નવી દિલ્હી, 24 ઓક્ટોબર 2026: ચોમાસામાં વરસાદના અભાવે દેશના કરોડો ખેડૂતો સામે પાક નિષ્ફળ જવાથી લઈને આગામી સીઝનની વાવણી સુધીનું મોટું સંકટ ઊભું કર્યું છે. ચોમાસા દરમિયાન વરસાદની ભારે અછતને કારણે ખેતી પર દબાણ ઘણું વધી ગયું છે. આઈઆઈટી ગાંધીનગરના ‘ઇન્ડિયા ડ્રોટ મોનિટર’ના ડેટા અનુસાર, દેશનો આશરે 52.5 ટકા જેટલો મોટો વિસ્તાર હાલમાં દુષ્કાળ કે દુષ્કાળ જેવી અતિ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં આ પ્રમાણ 38 ટકા જેટલું હતું, જે સપ્ટેમ્બરમાં વધીને 52.5 ટકા પર પહોંચી ગયું છે. દેશના મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં આ દુષ્કાળની સૌથી વધુ માર પડી છે, જેના કારણે ખેડૂતોએ પાક પાછળ કરેલું રોકાણ ડૂબી ગયું છે અને અગાઉ લીધેલું દેવું ચૂકવવાનો પડકાર બેવડાઈ ગયો છે.
-
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અબજો રૂપિયાનું નુકસાન
દુષ્કાળની ગંભીર અસર દેશના વિવિધ ભાગોમાં ખેતી અને ગ્રામીણ રોજીરોટી પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારોમાં સોયાબીન અને કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યના યવતમાળ જેવા જિલ્લાઓમાં ખેડૂતોએ 2.75 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો હોવા છતાં સામે માંડ 90 હજાર રૂપિયાની આવક થવાની ધારણા છે. અગાઉ જ્યાં 25 ક્વિન્ટલ સોયાબીન થતું હતું, ત્યાં આ વખતે માંડ 5 ક્વિન્ટલ ઉત્પાદન થાય તેમ છે. પશુઓ માટે ચારાની અછત સર્જાતા ખેડૂતોએ પોતાના મોંઘા બળદ પણ અડધા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. બીજી તરફ, કર્ણાટકમાં 101 તાલુકાઓમાં પ્રાથમિક આંકડા મુજબ આશરે 18 હજાર કરોડ રૂપિયાના પાકનું નુકસાન આંકવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશમાં સામાન્ય કરતાં 53.4 ટકા ઓછો વરસાદ નોંધાતા સરકારે 21 જિલ્લાના 388 મંડળોને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.
પાક નિષ્ફળ જવાથી માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ ખેતરોમાં કામ કરતા દૈનિક મજૂરોની આવક પર પણ માઠી અસર પડી છે. હવે ખેડૂતો સામે સૌથી મોટો પ્રશ્ન આગામી રવિ પાકની વાવણી માટે નાણાં ક્યાંથી લાવવા તેનો છે. ખરીફ પાકમાં થયેલા ભારે નુકસાન બાદ ખેડૂતો પાસે બિયારણ, ખાતર, સિંચાઈ અને મજૂરી માટે પૂરતા પૈસા બચ્યા નથી. આવી સ્થિતિમાં આગામી પાક લેવા માટે ખેડૂતોએ ફરીથી વ્યાજે નાણાં લેવા પડે તેવી નોબત આવી છે. જો સમયસર નાણાકીય મદદ નહીં મળે તો વાવણીમાં મોડું થશે અથવા તો વાવણીનો વિસ્તાર ઘટાડવો પડશે. રોજગારી છીનવાઈ જવાથી મહારાષ્ટ્રના કેટલાંક ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો કામની શોધમાં મોટા પાયે સ્થળાંતર કરી રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
-
સરકારી રાહતની જાહેરાતો
દુષ્કાળથી પીડાતા ખેડૂતોને રાહત આપવા માટે રાજ્ય સરકારો દ્વારા આર્થિક મદદ અને રોજગાર યોજનાઓની જાહેરાતો કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યના 305 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને પાંચ હજાર રૂપિયાની સહાય અને ‘નમો શેતકરી યોજના’ હેઠળના હપ્તા ચૂકવવાની જાહેરાત કરી છે. તેમજ ગ્રામીણ રોજગારી માટે 6729 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તેવી જ રીતે કર્ણાટક સરકારે પણ 2500 રૂપિયાની ઇનપુટ સબસીડી જાહેર કરી કેન્દ્ર પાસે મદદ માગી છે. જોકે, સરકારી જાહેરાતો અને ખેડૂતોના બેંક ખાતા સુધી પૈસા પહોંચવા વચ્ચે હજુ પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા હેઠળ કામ માગનારા પરિવારોની સંખ્યા સતત વધી રહી છે.
પૈસાની સાથે સાથે આગામી પાક માટે પાણીની અછત પણ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. કેન્દ્રીય જળ આયોગના આંકડા મુજબ, દેશના 178 મુખ્ય જળાશયોમાં તેમની કુલ ક્ષમતાના માત્ર 71 ટકા પાણી જ ઉપલબ્ધ છે, જે પાછલા 10 વર્ષની સરેરાશ કરતાં ઘણું ઓછું છે. દક્ષિણ ભારતની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે, જ્યાં 50 મુખ્ય જળાશયોમાં તેમની ક્ષમતાના માત્ર 42 ટકા પાણી જ બચ્યું છે, જે ગયા વર્ષે આ સમયે 89.35 ટકા હતું. પાણીના આ ઘટેલા સ્તરને કારણે આગામી સમયમાં સિંચાઈ પર ભારે દબાણ આવશે. આમ, દુષ્કાળ એ માત્ર એક સીઝનનો પાક નાશ પામવાની ઘટના નથી પરંતુ સમગ્ર ગ્રામીણ અર્થતંત્ર માટે મોટો આર્થિક ફટકો છે, જેને ઉગારવા માટે સમયસર વળતર, રોજીરોટી અને સિંચાઈ માટે પૂરતું પાણી પૂરું પાડવું અત્યંત જરૂરી છે.


