પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી માત્ર શ્વસન સંબંધી બીમારીઓ જ નથી થતી, પરંતુ તે શરીરને અન્ય ગંભીર રોગોનો શિકાર પણ બનાવી શકે છે. એક નવી વૈજ્ઞાનિક સ્ટડી મુજબ, જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી પ્રદૂષિત હવામાં શ્વાસ લે તો તેને ‘ટાઈપ-2 ડાયાબિટીસ’ થવાની સંભાવના નોંધપાત્ર રીતે વધી જાય છે. દક્ષિણ કોરિયામાં કરવામાં આવેલા એક સંશોધનમાં આ પાછળના ચોંકાવનારા કારણો પણ સામે આવ્યા છે.
દક્ષિણ કોરિયાની જિઓનબુક નેશનલ યુનિવર્સિટી દ્વારા ‘જર્નલ ઓફ હેઝર્ડસ મટિરિયલ્સ’ માં પ્રકાશિત એક સ્ટડી અનુસાર, સંશોધકોએ ડાયાબિટીસથી પીડિત અને સ્વસ્થ ઉંદરોને કૃત્રિમ પીએમ 2.5 (હવામાર્ગના સૂક્ષ્મ કણો) ના સંપર્કમાં રાખ્યા હતા. આ પ્રયોગમાં જાણવા મળ્યું કે પ્રદૂષિત હવા અને ડાયાબિટીસે સંયુક્ત રીતે શરીરના ‘બોન મેરો’ (અસ્થિમજ્જા) ના સ્ટેમ સેલ્સને નબળા પાડી દીધા. બોન મેરો શરીરની એ જગ્યા છે જે રક્ત (બ્લડ) બનાવવાનું અને શરીરની પેશીઓની મરામત કરવાનું કામ કરે છે. ડાયાબિટીસથી પીડિત ચૂંહાઓમાં પ્રદૂષણના કારણે આ સ્ટેમ કોષો ઝડપથી વૃદ્ધ થવા લાગ્યા અને યોગ્ય રીતે કામ કરતા બંધ થઈ ગયા. આ નુકસાન પાછળ ફેફસાંમાં રહેલો એક સોજા સંબંધિત ‘સ્વિચ’ જવાબદાર હોવાનું જણાયું હતું.
-
ભારત માટે કેમ ચિંતાજનક છે આ રિપોર્ટ?
આ સ્ટડી ભારતના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે ભારતમાં પ્રદૂષણ અને ડાયાબિટીસ બંને મોટી સમસ્યાઓ છે. દેશમાં પહેલેથી જ ૧૦ કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત છે, અને શિયાળાની શરૂઆત સાથે જ ઉત્તર ભારતના શહેરોમાં પ્રદૂષિત કણોથી ભરેલો ‘સ્મોગ’ જમા થવા લાગ્યો છે. આ આંતરરાષ્ટ્રીય સ્ટડીનું નેતૃત્વ ભારતના નિષ્ણાતોએ કર્યું છે, જેમાં વિશ્વભરના 20 કરોડથી વધુ લોકો પર થયેલી 13 જૂની રિસર્ચના તારણોને જોડીને એક ‘અમ્બ્રેલા રિવ્યુ’ તૈયાર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ સંશોધન 27 ઓક્ટોબરે વેસ્ક્યુલર ડિસીઝ સાથે જોડાયેલા નામાંકિત જર્નલમાં પ્રકાશિત થયું છે.
સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે હવામાં પીએમ 2.5 ના કણો જેટલા વધુ વધશે, તેટલું જ ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધશે. આ ખતરો માત્ર કોઈ એક દેશ પૂરતો મર્યાદિત નથી, પરંતુ એશિયા અને પશ્ચિમી દેશો બંને જગ્યાએ સરખો જોવા મળ્યો છે. જ્યારે પણ હવામાં સૂક્ષ્મ પ્રદૂષણની માત્રા થોડીક પણ (10 યુનિટ) વધે છે, ત્યારે લોકોમાં ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ 10% થી 16% સુધી વધી જાય છે. આ ગંભીર પ્રદૂષણના કારણે લોકોનું ખાલી પેટનું બ્લડ સુગર લેવલ પણ વધી જાય છે અને ડાયાબિટીસજન્ય મૃત્યુના આંકડામાં પણ વધારો થાય છે.


