Homeગુજરાતીદેશ-વિદેશસલમાનની પ્રશંસા જ ટાઈગર પર હુમલાનું કારણ બની? લોરેન્સ ગેંગનો ચોંકાવનારો ખુલાસો

સલમાનની પ્રશંસા જ ટાઈગર પર હુમલાનું કારણ બની? લોરેન્સ ગેંગનો ચોંકાવનારો ખુલાસો

મુંબઈ, 24 ઓક્ટોબર 2026: બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ સાથે જોડાયેલા ફાયરિંગ કેસમાં પોલીસ તપાસ દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા કરી રહી છે. પોલીસ પૂછપરછમાં પકડાયેલા શૂટરોમાંથી એકે મોટો ખુલાસો કર્યો છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ અભિનેતા સલમાન ખાનની પ્રશંસા કરવાના મામલે ટાઈગર શ્રોફ સાથે હિસાબ બરાબર કરવા માંગતી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2022માં ફિલ્મ ‘હીરોપંતી 2’ ના પ્રમોશન દરમિયાન ટાઈગર શ્રોફને ફિલ્મની ઈદ પર રિલીઝ થવા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેને સામાન્ય રીતે સલમાન ખાનની ફિલ્મો સાથે જોડવામાં આવે છે. તેના જવાબમાં ટાઈગરે કહ્યું હતું કે, “બોલિવૂડમાં માત્ર એક જ ટાઈગર છે અને તે સલમાન સર છે, હું તો તેમની સામે માત્ર ટાઈગરનો બચ્ચો છું.” ટાઈગરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા શૂટર ફૂલ સિંહે પૂછપરછમાં જણાવ્યું કે તેને હુમલા પાછળનું ચોક્કસ કારણ ખબર ન હતી, પરંતુ વિદેશમાં બેઠેલા મુખ્ય કાવતરાખોર અનિલ પંડિતે તેને કહ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તે નિવેદનનો બદલો લેવા માંગે છે. અગાઉ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાન સાથે જોડાયેલા લોકો પર નિશાન સાધવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમેરિકામાં બેઠેલા અનિલ પંડિત અને ગેંગના સભ્ય હરમન સંધુના ઓડિયો મેસેજ દ્વારા ખાન સાથે કામ કરનારા ફિલ્મી લોકોને ચેતવણી આપવામાં આવી હતી. જો કે, ટાઈગર શ્રોફ, તેમના પિતા જેકી શ્રોફ અને ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીએ કોઈપણ પ્રકારની ધમકી મળવાથી ઇનકાર કર્યો હતો.

  • જંગલમાં કરી હતી ફાયરિંગની પ્રેક્ટિસ

આ કેસમાં ધરપકડ કરાયેલા 10 આરોપીઓમાંથી અંકિત ખત્રી, સમીર ખટક અને જતિન પાંચાલને કોર્ટે 28 ઓક્ટોબર સુધીની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, શૂટર ફૂલ સિંહ અને રેહાન અંસારે જણાવ્યું કે ઘટના બાદ સમીર ખટકે તેમને સીસીટીવી કેમેરાથી બચવા અને વારંવાર વાહન બદલીને ભાગવાની સલાહ આપી હતી. હુમલાખોરો પહેલા મોટરસાઇકલ દ્વારા અંધેરી સ્ટેશન ગયા, ત્યાંથી ટ્રેન દ્વારા બોરીવલી અને ત્યારબાદ સુરત માટે ગાડી બુક કરી હતી.

પોલીસે અદાલતમાં ખુલાસો કર્યો છે કે, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરતા પહેલા હુમલાખોરોએ મીરા-ભાયંદરના એક જંગલમાં શૂટિંગની પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન એક પિસ્તોલ જામ થઈ ગઈ હતી અને હોટલમાં તેની ચકાસણી કરતી વખતે એક ગોળી મિસફાયર પણ થઈ હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તે કારતૂસ જપ્ત કરી લીધા છે. પોલીસનું માનવું છે કે ટાઈગર પર ફાયરિંગ વખતે પણ આજ પિસ્તોલ જામ થઈ હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular