નવી દિલ્હી, 01 નવેમ્બર 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીને ગુવાહાટી સાથે જોડતા ઉત્તરીય બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી આપી છે. આ કોરિડોર સિલિગુડી થઈને દિલ્હીને પૂર્વોત્તર ભારત સાથે જોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે વારાણસીમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કોરિડોર તૈયાર થઈ ગયા પછી, દિલ્હીથી સિલિગુડી સુધીનો મુસાફરીનો સમય વર્તમાન 20 કલાકથી ઘટીને માત્ર છ કલાક થઈ જશે. લગભગ 1,500 કિલોમીટર લાંબો આ કોરિડોર ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈને આસામ સુધી પહોંચશે.
આ કોરિડોર પરના મુખ્ય સ્ટેશનોમાં દિલ્હી, આગ્રા, કાનપુર, લખનૌ, અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, પટના, સિલિગુડી અને ગુવાહાટીનો સમાવેશ થશે. રેલ મંત્રીએ જણાવ્યું હતું કે આ માર્ગ પર બુલેટ ટ્રેનની મુસાફરીનું ભાડું હવાઈ મુસાફરીની સરખામણીમાં ઘણું ઓછું રાખવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકો આ સુવિધાનો લાભ લઈ શકે. તેમણે ઉમેર્યું કે આ પ્રોજેક્ટ ઉત્તર અને પૂર્વ ભારત વચ્ચે રેલ સંપર્ક વ્યવસ્થામાં સુધારો લાવશે.
આનાથી મુસાફરોનો સમય બચશે અને વેપાર તથા પ્રવાસનને પણ વેગ મળશે. રેલ મંત્રીના જણાવ્યા અનુસાર, આ હાઈ-સ્પીડ રેલ સેવા નાના પાયાના ઉદ્યોગો માટે લાભદાયી નીવડશે. વધુમાં, તે મધ્યમ આવક ધરાવતા પરિવારો, યુવાનો અને સ્થાનિક કારીગરો માટે નવી તકો ઊભી કરશે.
વધુ વાંચો: મણિપુરના નોનીમાં અંધાધૂંધ ફાયરિંગ, ત્રણ લોકોનાં કરુણ મોત


