ન્યુયોર્ક, 31 ઓક્ટોબર, 2026: અમેરિકી શેરબજારમાં શુક્રવારનો દિવસ ટેક્નોલોજી કંપનીઓ માટે કોઈ ખરાબ સ્વપ્નથી કમ નહોતો. મોટી ટેક કંપનીઓના શેરોમાં આવેલા અચાનક કડાકાએ દુનિયાભરના રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. સૌથી મોટો ફટકો ચિપ બનાવતી અગ્રણી કંપની ‘ઇન્ટેલ’ને લાગ્યો છે, જેનો શેર એક જ દિવસમાં 28.6 ટકા સુધી ક્રેશ થઈ ગયો છે. માત્ર ઇન્ટેલ જ નહીં, પરંતુ એનવિડિયા, એએમડી, ડેલ અને એચપીના શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે, જેના કારણે બજારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હવે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ફુગ્ગો ફૂટવાની શરૂઆત થઈ ચૂકી છે?
ટેક શેરોમાં મચેલી આ ભાગદોડની સીધી અસર અમેરિકી સૂચકાંકો પર જોવા મળી હતી. શુક્રવાર, 30 ઓક્ટોબરના રોજ ‘નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ’ 2.86 ટકા એટલે કે 747 અંક તૂટીને 25437 ના સ્તરે બંધ થયો હતો. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 5 જૂન પછી નાસ્ડેકમાં આ એક દિવસીય સૌથી મોટો ઘટાડો છે. ગત 6 ઓક્ટોબરની રેકોર્ડ ક્લોઝિંગ સપાટીથી નાસ્ડેક હવે 7.8 ટકા નીચે આવી ચૂક્યો છે. આ ઉપરાંત, એસએન્ડપી 500 (S&P 500) ઇન્ડેક્સ 1.82 ટકા ઘટીને 7580 પર આવી ગયો છે, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ પણ 1.09 ટકા એટલે કે 572 અંક લપસીને 51770 પર બંધ થઈ છે. ઓક્ટોબર મહિના દરમિયાન નાસ્ડેક અને એસએન્ડપી 500 નું રિટર્ન નેગેટિવ રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, માત્ર ઓક્ટોબર મહિનામાં જ ‘નાસ્ડેક 100’ ની માર્કેટ વેલ્યુ ૨ ટ્રિલિયન ડોલર કરતા વધુ ઘટી ચૂકી છે.
-
એનવિડિયાથી લઈને ડેલ સુધીના શેરોમાં હાહાકાર
આ ભયાનક કડાકા પાછળ ઇન્ટેલ અને એમેઝોનના નબળા ત્રિમાસિક પરિણામોનો સૌથી મોટો હાથ રહ્યો છે. આ પરિણામોએ સેમિકન્ડક્ટર ઉપરાંત સર્વર સેક્ટરને પણ પોતાની લપેટમાં લઈ લીધું છે. AI ચિપ બનાવતી સૌથી મોટી કંપની એનવિડિયાનો શેર 4.2 ટકા લપસી ગયો, જ્યારે બીજી મોટી ચિપ કંપની એએમડીના શેરમાં લગભગ 11 ટકાનો મોટો ઘટાડો નોંધાયો. સર્વર બનાવતી કંપનીઓની હાલત પણ ખરાબ રહી હતી; ડેલનો શેર 10.8 ટકા તૂટ્યો, જ્યારે એચપીના શેરમાં 9.6 ટકાનો ઘટાડો નોંધાયો. આ વેચવાલીની સીધી અસર સોમવાર, 3 નવેમ્બરના રોજ વૈશ્વિક બજારો પર જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ કોરિયા અને તાઇવાનના શેરબજારોમાં ભારે ઘટાડો આવી શકે છે, કારણ કે આ બંને બજારોની તેજી મુખ્યત્વે ટેક્નોલોજી શેરો પર જ આધારિત છે.
ઇન્ટેલ અને એમેઝોનના નબળા પરિણામોએ AI ના જોરે ચાલી રહેલી બજારની તેજી પર શંકાના વાદળો ઘેરા કરી દીધા છે. રોકાણકારો હવે સીધો સવાલ પૂછી રહ્યા છે કે ટેક કંપનીઓ AI પાછળ જે અધધ નાણાં ઠાલવી રહી છે, તેનું રિટર્ન આખરે કેટલા સમયમાં મળશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકી ટેક અને સેમિકન્ડક્ટર કંપનીઓએ દેવું કરીને પુષ્કળ નાણાં એકત્ર કર્યા છે. મેટા, એમેઝોન અને આલ્ફાબેટ જેવી કંપનીઓએ છેલ્લા ચાર વર્ષમાં અબજો ડોલરના બોન્ડ્સ જારી કર્યા છે. હવે મેટાએ 97.5 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કરવાની નવી યોજના બનાવી છે, જ્યારે માઈક્રોસોફ્ટ પણ બોન્ડ્સ દ્વારા લગભગ 25 અબજ ડોલર એકત્ર કરવાનું વિચારી રહી છે. મોર્ગન સ્ટેનલીનું અનુમાન છે કે આગામી વર્ષે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારું રોકાણ ૧ ટ્રિલિયન ડોલરને પાર કરી જશે. કંપનીઓ પર વધી રહેલા આ દેવાના બોજે રોકાણકારોની ઊંઘ ઉડાડી દીધી છે.


