Homeગુજરાતીગુજરાતગાંધીનગરમાં પશુપાલક પાસેથી લાંચ લેતા મ્યુનિનો આઉટસોર્સ ઈન્સ્પેકટર પકડાયો

ગાંધીનગરમાં પશુપાલક પાસેથી લાંચ લેતા મ્યુનિનો આઉટસોર્સ ઈન્સ્પેકટર પકડાયો

ગાંધીનગર, 31 ઓક્ટોબર, 2026 : CNDC outsourced inspector caught taking bribe ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં સીએનડીસી વિભાગમાં ફરજ આઉટસોર્સ ઈન્સ્પેકટર જયદીપસિંહ રામસિંહ રાજપૂત પશુપાલક પાસેથી રખડતા ઢોર પકડવાનો કેસ ન કરવા માટે રૂપિયા 22 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો.

લાંચ રૂશ્વત વિરોધી શાખાના સૂત્રોના કહેવા મુજબ  પકડાયેલો આરોપી જયદીપસિંહ રામસિંહ રાજપૂત (ઉંમર વર્ષ 22) ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં સીએનસીડી શાખાની ઢોર પકડતી પાર્ટીમાં આઉટસોર્સિંગ એજન્સી મારફતે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતો હતો. આ કેસમાં ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેઓ પશુપાલનનો વ્યવસાય કરે છે. દરમિયાન આરોપીએ ફરિયાદીનાં ઢોર નહીં પકડવા તેમજ ઢોર પકડવા અંગે કેસ નહીં કરવા અને દિવાળીના તહેવારના હપતા પેટે પ્રથમ રૂ.40 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એસીબીની ટીમે ફરિયાદની હકીકતોને આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન રકઝકના અંતે આરોપીએ રૂ.22 હજાર લેવાનું નક્કી કર્યું હતું. તા.30 ઓક્ટોબર, 2026ના રોજ ગાંધીનગરના સેક્ટર-28માં ગાર્ડનની પાછળના રોડ પર એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. જ્યાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ રૂ.22 હજારની લાંચની રકમ સ્વીકારી હતી. આ સાથે જ એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને લાંચની પૂરેપૂરી રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. એસીબી દ્વારા લાંચની માંગણી કરાયેલી અને સ્વીકારાયેલી રૂ.22 હજારની સંપૂર્ણ રકમ રિકવર કરવામાં આવી છે.

આ સમગ્ર ટ્રેપની કામગીરી ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. સોલંકી દ્વારા કરવામાં આવી હતી. જ્યારે ગાંધીનગર એસીબી એકમના મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ તથા અમદાવાદ એસીબી એકમના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી હરેશ જે. મેવાડાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular