રાજકોટ, 24 ઓક્ટોબર, 2026 : 17 fake doctors with 10th-12th education caught practicing જિલ્લામા ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વિનાના ડોકટરો પ્રેક્ટિસ કરતા હોવાની માહિતી મળ્યા બાદ જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ (એસઓજી) દ્વારા તપાસ કરીને 17 બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં 17 બોગસ તબીબો પૈકી 3 શખસો 10 પાસ હોવાનું, 3 ગ્રેજ્યુએટ, 8 શખ્સો 12 પાસ તેમજ 3 શખ્સો માત્ર 11 પાસ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ પરંતુ પકડાયેલા 17 પૈકી એક તબીબ 25 વર્ષથી, એક 20 વર્ષથી અને બાકીના 15 તબીબો એક થી લઇ સાત વર્ષથી ક્લિનિક ચલાવતા હતા.
રાજકોટ જિલ્લા પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, જિલ્લાના ગ્રામ્ય એસઓજી ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ કે માન્યતા વગર ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન ગુરૂવારે એક જ દિવસમાં કુલ 17 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમા પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2, જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3, જેતપુર તાલુકા, શાપર અને જેતપુર શહેરમાથી બે-બે, કોટડાસાંગાણી, મેટોડા GIDC, પડધરી, ગોંડલ તાલુકા, જેતપુર ઉદ્યોગનગરમાથી એક-એક નકલી ડોક્ટર મળી આવતા તેઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલા તમામ શખ્સો અગાઉ કોઈને કોઈ મેડિકલ સ્ટોર, હોસ્પિટલ કે ક્લિનિકમા કામ કરતા હોવાનું અને બાદમાં ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતા હોવાનું સામે અવ્યું છે. આરોપીઓ પાસે એલોપેથી પ્રેક્ટિસ માટે સરકાર માન્ય સર્ટિફિકેટ કે લાયસન્સ ન હોવાનું તેમજ એલોપેથિક સારવાર માટે જરૂરી ડિગ્રી સર્ટિફિકેટ ન હોવાનું સામે આવતા મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 30 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


