- માતૃભાષા હિન્દી, વિજ્ઞાનના વિષયમાં સ્નાતક, બેંકની નોકરી અને પછી ગુજરાતીમાંથી હિન્દી અનુવાદકાર્ય જેવો વિશાળ વ્યાપ (રેન્જ) ધરાવતા શ્રી રાજેન્દ્ર નિગમ સાથે વિશેષ મુલાકાત
[અલકેશ પટેલ] 11 સપ્ટેમ્બર, 2026 – ક્યારેક આપણી આસપાસ એવાં નવરત્ન હોય છે જેમની “પરખ” સામાન્ય લોકોને નથી હોતી. આવાં રત્નો પોતાનું કામ કર્યે જતા હોય છે અને કોઈ પુરસ્કાર મળે કે સન્માન થાય ત્યારે વ્યાપક સમાજને તેમના વિશે જાણ થતી હોય છે. જોકે રિવોઈ પાસે આવાં રત્નોને ઓળખવાની વિશેષ દૃષ્ટિ છે અને એવા વિશિષ્ટ વ્યક્તિઓ વિશે નિયમિત રીતે અહીં માહિતી આપવામાં આવે છે.
આજે આવા જ વિષય વૈવિધ્યની વિશાળ રેન્જ ધરાવતા એક રત્નને અમે શોધી લાવ્યા છીએ જેમની માતૃભાષા હિન્દી છે, અભ્યાસ હિન્દી ભાષામાં જ થયો છે, સ્તાનક વિજ્ઞાનની સ્ટ્રીમમાં થયા છે અને 31 વર્ષની કારકિર્દી ફાઈનાન્સ સાથે અર્થાત બેંકમાં પસાર કરી છે. પરંતુ આ બધા સમયગાળામાં તેમની અંદર રહેલા લેખક તેમજ અનુવાદકે તેમને નિવૃત્તિ પછી એક નવી જ દિશા આપી છે, જે હાલ 77 વર્ષની વયે પણ તેમને સક્રિય રાખે છે.
પુસ્તકોના પણ હિન્દી અનુવાદ કર્યા
વાત છે શ્રી રાજેન્દ્ર નિગમની. 50 વર્ષથી ગુજરાતમાં સ્થાઈ થયેલા શ્રી રાજેન્દ્ર નિગમને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનું એક નાનું વર્તુળ સારી રીતે ઓળખે છે કેમ કે તેઓ પસંદગીની ગુજરાતી વાર્તાઓ તેમજ નાટકોના હિન્દીમાં અનુવાદ કરતા રહ્યા છે. અલબત્ત, તેમનું અનુવાદ કાર્ય માત્ર વાર્તાઓ પૂરતું સીમિત નથી. તેમણે જૈન મીમાંસાનાં પુસ્તકો તેમજ બે નવલકથાના હિન્દી અનુવાદ પણ કર્યા છે. 2021માં પ્રકાશિત ગુજરાતી સંપાદન પુસ્તક પત્રકારત્વઃ વિશ્વસનીયતાનો પડકારનો હિન્દી અનુવાદ પણ શ્રી નિગમે કર્યો છે.
કૉલેજકાળથી લેખન પ્રવૃત્તિ શરૂ
શ્રી નિગમ રિવોઈને જણાવે છે કે, “બાળપણથી જ મને વાંચવાનો ખૂબ શોખ હતો અને આજે પણ એ શોખ વધતેઓછે અંશે યથાવત્ છે. મેં શિક્ષણ મધ્યપ્રદેશમાં લીધું હતું. હું ભૌતિક શાસ્ત્ર તેમજ રસાયણ શાસ્ત્રમાં સ્નાતક થયો હતો. 1970ના દાયકામાં કૉલેજના અભ્યાસ દરમિયાન તે સમયના કેટલાક મહત્ત્વના વિષયો ઉપર મારા લેખો ઈન્દોરના બે મુખ્ય અખબાર ‘નઈદુનિયા’ તથા ‘સ્વદેશ’માં પ્રકાશિત થયા હતા. મારા એ લેખો વાચકોમાં લોકપ્રિય પણ થયા હતા. ‘નઈદુનિયા’માં પ્રકાશિત એક લેખને તો ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. પરિણામે અન્ય એક હિન્દી સામયિક ‘શતાબ્દી-સંદેશ’ દ્વારા તેમના અંકમાં એ જ લેખ સાભાર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ એ લેખની લોકપ્રિયતા છેક અહીં ગુજરાત સુધી ફેલાઈ હતી અને સુરતથી પ્રકાશિત ગુજરાતી સામયિક ‘ભૂમિપુત્ર’માં તેનો અનુવાદ પણ પ્રકાશિત થયો હતો. અલબત્ત, લેખોને બાદ કરતાં વાર્તા, કવિતા જેવા સાહિત્યનાં અન્ય સ્વરૂપોમાં મેં કોઈ પ્રયોગ નથી કર્યા. 31 વર્ષ સુધી બેંકમાં સેવા આપી ત્યાં સુધી મારું લેખનકાર્ય તો બંધ રહ્યું હતું, પરંતુ વાચન જરાય ઓછું થયું નહોતું.
પાંચેક દાયકા પહેલાં પ્રથમ વખત ગુજરાત આવ્યો ત્યારે ગુજરાતી અખબાર-સામયિકો જ વાંચવા મળતાં હતાં. ગુજરાતી વર્ણાક્ષરો જોયા તો ખ્યાલ આવ્યો કે અમુક જૂજ અક્ષરોને બાદ કરતાં મોટાભાગના અક્ષર હિન્દી સાથે સામ્ય ધરાવતા હતા. ગુજરાતી અને હિન્દીના વ્યાકરણમાં પણ ખાસ તફાવત નહોતો. દેખીતી રીતે બેંકના મોટાભાગના ખાતેદારો ગુજરાતી હતા અને તેથી વાતચીતમાં ગુજરાતીનો જ પ્રયોગ થતો. અને એમ કરતાં કરતાં ગુજરાતી અખબારો તેમજ તેમાં પ્રકાશિત થતા લેખ વગેરે વાંચવાનું શરૂ કરી દીધું. 1980ના દાયકામાં ચંદ્રકાંત બક્ષી તથા વિનોદ ભટ્ટ મારા પ્રિય લેખકો હતા. જોકે, ત્યારપછી પ્રિય લેખકોની યાદીમાં વધારો થતો ગયો.
બેંકની નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ અમદાવાદમાં જ એક સ્થાનિક હિન્દી અખબાર(ગુજરાત વૈભવ)માં ફીચર સંપાદક તરીકે ચાર વર્ષ કામગીરી પણ કરી. જે રીતે અન્ય અખબારોને અનુવાદિત લેખ મોકલતો હતો એવી જ રીતે એ અખબારમાં પણ અંગ્રેજીમાંથી હિન્દી તથા ગુજરાતીમાંથી હિન્દીમાં અનુવાદનું કામ પણ કરતો હતો. ગુજરાતીમાંથી હિન્દીમાં અનુવાદ કામગીરીમાં રસ વધવા લાગ્યો ત્યારે અખબારની ફીચર સંપાદક તરીકેની નોકરી પણ છોડી દીધી. તે સમયે ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક અને ગાંધીનગર – મહુડી રોડ ઉપર અમરનાથ ધામ વિકસિત કરનાર સ્વ. પ્રહલાદભાઈ પટેલે તેમનાં પાંચ પુસ્તક મને હિન્દીમાં અનુવાદ કરવા આપ્યાં હતાં. મારા અનુવાદથી તેમને સંતોષ થયો હતો.
પ્રહલાદભાઈએ અમરનાથ ધામની પૃષ્ઠભૂમિમાં ‘બેડા પાર કરતે અમરનાથ’ નામે એક હિન્દી ફિલ્મ પણ બનાવી હતી. એ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગાંધીનગર જિલ્લામાં થયું હતું. રસપ્રદ વાત એ છે કે, એ ફિલ્મ માટેના ડાયલોગ ગુજરાતીમાં લખાયા હતા અને તેનો હિન્દી અનુવાદ મેં કર્યો હતો. ત્યારપછી તો અનુવાદનું ઘણું કામ મળવા લાગ્યું. વલસાડના પત્રકાર શ્રી સંજય વોરાના જૈન-મીમાંસાને લગતાં પુસ્તકોનો અનુવાદ કર્યો. મુંબઈના પત્રકાર-સાહિત્યકાર શ્રી સૌરભ શાહની બે ગુજરાતી નવલકથાઓનો હિન્દી અનુવાદ કરવાની પણ તક મળી. સાહિત્ય તેમજ સાહિત્ય સિવાયના અન્ય વિષયો ઉપર મારા અનુવાદના 14 પુસ્તક અત્યાર સુધીમાં પ્રકાશિત થયાં છે.”
18 ગુજરાતી લેખકોની વાર્તાઓનું હિન્દી પુસ્તક
રાજેન્દ્રભાઈ રિવોઈને ગૌરવપૂર્વક માહિતી આપે છે કે, તેમણે અત્યાર સુધીમાં 18 ગુજરાતી લેખકોની 50 વાર્તા હિન્દીમાં અનુવાદિત કરી છે. છેલ્લા થોડાં વર્ષમાં આ વાર્તાઓ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત હિન્દીભાષી રાજ્યોના વિવિધ સામયિકોમાં પ્રકાશિત થઈ છે. અને ત્યાંથી અમુક વાર્તાઓ તો ઉડિયા, મરાઠી અને કન્નડ ભાષાઓમાં પણ અનુવાદિત થઈ છે. હવે આ લેખકોની 18 વાર્તાઓ સમાવતું હિન્દી પુસ્તક પ્રકાશિત થવાનું છે.
કયા કયા લેખકોની વાર્તા અનુવાદિત કરી?
શ્રી નિગમે સર્વ શ્રી અલ્કા ત્રિવેદી, ઉમા પરમાર, કંદર્પ દેસાઈ, ડૉ. કાલિંદી પરીખ, ગિરિમા ધારેખાન, જિજ્ઞા વોરા, નિમિષા મજુમદાર, નેહા અનીશ ગાંધી, પ્રજ્ઞા પટેલ, પંકજ હર્ષદભાઈ નાડિયા, બકુલ દવે, માવજી મહેશ્વરી, યશવંત ઠક્કર, રમણ મેકવાન, રેણુકા દવે, રુશ્વી ટેલર, લતા હિરાણી તથા હર્ષદ રાઠોડની વાર્તાઓના હિન્દી અનુવાદ કર્યા છે. આ વાર્તાઓ સમયાંતરે હિન્દી સામયિકોમાં, દિવાળી અંકોમાં પ્રકાશિત થતી રહી છે અને હવે તેનું પુસ્તક તૈયાર થઈ રહ્યું છે.
હવે કવિતા પણ
રાજેન્દ્ર નિગમ હવે તો ગુજરાતી ભાષાને એ હદે આત્મસાત કરી રહ્યા છે કે તેમણે ગુજરાતી કવિતાઓના હિન્દી અનુવાદ પણ કર્યા છે. તાજેતરમાં જ નયા જ્ઞાનોદય નામના હિન્દી સામયિકના ઓગસ્ટ-સપ્ટેમ્બર 2026ના અંકમાં પાંચ ગુજરાતી કવિ સર્વ શ્રી બ્રજેશ પંચાલ, ભાવેશ રાવલ, સાગર ચોટલિયા, અમિતસિંહ ગામી તથા પીયૂષ ચાવડાની કવિતાઓના નિગમસાહેબે કરેલા હિન્દી અનુવાદ પ્રકાશિત થયા છે.
આ કામગીરી શા માટે?
આ કર્મઠ વ્યક્તિએ ગુજરાતી રચનાઓના હિન્દી અનુવાદની કામગીરી માત્ર આર્થિક ઉપાર્જન માટે નથી કરી રહ્યા એ રિવોઈ સાથેની વાતચીતમાં સ્પષ્ટ થયું. તેમને પૂછ્યું કે, તો પછી શું માત્ર શોખ ખાતર આ કામ કરો છો? ત્યારે શ્રી રાજેન્દ્રભાઈ નિગમે જે કહ્યું તેનાથી દરેક ગુજરાતીને તેમના માટે માન થવું જોઈએ અને તેમનું યોગ્ય સન્માન પણ થવું જોઈએ. તેમણે કહ્યું, “મારું લક્ષ્ય ગુજરાતી વાર્તાને હિન્દી મંચ મળે તે છે.”


