વડોદરા, 24 ઓક્ટોબર, 2026 : 7 arrested in gold jewellery fraud case શહેરના વાઘોડિયા રોડ પર સાંઈ ગણેશ કોમ્પ્લેક્સમાં અંબિકા જ્વેલર્સ નામે દુકાન ભાડે રાખીને ડાકોરમાં રહેતા ભાવીક દિપેશકુમાર સોનીએ મુંબઈના વેપારી સાથે વિશ્વાસ ઊભો કરીને 8,28,37,680 રૂપિયાની કિંમતના 5 કિલો 500 ગ્રામ 510 મિલિગ્રામ વજનના સોનાના અલગ-અલગ દાગીના મંગાવ્યા હતા. વેપારી સોનાના દાગીના લઈને વડોદરા આવ્યા હતા. અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં વેપારીના સોનાના દાગીના મૂકાવ્યા બાદ વેપારી વોશરૂમમાં જતાં જ દાગીનાની બે બેગ લઈને ફરાર થવાના આ કેસમાં મુખ્ય આરોપી સહિત કુલ 7 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 કિલો 376 ગ્રામથી વધુ સોનાના દાગીના, ચાંદીના છડા, વાહનો અને મોબાઇલ ફોન સહિત કુલ 3,31,71,123 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ બનાવની વિગત એવી હતી કે, ખેડા જિલ્લાના ડાકોરમાં રહેતા ભાવીક દિપેશકુમાર સોનીએ પોતાના સાગરીતો સાથે મળીને પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હતું. આરોપીએ વાઘોડિયા રોડ પર સાંઈ ગણેશ કોમ્પ્લેક્સમાં અંબિકા જ્વેલર્સ નામે દુકાન ભાડે રાખી વેપાર કરતો હોવાનું જણાવી મુંબઈના વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વેપારના હેતુથી મુંબઈના વેપારી પાસેથી 8,28,37,680 રૂપિયાની કિંમતના 5 કિલો 500 ગ્રામ 510 મિલિગ્રામ વજનના સોનાના અલગ-અલગ દાગીના મંગાવવામાં આવ્યા હતા. તા. 11 ઓક્ટોબર, 2026ના રોજ વેપારી સોનાના દાગીના લઈને વડોદરા આવ્યો હતો. આરોપી ભાવીક સોનીએ વેપારીને તમામ દાગીનાની બેગ પોતાની દુકાનમાં રાખવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ પોતે જમવા જવાનું કહી દુકાનને તાળું મારી દીધું હતું અને ચાવી પાણીના જગ નીચે સંતાડી હતી. વેપારી વોશરૂમમાં ગયો ત્યારે પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે અન્ય સાગરીતોએ દુકાનનું તાળું ખોલી સોનાના દાગીનાથી ભરેલી બે બેગ કાઢી લીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને આ કેસની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ આગળ ધપાવી હતી. આ કેસની તપાસ દરમિયાન મુખ્ય આરોપી ભાવીકકુમાર સોનીને ગોવાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુનામાં સામેલ અન્ય 6 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.


