Homeગુજરાતીગુજરાતરાધનપુર-સમી હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત, 4ને...

રાધનપુર-સમી હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત, 4ને ઈજા

પાટણ, 24 ઓક્ટોબર, 2026 : Two killed in accident between car and truck on Radhanpur-Sami highway જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર આવેલા ગોચનાદ ગામ નજીક શુક્રવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શંખેશ્વર તરફથી આવી રહેલી સ્વિફ્ટ કારને સામેથી આવતા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર માતા અને પુત્રનું સ્થળ પર જ પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું. જ્યારે પરિવારના બે બાળક સહિત કુલ 4 લોકો ગંભીર રીતે ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.. અકસ્માત સર્જાયા બાદ ટ્રકચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  મુળ રાજસ્થાનની વતની અને બેંગ્લોરમાં રહેતા રણજીતકુમાર માંગીલાલ સોની પોતાના પરિવાર સાથે ભાભર ખાતે રહેતા તેમના બનેવી શામળભાઈ સોનીના ઘરે આવ્યા હતા. ત્યાંથી રણજીતકુમાર પોતાની સ્વિફ્ટ કાર નંબર: KA 02 MH 3065 લઈને પત્ની આરોહી, બે પુત્ર અમિત અને શ્રવણ, માતા જમના અને બનેવીના પુત્ર યશ સાથે દ્વારકા દર્શન અર્થે ગયા હતા.  દ્વારકામાં દર્શન પૂર્ણ કરીને શુક્રવારે વહેલી સવારે ભાભર પરત ફરી રહ્યા હતા. ત્યારે સવારના આશરે 6:30 વાગ્યાના સુમારે ગોચનાદ ગામથી સમી તરફ જતા હાઇવે પર આવેલા એક વળાંક પાસે સામેથી આવી રહેલા ઇન્ડેન ગેસના બાટલા ભરેલ ટ્રક નંબર: GJ 24 V 3868ના ચાલકે પોતાનું વાહન બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી સ્વિફ્ટ કાર સાથે ધડાકાભેર અથડાવ્યું હતું.

આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા રણજીતકુમાર સોની અને પાછળની સીટ પર બેઠેલા જમનાબેન સોનીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આરોહીબેન, બંને માસૂમ બાળકો (અમિત તથા શ્રવણ) અને યશ સોની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત સર્જાયા બાદ પાછળ આવી રહેલા અન્ય વાહનચાલકોએ તુરંત મદદ માટે દોડી આવી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ વધુ આઈસીયુ સારવાર માટે મહેસાણાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે સમી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular