- MLC ચૂંટણી પરિણામો: કોંગ્રેસને મોટો ઝટકો, 4 રાજ્યોની 28 માંથી એક પણ સીટ ન મળી; કર્ણાટકમાં સત્તા હોવા છતાં ખાતું ન ખુલ્યું
નવી દિલ્હી, 28 ઑક્ટોબર, 2026 – Legislative Council Elections ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહારની 28 બેઠકો પર વિધાન પરિષદ (MLC)ની ચૂંટણીઓ યોજાઈ છે. ઘણી સીટો પર પરિણામો આવી ગયા છે અને કેટલીક જગ્યાએ હજુ પણ મતગણતરી ચાલી રહી છે. MLC ચૂંટણીમાં કોંગ્રેસને બહુ મોટો ઝટકો લાગ્યો છે, તેને એક પણ બેઠક મળી નથી. એટલું જ નહીં, પોતાની સરકાર છે તેવા રાજ્ય કર્ણાટકમાં પણ કોંગ્રેસને એક પણ બેઠક નસીબ થઈ નથી.
કોંગ્રેસ હંમેશા બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરતી રહી છે. MLC ચૂંટણીઓ બેલેટ પેપરથી જ યોજાઈ હતી. આ ચૂંટણીમાં હાર થતાં જ અનેક રાજકીય પક્ષોએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.
કોંગ્રેસને મળી 0-0-0 બેઠકો
કોંગ્રેસે ચાર રાજ્યોની 28 વિધાન પરિષદ બેઠકોમાંથી 12 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તમામ બેઠકો પર તેની હાર થઈ છે. યુપીમાં કોંગ્રેસે 11 સીટોમાંથી એકપણ સીટ પર ચૂંટણી લડી ન હતી. કર્ણાટકમાં પોતાની સરકાર હોવા છતાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે અને ત્યાં એક પણ સીટ મળી નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 3 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યાં હજુ મતગણતરી ચાલી રહી છે પરંતુ ત્રણેય બેઠકો પર કોંગ્રેસ પાછળ ચાલી રહી છે.
બિહારમાં કોંગ્રેસે 5 બેઠકો પર ચૂંટણી લડી હતી અને અહીં પણ તમામ બેઠકો પર તેની હાર થઈ છે. આ રીતે કોંગ્રેસ 12 માંથી તમામ બેઠકો હારી ગઈ છે.
બિહારના આંકડા ચિંતાજનક
કોંગ્રેસના લોકસભા સાંસદ મનોજ કુમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ”બિહારમાં જે પરિણામો આવ્યાં છે તે ચિંતાજનક છે અને નેતાઓની જવાબદારી નક્કી થવી જોઈએ. હું કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધીને વિનંતી કરું છું કે જવાબદારી નક્કી કરવામાં આવે. સંગઠનમાં જે ખામીઓ છે તેને દૂર કરવી જોઈએ અને આ સમગ્ર મામલે ધ્યાન આપવું જોઈએ. નેતાઓને પ્રચાર-પ્રસારના કામમાં લગાડવામાં આવ્યા ન હતા, હું પોતે સદાકત આશ્રમ મારી મરજીથી ગયો હતો, મને કોઈએ કોઈ કામ આપ્યું ન હતું.”
બીજી તરફ કોંગ્રેસ નેતા અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે, ”પ્રદર્શન સારું ન રહ્યું અને ઉમેદવારો પણ સારા પસંદ કરવામાં આવ્યા ન હતા, જેના કારણે હાર થઈ. ઉમેદવાર પસંદગીના પ્રશ્ન પર અખિલેશ સિંહે કહ્યું કે આનો ચોક્કસ જવાબ તમારે ત્યાંના પ્રભારી અને ત્યાંના પ્રદેશ અધ્યક્ષ પાસેથી લેવો જોઈએ. અમે તો બહારથી જોઈ રહ્યા છીએ, અમે નિર્ણય લેવાની પ્રક્રિયામાં નથી. દુઃખ છે,” તેમ તેમણે કહ્યું હતું.
બીજી તરફ ભાજપ MLC ચૂંટણીમાં 22 બેઠકો પર લડ્યું હતું, જેમાંથી તેણે 14 બેઠકો પોતાના નામે કરી લીધી છે.


