પટના, 28 ઓક્ટોબર 2026: બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના ભારત-પડોશી સરહદી શહેર રક્સોલમાંથી સાયબર જાસૂસી સાથે જોડાયેલા એક અત્યંત સંવેદનશીલ મામલાનો પર્દાફાશ થયો છે. આંધ્રપ્રદેશના વિજયવાડાની એટીએસ અને પૂર્વ ચંપારણ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બે યુવકોની ધરપકડ કરી છે. આ આરોપીઓ ભારતીય મોબાઈલ નંબર પરથી વોટ્સએપ એકાઉન્ટ્સ બનાવીને તેના એક્ટિવેશન માટેના ઓટીપી (વન-ટાઇમ પાસવર્ડ) પાકિસ્તાની હેન્ડલર્સને મોકલતા હતા અને બદલામાં નાણાં મેળવતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલાની તપાસ આંધ્રપ્રદેશના વિજયવાડામાં નોંધાયેલા કેસના અનુસંધાનમાં શરૂ થઈ હતી. તપાસ દરમિયાન પોલીસને રક્સોલ વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ લોકો સક્રિય હોવાની ગુપ્ત માહિતી મળી હતી. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ વોટ્સએપ એકાઉન્ટ્સનો ઉપયોગ ભારત વિરોધી ગતિવિધિઓ અને જાસૂસી માટે કરવામાં આવતો હતો. માહિતી મળતાની સાથે જ વિજયવાડા પોલીસ અને રક્સોલ પોલીસની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. ટીમે રક્સોલ પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ-અલગ સ્થળો પર દરોડા પાડીને બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે દરોડા દરમિયાન આદિત્ય બલિરામ પાંડેય અને રાજાકુમાર સુરેશ સાહને ઝડપી લીધા હતા.
પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. ફોનની ટેકનિકલ અને ફોરેન્સિક તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. મોબાઈલમાંથી પાકિસ્તાની હેન્ડલર્સને ઓટીપી સંબંધિત ડેટા મોકલવાના મજબૂત પુરાવા મળ્યા છે. આ સાથે જ આ ગતિવિધિ બદલ નાણાકીય લેવડ-દેવડ (પેમેન્ટ) થયાના ડિજિટલ પુરાવા પણ તપાસ એજન્સીઓના હાથ લાગ્યા છે. આરોપીઓની ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓ તેમની સઘન પૂછપરછ કરી રહી છે. આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને આ વોટ્સએપ એકાઉન્ટ્સનો ઉપયોગ ચોક્કસ કયા હેતુઓ માટે થતો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પ્રારંભિક કાર્યવાહી બાદ બંને આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર વિજયવાડા લઈ જવામાં આવ્યા છે, જ્યાં આ માને લઈને મોટા ખુલાસા થવાની શક્યતા છે.


