HomeAgency Newsપેરા-એથ્લેટિક્સ ચેમ્પિયન ગોલ્ડ મેડલિસ્ટ નીરજ યાદવે આપઘાત કર્યો

પેરા-એથ્લેટિક્સ ચેમ્પિયન ગોલ્ડ મેડલિસ્ટ નીરજ યાદવે આપઘાત કર્યો

  • એશિયન પેરા ગેમ્સના ટ્રિપલ ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ યાદવના અવસાનથી રમતજગતમાં શોકનું મોજું

નવી દિલ્હી, 28 ઑક્ટોબર, 2026 – Neeraj Yadav ભારતીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયન નીરજ કુમારે આપઘાત કર્યો હોવાનું જાણવા મળે છે. એશિયન પેરા ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતનારા ભારતના અનુભવી એથ્લીટ નીરજ યાદવનું કથિત રીતે આપઘાતને કારણે અવસાન થયું છે. 42 વર્ષના નીરજના અવસાનના સમાચારથી રમતજગતમાં ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે. અહીં નોંધપાત્ર છે કે ડોપિંગ પ્રતિબંધના કારણે તેઓ આ મહિને યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા ન હતા. જોકે, તેમના અવસાનના સાચાં કારણો અને પરિસ્થિતિને હજુ સુધી સત્તાવાર સમર્થન મળ્યું નથી.

ભારતીય પેરા એથ્લેટિક્સ ટીમના હેડ કોચ એસ. સત્યનારાયણે નીરજ યાદવના અવસાનની પુષ્ટિ કરી હતી. અહેવાલ મુજબ નીરજે પોતાના ઘરે કથિત રીતે ઝેર ગટગટાવી લીધું હતું. 28 ઓક્ટોબરે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સત્યનારાયણે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે નીરજે આત્મહત્યા કરી લીધી છે અને આવું બનવું ખૂબ જ કમનસીબ છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ પગલાં પાછળના ચોક્કસ કારણ વિશે કંઈ કહી શકતા નથી. જોકે તેમનું માનવું છે કે ખેલાડીઓએ પોતાના કરિયરમાં આવતા ઉતાર-ચડાવનો સામનો ધીરજપૂર્વક કરવો જોઈએ.

આ પણ વાંચોઃ બિહારમાં સાયબર જાસૂસી નેટવર્કનો પર્દાફાશ: પાક. હેન્ડલર્સને OTP મોકલનાર બે યુવકો ઝડપાયા

સમાચાર સંસ્થા PTIના અહેવાલ મુજબ નીરજના અવસાન સાથે જોડાયેલી પરિસ્થિતિની તપાસ અને અન્ય માહિતીની રાહ જોવાઈ રહી છે. હાલમાં ડોપિંગ પ્રતિબંધ અને એશિયન પેરા ગેમ્સમાં ભાગ ન લઈ શકવાને તેમની માનસિક સ્થિતિ સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે, પરંતુ આ સંજોગો અને તેમના અવસાન વચ્ચેના કોઈ સીધા સંબંધને સત્તાવાર સમર્થન મળતું નથી.

એશિયન પેરા ગેમ્સમાં જીત્યા હતા ત્રણ ગોલ્ડ મેડલ

નીરજ યાદવ ભારતના સફળ પેરા એથ્લીટોમાં ગણાતા હતા. તેમણે એશિયન પેરા ગેમ્સમાં પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું નામ રોશન કર્યું હતું. વર્ષ 2018માં જાકાર્તા ખાતે યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં તેમણે ભાલા ફેંક (જેવલિન થ્રો) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ 2023માં ચીનના હાંગઝોઉ ખાતે રમાયેલી એશિયન પેરા ગેમ્સમાં નીરજે ભાલા ફેંક અને ચક્ર ફેંક (ડિસ્કસ થ્રો) બંને સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. આ રીતે તેમના નામે એશિયન પેરા ગેમ્સના ત્રણ ગોલ્ડ મેડલ નોંધાયેલા હતા. નીરજ F55 કેટેગરીમાં સ્પર્ધા કરતા હતા. તેમાં શોટ પુટ, ડિસ્કસ થ્રો અને જેવલિન થ્રો જેવી બેસીને રમાતી ફીલ્ડ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular