HomeDharma-ધર્મમુંબઈના યુવાને પ્રાચીન ભારતીય જ્ઞાન પર આધારિત બોર્ડ ગેમ 'મુમુક્ષુ' બનાવી

મુંબઈના યુવાને પ્રાચીન ભારતીય જ્ઞાન પર આધારિત બોર્ડ ગેમ ‘મુમુક્ષુ’ બનાવી

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 8 સપ્ટેમ્બર, 2026 – વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોકલ ફૉર લોકલની સાથે ભારતીય રમકડાં, પરંપરાગત ભારતીય રમતો વિશે દેશને સતત સંદેશ અને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે મુંબઈનો એક યુવક સમાચારોમાં છે. સાહિલ શિર્કે નામના આ યુવકે એક એવી બોર્ડ ગેમ તૈયાર કરી છે જે ભારતીય જનમાનસને તેની સભ્યતાનાં મૂળિયાં વધુ સારી રીતે સમજવાની અને તે મજબૂત કરવાની તક આપે છે.

‘મુમુક્ષુ’ (Mumukshu) નામની બોર્ડ ગેમ ભારતીય સભ્યતા, ઇતિહાસ અને ‘ભારતીય જ્ઞાન પરંપરા’ (IKS) પર આધારિત એક રસપ્રદ સિમ્યુલેશન ગેમ છે. આ ગેમના નામનો અર્થ “મોક્ષ (આધ્યાત્મિક મુક્તિ)નો સાધક” થાય છે. ગેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સોફ્ટ પાવરનું પ્રામાણિક પ્રતિનિધિત્વ કરીને વૈશ્વિક ગેમિંગ ઉદ્યોગમાં રહેલી મોટી ખાલી જગ્યાને પૂરવાનો છે.

ભારતીય દર્શનમાં ઊંડાં મૂળ ધરાવતી ગેમ

ભારતીય જીવન પદ્ધતિની મુખ્ય બાબતોને આવરી લેતી આ ગેમમાં વિજયનો આધાર માત્ર નસીબ કે નાણાકીય સંપત્તિ એકઠી કરવા પર નથી. બલકે અહીં વિજયની ચાવી સંસાધનોના વ્યવસ્થાપન, જીવનના પડકારો પર વિજય મેળવવો, વ્યૂહાત્મક નિર્ણયો લેવા અને સિદ્ધિ મેળવવા માટે ક્ષમતાઓને સક્રિય કરવા પર રહેલી છે.

ભારતીય દર્શનની સાચી જટિલતાને સમજાવવા માટે ખેલાડીઓએ પોતાના અંગત ધ્યેય, કૌટુંબિક જરૂરિયાતો અને ઈચ્છાઓની પૂર્તિ, સામાજિક જવાબદારીઓ, આધ્યાત્મિક પ્રયાસો અને વ્યાપક ધર્મ તેમજ સભ્યતામાં તેમના યોગદાન વચ્ચે સંતુલન જાળવવું પડે છે.

આ ઉપરાંત, ગેમ બોર્ડ ‘અખંડ ભારત’નો નકશો દર્શાવે છે, જે ભારતનું એવું ઐતિહાસિક સાંસ્કૃતિક ક્ષેત્ર છે. આનાથી ખેલાડીઓ રમત દરમિયાન સભ્યતાના ઇતિહાસ અને ભૂગોળને સ્વાભાવિક રીતે સમજી શકે છે.

‘મુમુક્ષુ’ પાછળનું વિઝન

સાહિલ શિર્કે 2024માં થાઇલેન્ડથી ભારત પાછા ફર્યા તે પહેલાં જ તેમને ‘મુમુક્ષુ’ નો વિચાર આવ્યો હતો. થાઇલેન્ડમાં તેઓ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કામ કરતા હતા. તેઓ કહે છે કે, “રામાયણ અને મહાભારત હજારો વર્ષોથી માત્ર ગ્રંથો દ્વારા જ નહીં, પરંતુ રામલીલાના પ્રદર્શનો અને ટીવી શ્રેણીઓને કારણે ટકી રહ્યા છે. જ્યારે કોઈ બાળક ગેમ રમે છે અથવા દ્રશ્ય શ્રાવ્ય રીતે કોઈ વાર્તા સાથે જોડાય છે, ત્યારે તે તેમના મગજમાં સંગ્રહિત થઈ જાય છે. રમતો આપણા નિર્ણય લેવાની ક્ષમતા પર મોટો પ્રભાવ પાડે છે.”

બોર્ડ ગેમિંગ સંસ્કૃતિ મૂળભૂત રીતે ભારતીય છે. જે પચીસી અને ચૌપાટ જેવી રમતો સાથે પ્રાચીન મૂળ ધરાવે છે. છતાં આધુનિક બોર્ડ ગેમિંગ ક્ષેત્ર પર પશ્ચિમ, ચીન અને જાપાનનો પ્રભાવ રહ્યો છે. ‘મુમુક્ષુ’ એ તે સ્થાન પર ફરીથી ભારતીય પ્રભુત્વ સ્થાપિત કરવાનો એક પ્રયાસ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા

શિર્કેનું આ વિઝન સ્વદેશી ગેમિંગને પ્રોત્સાહન આપવાના વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસો સાથે મેળ ખાય છે. 2024 અને 2025 બંનેના સ્વતંત્રતા દિવસના ભાષણોમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેમિંગ ઉદ્યોગની વિશાળ સોફ્ટ પાવર ક્ષમતા પર સતત ભાર મૂક્યો હતો અને ડેવલપર્સને ભારતીય વિભાવનાઓ અને IKS પર આધારિત રમતો બનાવવાનો આગ્રહ કર્યો હતો.

શિર્કેએ જણાવ્યું, “ભારતીય શિક્ષણ પ્રણાલી IKS (ભારતીય જ્ઞાન પરંપરા) પર કેન્દ્રિત હોવી જરૂરી છે. શિક્ષણ અને મનોરંજન ક્ષેત્રે એક મોટો અભાવ છે. ‘મુમુક્ષુ’ ઇતિહાસ અને IKS ને ઉચ્ચ સ્તરના મનોરંજન સાથે જોડે છે.”

શું છે આ ગેમ?

‘મુમુક્ષુ’ એ જીવન પર આધારિત એક લાઈફ સિમ્યુલેશન ગેમ છે, જેમાં તમે સ્વયં પોતાના પાત્ર તરીકે રમો છો અને પરંપરાગત ભારતીય જીવનશૈલી મુજબ આદર્શ/ઉત્તમ જીવન જીવવા માટે અન્ય ખેલાડીઓ સાથે સ્પર્ધા કરો છો. એક આદર્શ જીવન એ પોતાના અંગત ધ્યેયો, કૌટુંબિક જરૂરિયાતો અને ઈચ્છાઓની પૂર્તિ, સામાજિક જવાબદારીઓ, આધ્યાત્મિક પ્રયાસો અને વ્યાપક ધર્મ તેમજ સભ્યતામાં તમારા યોગદાન વચ્ચે સંતુલન જાળવવા પર આધારિત છે.

આ ગેમ ભારતીય સભ્યતા, ઇતિહાસ, સંસ્કૃતિ અને જીવનશૈલી પર આધારિત છે. તે 4 પુરુષાર્થ, ગૃહસ્થ ધર્મ, માયા, કર્મ વગેરે જેવા ધાર્મિક સિદ્ધાંતોમાં ઊંડા મૂળ ધરાવે છે. જીવનના પડકારો પર વિજય મેળવવો, સંસાધનોનું યોગ્ય વ્યવસ્થાપન કરવું, સુપરપાવર્સ (સિદ્ધિઓ)નો યોગ્ય ઉપયોગ કરવો અને જીવનના સાચા નિર્ણયો લેવા એ આ ગેમ જીતવાની ચાવી છે! ખેલાડીઓ વિવિધ આશ્રમ અર્થાત જીવનના વિવિધ તબક્કામાંથી પસાર થશે. એ દરમિયાન દેશની વિવિધ સંસ્કૃતિ, દેશના મહાનાયકો તેમજ ભવ્ય ઇતિહાસ વિશે પણ જાણકારી મેળવશે. 

ગેમમાં 22 આર્ટ સ્ટાઈલ

મુમુક્ષુ ગેમમાં તેના રચયિતાએ 22 આર્ટ સ્ટાઈલ મૂકી છે. સાહિલે રિવોઈ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ 22 આર્ટ સ્ટાઈલ દેશના 22 રાજ્યની જે તે સ્થાનિક વિશેષતા ઉપર આધારિત ડિઝાઈન છે. દા.ત. તેમાં ગુજરાતના પટોળાની ડિઝાઈન મૂકવામાં આવી છે. એવી જ રીતે વિવિધ રાજ્યોની વિશેષતાઓનો સમાવેશ ગેમના બોર્ડ ઉપર કરવામાં આવ્યો છે.

  1. વરલી કળા (Warli art) – મહારાષ્ટ્ર
  2. પિછવાઈ (Pichwai) – રાજસ્થાન
  3. કેરળ મ્યુરલ (Kerala mural) – કેરળ
  4. પટોળા (Patola) – ગુજરાત
  5. ચિત્રકાઠી (Chitrakathi) – ગોવા અને મહારાષ્ટ્ર
  6. પટ્ટચિત્ર (Pattachitra) – ઓડિશા
  7. હોયસળ (Hoysala) – કર્ણાટક
  8. ચિત્રસૂત્ર (Chitrasutra) – ઉત્તર ભારત
  9. સોહરાઈ (Sohrai) – ઝારખંડ
  10. દ્રવિડ (Dravida) – તમિલનાડુ
  11. કોલમ (Kollam) – તમિલનાડુ
  12. સાંઝી (Sanjhi) – ઉત્તર પ્રદેશ
  13. થંગકા (Thangka) – અરુણાચલ પ્રદેશ, અસમ અને સિક્કિમ
  14. મધુબની (Madhubani) – બિહાર
  15. ગંજીફા (Ganjifa) – તેલંગાણા અને કર્ણાટક
  16. થોલુ બોમ્મલાટા (Tholu Bommalata) – આંધ્ર પ્રદેશ અને તેલંગાણા
  17. ગોંડ (Gond) – મધ્ય પ્રદેશ / ગુજરાત
  18. બસોહલી કળા (Basohli art) – જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ
  19. ફુલકારી (Phulkari) – હરિયાણા અને પંજાબ
  20. અલ્પના (Alpona) – પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા
  21. આઈપણ (Aipan) – ઉત્તરાખંડ
  22. ગોદના (Godna / Goodhna) – છત્તીસગઢ

આવી ડિઝાઈન કરવા પાછળનું કારણ જણાવતા સાહિલરાજે શિર્કે રિવોઈને કહે છે કે, તેના દ્વારા લોકોને ગેમની સાથે સાથે ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવવાનો પણ ઉદ્દેશ છે. અર્થાત ગેમ રમતાં રમતાં લોકો પટોળાની ડિઝાઈન જોશે તો સ્વાભાવિક રીતે તેના વિશે વધુ જાણવા પ્રયાસ કરશે અને એ દ્વારા ગુજરાતના પટોળા સહિતની વિવિધ રાજ્યની કળાને પ્રોત્સાહન પણ મળશે.

ક્યારે ઉપલબ્ધ થશે આ ગેમ?

સાહિલ જણાવે છે કે, ગેમની સંપૂર્ણ ડિઝાઈન તૈયાર છે. તેના નમૂનાનું નિદર્શન દેશના કેટલાક પસંદગીના સેલિબ્રિટી સમક્ષ કરવામાં આવ્યું હતું અને દરેકે ખૂબ ઉમળકાથી તેેને આવકારી છે. હાલ તેનું ઉત્પાદન થઈ રહ્યું છે અને ઑક્ટોબરમાં સૌપ્રથમ ફિઝિકલ ગેમ લૉન્ચ કરવામાં આવશે. ત્યારબાદ 2027માં ઑનલાઈન ગેમ અને 2027ના ઑક્ટોબરમાં વર્ચ્યુઅલ ગેમ લૉન્ચ કરવામાં આવશે. સાહિલ અને તેમની ટીમ આ ગેમના ઉત્પાદન અને વેચાણ માટે ભાગીદારોને પણ નિમંત્રણ આપે છે. આ માટે ઈમેલ એડ્રેસ –  [email protected]  ઉપર ગેમના સર્જકનો સંપર્ક કરી શકાશે. તે ઉપરાંત વૉટ્સએપ નંબર – 9326643061 દ્વારા પણ સંપર્ક કરી શકાય.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular