Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં ચોરાયેલા 52 મોબાઈલ ફોન સાથે બે આરોપી પકડાયા, 2 ફરાર

અમદાવાદમાં ચોરાયેલા 52 મોબાઈલ ફોન સાથે બે આરોપી પકડાયા, 2 ફરાર

અમદાવાદ, 03 નવેમ્બર, 2026 : Two accused arrested with 52 stolen mobile phones શહેરમાં મોબાઈલચોરીના કે ચીલઝડપના બનાવો વધી રહ્યા છે.પણ ઘણાબધા લોકો મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવતા નથી. રોડ પર ઊભા રહીને વાત કરતા રાહદારીઓ કે વાહનચાલકોના મોબાઈલ ઝૂંટવીને બાઈક પર શખસો પલાયન થઈ જતા હોય છે. આ ઉપરાંત જ્યાં વધુ ભીડ હોય એવા સ્થળોએ પણ મોબાઈલચોરીના વધુ બનાવો બનતા હોય છે. શહેરના ઝોન-7 LCBએ આંતરરાજ્ય મોબાઇલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. 2 આરોપીઓ પાસેથી 52 મોબાઇલ ફોન સહિત રૂ. 5.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ચોરીના 12 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જેમાં અમદાવાદના 11 અને રાજસ્થાનનો 1 ગુનો સામેલ છે. આરોપીઓ ભીડવાળી જગ્યાએથી મોબાઇલ ચોરતા હતા. અન્ય 2 ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

શહેરમાં ઝોન-7  પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે બે આરોપીઓને  52 મોબાઇલ ફોન સહિત કુલ રૂ.5.54 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મોબાઈલચોર ગેંગના અન્ય બે આરોપીઓ ફરાર હોવાથી તેમને ઝડપી લેતા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે પકડાયેલા બન્ને આરોપીની પૂછતાછ કરતા અમદાવાદ શહેરના 11 અને રાજસ્થાનનો એક મળી કુલ મોબાઇલ ચોરીના 12 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં ચોરીના મોબાઇલ મળી આવતા આંતરરાજ્ય મોબાઇલ ચોરીના નેટવર્ક અંગે તપાસ હાથ ધરાઈ છે. આ સાથે જ આરોપીઓ મોબાઇલ ચોરી કરી તેનો શું ઉપયોગ કરતા હતા તે દિશામાં પણ તપાસ શરૂ છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  આરોપીઓ ચોરીને અંજામ આપવા માટે ખાસ ભીડભાડવાળી જગ્યા પસંદ કરતા હતા. જે લોકો મોબાઇલ પર વાત કરતા હોય અથવા ઉપરના કે પાછળના ખીસ્સામાં મોબાઇલ રાખતા હોય તેમને ટાર્ગેટ કરવામાં આવતા હતા. નોંધનીય છે કે, આરોપી તનબીર ઉર્ફે તનુ બેરોજગાર હતો અને સદામ ચોરી સિવાય છૂટક મજૂરી કરતો હતો. હાલમાં દિવાળીના તહેવારને કારણે બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી રહી છે ત્યારે આવી ગેંગથી લોકોને સાવચેત અને સતર્ક રહેવાની પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular