[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 24 ઑક્ટોબર, 2026 – errors in Gujarat’s textbooks ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત ‘ગુજરાત સામયિક‘ના “દિવાળી અંક”માં અઝીઝ ટંકારવીની વિવાદાસ્પદ, હિન્દુત્વનું અપમાન કરતી કવિતાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ધોરણ છના એક પ્રકરણમાં રવીન્દ્રનાથ ઠાકુરની કવિતા વિશેનો છબરડો ધ્યાનમાં આવ્યો છે.
ગુજરાત સહિત આખા દેશમાં પાઠ્યપુસ્તકોના લેખકો અને સંપાદકો (તંત્રી) અનેક વખત ચિંતાનો વિષય રહ્યા છે. સમજાતું જ નથી કે એવા કયા લેખકોને પાઠ્યપુસ્તકનાં પ્રકરણ લખવા આપી દેવામાં આવે છે જેમને ઘણી વાર સાચા ઇતિહાસની જાણકારી જ નથી હોતી! અનેક વખત એવું પણ જોવા મળે છે કે હિન્દુ સમાજ વ્યવસ્થા અથવા હિન્દુ ધર્મ વિશેનાં પ્રકરણોમાં પણ જેહાદી છાંટ ઉમેરી દેવામાં આવે છે.
વલસાડના પ્રખર વાચક મિત્ર હેમાંગભાઈ પારેખ સાથે અનેક વખત પુસ્તકો વિશે વાતચીત થતી રહે છે. ગઈકાલે 23 ઑક્ટોબરને શુક્રવારે રાત્રે તેમણે એક ફોટો મોકલીને પૂછ્યું કે શું આ વાત સાચી છે? તેમનો પ્રશ્ન રવીન્દ્રનાથ ઠાકુરની કવિતા એકલા ચલો વિશે હતો.

ગંભીર છબરડોઃ
માત્ર એક ટ્રિવિયા તરીકે નાનાકડા ફકરામાં સમાવી દેવામાં આવેલી રવીન્દ્રનાથ ઠાકુરની કવિતા વિશેની સાડા છ લાઈનની વાતમાં પણ તેના લેખકને ઇતિહાસભાન નથી અને તેથી આગળ વધીને પુસ્તકના સંપાદક-તંત્રીને પણ ઇતિહાસની જાણકારી નથી એ જાણીને આઘાત લાગ્યો.
મોહનદાસ કરમચંદ ગાંધી 1915માં ભારત આવ્યા હતા. જ્યારે રવીન્દ્રનાથ ઠાકુરે તેમની “એકલા ચલો” કવિતા છેક 1905માં લખી હતી. પૂરા દસ વર્ષનો તફાવત છે આ બંને ઘટના વચ્ચે છતાં પાઠ્યપુસ્તકના અબૂધ લેખકે એ કવિતાને ગાંધીજી સાથે સાંકળી દીધી છે.
ગાંધી વિશે અહોભાવ હોવો તેમાં કશું ખોટું નથી, પરંતુ તેમને કશું લાગેવળગતું ન હોય એવી વાતોને પણ ગાંધી સાથે જોડી દેવી એ ભારતના ઇતિહાસ સાથે ચેડાં જ ગણાય.
આ અંગે બંગાળી સાહિત્ય અને ઇતિહાસના જાણકાર તથા એક સમયના નરેન્દ્રભાઈ મોદીના શિક્ષક શ્રી હર્ષદભાઈ યાજ્ઞિકને પૂછવામાં આવતા તેમણે રિવોઈને કહ્યું કે, વાસ્તવમાં રવીન્દ્રનાથ ઠાકુરનું એકલા ચલો કાવ્ય “બંગભંગ“ના જમાનામાં લખાયું હતું. તે સમયે (1905થી 1908) લોકો બંગાળને બચાવવા આંદોલન કરતા હતા અને ફાંસીએ પણ ચડતા હતા. એ કરુણ સ્થિતિને વર્ણવવા અને આંદોલનકારીઓને સમર્થન આપવા રવીન્દ્રનાથે “એકલા ચલો” કાવ્યની રચના કરી હતી.
આ આખી ઘટનામાં વધારે આઘાતજનક વાત એ પણ છે કે, રવીન્દ્રનાથ ઠાકુર વિશે આટલું લખનારને તેમના કાવ્યના સાચા શીર્ષકની પણ ખબર નથી. શ્રી ઠાકુરની કવિતા એકલા ચલો છે અને થોડુંઘણું ભણેલા દરેકને એકલા ચલો ગીત વિશે ખબર છે, પણ ગુજરાતના આ પાઠ્યપુસ્તકના લેખકને સાચા શીર્ષકની પણ જાણકારી નથી. એમણે એકલો જાને રે… લખી દીધું છે.
તમે ખોટો ઇતિહાસ શીખવી રહ્યા છો
ઇતિહાસની જાણકારી ન હોવી એ ગુનો નથી. દરેક લેખક – સંપાદક – તંત્રીને બધી જ જાણકારી હોય એ જરૂરી પણ નથી, પરંતુ અહીં મુદ્દો એ છે કે, તમે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને ખોટો ઇતિહાસ શીખવી રહ્યા છે.
ઇતિહાસ આટલો સ્પષ્ટ હોવા છતાં ગુજરાતીના છઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તક આ છબરડો નાનો ન ગણાય. ઇતિહાસને લગતી આ ગંભીર ભૂલ ગણાય. આવી ઐતિહાસિક ભૂલ માટે કોણ જવાબદાર ગણાશે? એ લખનાર કે પછી ક્રોસ ચેક કર્યા વિના પ્રકાશિત કરી દેનાર સંપાદક-તંત્રી?


