જયપુર, 24 ઓક્ટોબર 2026: રાજસ્થાનના ચુરુ જિલ્લામાં સાદુલપુર શહેર નજીક એક પૂરપાટ ઝડપે જતી કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારના ચાલક અને તેમાં સવાર એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા.
આ અકસ્માત દાદરેવા-તારા નગર રોડ પર થયો હતો. પરિવારના સભ્યો એક મંદિરમાં પ્રાર્થના કરવા જઈ રહ્યા હતા. કારમાં સાત લોકો સવાર હતા. ડ્રાઈવર સહિત છ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.
પોલીસે જણાવ્યું કે મૃતકોમાં બે પુરુષો, ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. અકસ્માતમાં એક બાળકી ઘાયલ થઈ છે અને હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મૃતકોમાંના પાંચ લોકો તારા નગરના સોમસિસાર ગામના એક જ પરિવારના હતા અને તેઓ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા.
કારમાં સાત લોકો સવાર હતા. ડ્રાઈવર સહિત છ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ક્ષતિગ્રસ્ત વાહનમાંથી પીડિતોને બહાર કાઢ્યા અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા.
પોલીસે જણાવ્યું કે ઘાયલ છોકરી સારવાર હેઠળ છે અને અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
મુખ્યમંત્રીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ચુરુમાં બનેલી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનાના સંદર્ભમાં, મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “ચુરુના સાદુલપુરમાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે.”
મુખ્યમંત્રીએ વધુમાં લખ્યું, “જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે કે ઘાયલોને યોગ્ય અને તાત્કાલિક તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવે. ઈશ્વર દિવંગત આત્માઓને પોતાના ચરણોમાં સ્થાન આપે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ કરે. ઓમ્ શાંતિ!”
વધુ વાંચો: ફિલિપાઈન્સમાં હવાઈ દુર્ઘટના: તાલીમ દરમિયાન બે વિમાનો હવામાં અથડાયાં, 4 પાઇલટનાં મોત


