Homeગુજરાતીગુજરાતડિગ્રી મેળવવી એ માત્ર કારકિર્દીનું નિર્માણ નથી, રાષ્ટ્ર નિર્માણની એક નવી દિશા...

ડિગ્રી મેળવવી એ માત્ર કારકિર્દીનું નિર્માણ નથી, રાષ્ટ્ર નિર્માણની એક નવી દિશા છે: મુખ્યમંત્રી

અમદાવાદ, 24 ઓક્ટોબર, 2026 :  ડૉ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે યોજાયેલ કે.એન. યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભમાં મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું  કે,વિદ્યાર્થીઓને આજે જે ડિગ્રી મળી રહી છે તે માત્ર તેમની કારકિર્દી નિર્માણ પૂરતી સીમિત નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટેની પણ એક નવી દિશા છે. યુવાનોએ માત્ર સારી નોકરી કે વ્યવસાય પૂરતું સીમિત ન રહેતા જ્ઞાન સાથે વિનમ્રતા, સફળતા સાથે સંવેદના અને શક્તિ સાથે જવાબદારી પણ નિભાવવાની છે. શિક્ષણ એ ચારિત્ર્ય નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ અને સમાજ માટે સમર્પણનું એક સક્ષમ માધ્યમ છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી નેતૃત્વનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન હંમેશા કહે છે કે “યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રશ્નો સિલેબસમાંથી પૂછાય છે, પરંતુ જીવનની પરીક્ષામાં બધું ‘આઉટ ઓફ સિલેબસ’ જ હોય છે.” યુનિવર્સિટીમાં પ્રગતિ ગુણ કે માર્ક્સથી નક્કી થાય છે, પરંતુ હવે પછીની જીવનની મંજિલ સતત પરિશ્રમના પરસેવાથી નક્કી થશે.

વડાપ્રધાનની ૨૫ વર્ષની નિષ્ઠાવાન જનસેવાને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીએ એક પણ દિવસની રજા લીધા વિના સતત રાષ્ટ્રહિત અને જનસેવા માટે કાર્ય કર્યું છે. વિશ્વમાં આવું ઉદાહરણ કદાચ બીજા ક્યાંય જોવા નહીં મળે. વડાપ્રધાનના જીવનમાંથી પ્રેરણા લઈને યુવાનોએ શીખવું જોઈએ કે “મહેનત કરવાનો થાક નથી લાગતો, પરંતુ મહેનત કર્યાનો હર્ષકારો અનુભવાય છે.”

અત્યારના સ્ટાર્ટઅપ યુગનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આજે પદવી મેળવનાર યુવાનોમાંથી ઘણા પોતાના સ્ટાર્ટઅપ કે બિઝનેસ પ્લાન સાથે આગળ વધશે. વડાપ્રધાનએ સ્ટાર્ટઅપ, સાયન્સ અને સ્કિલ દ્વારા દેશના યુવાનોને સામર્થ્યવાન બનાવવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભારતીય જ્ઞાન પરંપરા, માતૃભાષા અને આધુનિક વિજ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આજે એઆઈ , સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, સ્પેસ ટેકનોલોજી, ગ્રીન એનર્જી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સમાં યુવાનો માટે તકોના દ્વાર ખુલ્યા છે, જેના કારણે દેશનો યુવાન ‘જોબ સીકર’ મટીને ‘જોબ ગિવર’ બની રહ્યો છે.

આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાના  ૯ સુવર્ણ, ૬ રજત અને ૭ કાંસ્ય ચંદ્રકથી મળી ૨૨ તેજસ્વી વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી શ્રી સહિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા.આ ઉપરાંત ૯૪ વિદ્યાર્થીઓને વિવિધ શાખાની પદવી એનાયત કરવામાં આવી હતી

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular