવ ગાયકવાડને પાઠાનો અસાધ્ય રોગ થયો હતો. જે મટી જતાં, તેમણે મા બહુચર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ હાર અર્પણ કર્યો હતો. જે સમયે આ હાર બનાવવામાં આવ્યો હતો ત્યારે તેનું મૂલ્ય નવ લાખ રૂપિયા હતું, જેના કારણે તે ‘નવલખો હાર’ તરીકે ઓળખાયો. જો કે આ હારની કિંમતમાં સતત વધારો થતાં આજે તેની અંદાજિત કિંમત રૂપિયા 300 કરોડથી પણ વધુ છે. નવલખા હારમાં 6 કિંમતી નીલમ અને પોખરાજ જડવામાં આવ્યાં છે. આ ઉપરાંત 150 કરતાં વધુ હીરા ટાંકવામાં આવ્યા છે. હારના પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડો રૂપિયામાં અંકાય છે, તેના કારણે જ નવલખા હારને આખા વર્ષ દરમિયાન મંદિર ટ્રસ્ટ સલામત સ્થળે રાખે છે. દશેરાના દિવસે મંદિરના ત્રણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નવલખા હારને માતાજીના શણગારમાં લાવવામાં આવે છે.
મંદિરના પૂજારી તેજસ રાવલે જણાવ્યું હતું કે, આજના દિવસે માં ભગવતી અતિ મૂલ્યવાન નવલખો હાર પહેરીને નગરયાત્રાએ નીકળતા હોય છે. જેમાં માં ભગવતી શમી વૃક્ષ પાસે જાય છે, શમી વૃક્ષની પૂજા થાય છે, અને ત્યાં બધાને દર્શન આપી અને માતાજીની સવારી પાછી આવતી હોય છે.


