પાલનપુર, 24 ઓક્ટોબર, 2026 : PM Modi will visit Bhildi, Banaskantha on Friday વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30મી ઓક્ટોબરને શુક્રવારે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. 31મીએ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. જ્યારે 30મી ઓક્ટોબરના રોજ બનાસકાઠાના ભીલડી ખાતે દેશભરના કરોડો ખેડૂતોને ‘પી.એમ. કિસાન સન્માન નિધિ’ યોજનાનો 24મો હપ્તાનું ડિજિટલ માધ્યમથી વિતરણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી બનાસ ડેરીના અનેક મહત્વકાંક્ષી વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે, બનાસકાઠામાં વહિવટી તંત્ર દ્વારા વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આગામી તા. 30મી ઓક્ટોબરના રોજ આવી રહ્યા છે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન ભીલડી ખાતે બનાસ ડેરીના અનેક મહત્વકાંક્ષી વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. જેમાં 127 એકર જમીનમાં ₹325 કરોડના ખર્ચે આકાર પામેલું ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) મુખ્ય આકર્ષણ છે. આ આધુનિક સેન્ટર દ્વારા પશુઓની ઓલાદ સુધારણા માટે અત્યાધુનિક સંશોધનો હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત પાલનપુર સંકુલમાં આવેલી ‘ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ સિસ્ટમ’ (ASRS) અને સણાદર સ્થિત બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણ પ્રોજેક્ટનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે. પર્યાવરણ અને ઊર્જા ક્ષેત્રે રાધનપુર તેમજ થરાદ ખાતે છાણ આધારિત બનાસ બાયો-CNG પ્લાન્ટનું વિધિવત ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.
વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાઓની સમીક્ષા કલેક્ટર મિહિર પટેલે ઉપસ્થિત તમામ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ, વાહન પાર્કિંગ અને ફાયર સેફ્ટી જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.


